Abtak Media Google News

રાજ્યસભામાં જીતને પડકારતી ભાજપના બળવંતસિંહની ઇલેક્શન પીટિશન અંતર્ગત

અસલી દસ્તાવેજો રજૂ કરવાનો બન્ને પક્ષોને પૂરતો સમય આપ્યો, હવે વધુ સુનાવણી થશે : હાઈકોર્ટ

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલની જીતને પડકારતની અરજી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ અસલી દસ્તાવેજો રજૂ કરવાની અહેમદ પટેલની માગણી ફગાવી છે અને આદેશ કર્યો છે કે આ ઇલેક્શન પીટિશન અંતર્ગત અહેમદ પટેલ તરફથી દસ્તાવેજો રજૂ કરવાના હોય તો તેઓ કરી શકે છે. બન્ને પક્ષોને દસ્તાવેજો રજૂ કરવાનો પૂરતો સમય અપાયો હોવાથી હવે કેસની વધુ સુનાવણી ત્રીજી જુલાઈથી હાથ ધરવામાં આવશે.

આ કેસની વિગત એવી છે કે રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને ભાજપના બળવંતસિંહ રાજપૂત દ્વારા પડકારવામાં આવી હતી. ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે બે મત ગ્રાહ્ય ન રાખતા બળવંતસિંહનો પરાજય થયો હતો અને અહેમદ પટેલ વિજયી બન્યા હતા.

બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પીટિશન દ્વારા રજૂઆત કરી હતી કે ચૂંટણીપંચ પાસે કોઈ સત્તા નથી કે તે વિશેષાધિકારનો ઉપયોગ કરી કોઈ મતને ગ્રાહ્ય રાખે રદબાતલ ઠેરવે. બળવંતસિંહની ઈલેક્શન પીટિશનને રદ કરવા માટે અહેમદ પટેલ તરફથી અરજી કરવામાં આવી હતી, જે હાઈકોર્ટે ફગાવી હતી.

હાઈકોર્ટના આદેશને અહેમદ પટેલે સુપ્રિમમાં પડકાર્યો હતો અને બળવંતસિંહ રાજપૂતની અરજી રદ કરવાની માગણી કરી હતી. જેનો ચુકાદો સુપ્રિમ જુલાઈ માસમાં આપે તેવી શક્યતા છે. આ તરફ હાઈકોર્ટે બન્ને પક્ષોને તમામ ઓરિજનલ દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જેથી બળવંતસિંહે સંબંધિત તમામ ઓરિજનલ દસ્તાવેજો રજૂ કર્યા હતા પરંતુ અહેમદ પટેલ દ્વારા દસ્તાવેજો રજૂ નહોતા કરવામાં આવ્યા.

આજે અહેમદ પટેલ દ્વારા દસ્તાવેજો રજૂ કરવા માટે વધુ સમયની માગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે વધુ સમય આપવાનો ઇનકાર કરી નિર્દેશ કર્યો હતો કે તેઓ ઓરિજનલ દસ્તાવેજો રજૂ કરવા હોય તો કરી શકે છે પરંતુ કેસની વધુ સુનાવણી ત્રીજી જુલાઈના રોજ યોજાશે કારાણ કે બન્ને પક્ષોને દસ્તાવેજો રજૂ કરવાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.