Abtak Media Google News

ટંકારા તાલુકાની એક લાખથી વધુ વસ્તી વચ્ચે આવેલા એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમડી તબીબની નિમણૂકથી લઈ કોરોના રસીકરણ અને સાધનોના અભાવે સારવારમાં લોલમલોલ સામે નમાલા નેતા અને નબળી પ્રજાએ શરણાગતિ સ્વીકારી લેતા આ ગંભીર બાબતે હવે વિદ્યાર્થી એકતા સંગઠને ખાંડા ખખડાવી સામુહિક આરોગ્ય કેન્દ્રની સારવાર કરવા ! લડત છેડવા એલાન કર્યું છે.

Advertisement

એક લાખથી વધુ વસ્તી વચ્ચે એક પણ એમડી ડોકટર નહિ !!

180 માસથી સતત ગાંધીનગર રીપોર્ટ છતા ધ્યાન પર લિધુ નહી નબળી નેતાગીરી જવાબદાર

ટંકારા તાલુકાએ કદાવર સાંસદને લગલગાટ ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાવ્યા હોવા છતાં ટંકારા તાલુકાના લલાટે ક્યારેય સુવિધાઓ મળી નથી. ખાસ કરીને કોરોના મહામારીની બીજી લહેરમાં શોભાના ગાંઠિયા જેવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાને અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આરોગ્યની પાયાની સુવિધા માટે નેતા અને પ્રજા બન્ને ચૂપ થઈ જતા હવે ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠને લડત આપવા નક્કી કર્યું છે.

છેલ્લા 180 મહિનાથી ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમડી ડોક્ટરની જગ્યા ભરવા સતત રજુઆત થતી આવી છે આમ છતાં એમડી ડોકટર તો ઠીક પૂરતું મહેકમ પણ નથી એ સંજોગોમાં ટંકારાને સ્ત્રી રોગ નિષ્ણાત કે હાડકાં અને આંખના ડોકટર કયાથી મળે તેવા સવાલો વચ્ચે આ બધી સ્થિતિ માટે નબળી નેતાગીરી અને નમાલી પ્રજા જવાબદાર હોવાનું સ્પષ્ટ બન્યું છે.

ઉલ્લેખનિય છે કે ટંકારા સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઇમરજન્સી રિફર કરવા સિવાય બીજી કોઈ સેવા ઉપલબ્ધ નથી. એમ્બ્યુલન્સ ફાળવી પણ ડાયવર નથી આ સંજોગોમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રની સારવાર કરવા વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા તખ્તો તૈયાર કરી ટુક સમયમાં જ ધરણા પ્રદર્શનથી લઈ આક્રમક લડત આપવા રણનીતિ ઘડી કાઢવામાં આવી છે ત્યારે ચુંટણી ટાણે મોટી મોટી ફેકતા નેતાઓ આ વિદ્યાર્થીઓની લડતને ટેકો આપે છે કે કેમ તે આવનારો સમય બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.