Abtak Media Google News

એલસીઓનો ધંધો ચોપટ ન થાય તે માટે ઓપરેટરો કોર્ટના શરણે

હાલ ટ્રાય દ્વારા જે નવા નિયમો સામે આવી રહ્યા છે તેને લઈ લોકલ કેબલ ઓપરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે. પહેલા લોકલ કેબલ ઓપરેટરો તેમના ગ્રાહકોને ખુબ જ ઓછા ભાડામાં મહતમ ચેનલ આપતા હતા પરંતુ ટ્રાય દ્વારા જે નવા નિયમોને બનાવવામાં આવ્યા છે તેમાં ગ્રાહકોને ગમતી અને જોઈતી ચેનલોના જ ભાવ તેઓએ દેવાના રહેશે. તેનાથી લોકલ કેબલ ઓપરેટર એટલે કે એલસીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડશે. કયાંકને કયાંક પોતાના ધંધાને પણ અસર થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જેને લઈ એલસીઓ કોર્ટના શરણે ગયા છે.

લોકલ કેબલ ઓપરેટરોનું માનવું છે કે, આ નિયમ બનાવવામાં આવ્યો ત્યારે તેમનો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો અને આ નિયમથી માત્ર કેબલ ઓપરેટરો નહીં પરંતુ ગ્રાહકોને ઘણી તકલીફનો સામનો કરવો પડશે. કારણકે કેબલ ઓપરેટરો દ્વારા ખુબ જ ઓછા ભાડામાં ઘણી વધુ ચેનલો આપવામાં આવતી હતી ત્યારે ટ્રાય દ્વારા એમએસસો એટલે મલ્ટી સિસ્ટમ ઓપરેટરો સાથે મંત્રણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેને દેશના તમામ એલસીઓ દ્વારા પડકારવામાં આવ્યો હતો ત્યારે પોતાને ન્યાય મળી રહે તે માટે લોકલ કેબલ ઓપરેટર કોર્ટના શરણે જતા ગુજરાત હાઈકોર્ટે ટ્રાયને નોટીસ ફટકારતા જણાવ્યું હતું કે, લોકલ કેબલ ઓપરેટરોના નફાને પૂર્ણરૂપથી નિર્ધારિત કરવામાં આવે જેથી તેમના ધંધાને કોઈપણ જાતની અસર ન થઈ શકે.

વાત કરવામાં આવે તો એમએસઓ અને એલસીઓ વચ્ચે માર્ચ-૨૦૧૭માં રેશિયો નકકી કરવામાં આવ્યો હતો જેમાં એમએસઓને ૫૫ ટકાનો નફો જયારે એલસીઓને ૪૫ ટકાનો નફો નિર્ધારીત કરવામાં આવ્યો હતો પરંતુ આ નિર્ણય બાદ ટ્રાય દ્વારા તેનો અમલ પણ કરવામાં ન આવતા લોકલ કેબલ ઓપરેટરોની હાલત ખુબ જ કફોડી બની હતી જેને લઈ લોકલ કેબલ ઓપરેટરો કોર્ટના શરણે ગયા છે. વાત કરવામાં આવે તો એલસીઓનું માનવું છે કે, તેમની આ લડાઈમાં ગ્રાહકો પણ તેમનો સાથ દે કારણકે ટ્રાય દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા છે તેનાથી ગ્રાહક ઉપર ખુબ જ માઠી અસર પડશે. આ સમસ્યાને ધ્યાને લઈ એલસીઓ દ્વારા સમગ્ર દેશમાં પોતાના વિરોધને પ્રદર્શિત કરવા માટે બ્લેક આઉટ કરવાનો પણ નિર્ણય લીધો હતો પરંતુ હાલ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ લોકલ કેબલ ઓપરેટરોના વ્હારે આવી હોય અને તેમના નફાને નિર્ધારિત કરવા માટે ટ્રાયને પણ નોટિસ ફટકારવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.