Abtak Media Google News

નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સિસ્મોલોજીના મુખ્ય વૈજ્ઞાનિકે કરી આગાહી : ભૂકંપ તુર્કી કરતા પણ ભયાનક 8ની તીવ્રતાનો હશે અને ભારે વીનાશક વેરશે તેવી પણ ભીતિ વ્યક્ત કરાય

હિમાલય રેન્જ હાલ જોખમમાં મુકાઈ ગઈ છે. તેવામાં હવે કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની હિમાલય રેન્જમાં ગમે ત્યારે મહાભૂકંપ આવે તેવી નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સિસ્મોલોજીના મુખ્ય વૈજ્ઞાનિકે આગાહી કરી છે. આ ભૂકંપ તુર્કી કરતા પણ ભયાનક હશે અને તેની તીવ્રતા 8ની હોવાની શક્યતા વ્યક્ત કરાય છે.

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપથી ઘણા શહેરો તબાહ થઈ ગયા છે.  આ દુર્ઘટના બાદથી 45 હજારથી વધુ મૃતદેહો કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે.  દરમિયાન, હવે નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એનજીઆરઆઈ)ના સિસ્મોલોજીના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન.  રાવે જમ્મુથી અરુણાચલ પ્રદેશ સુધીની હિમાલય રેન્જમાં તુર્કી જેવા મોટા ભૂકંપની ચેતવણી પણ જારી કરી છે.  જોશીમઠ દુર્ઘટના વચ્ચે આ ચેતવણીથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

360 F 342709323 Btuefgp5Py69Apyaxftapr10I9Ioojyf

રાવે ધ્યાન દોર્યું કે હિમાલય રેન્જમાં સપાટીની નીચે ઘણો તણાવ ઊભો થઈ રહ્યો છે અને તણાવને દૂર કરવા માટે ‘મહા ભૂકંપ’ આવવો જરૂરી છે.  જો કે, તેમણે ઉમેર્યું હતું કે ધરતીકંપની તારીખ અને સમયની આગાહી કરી શકાતી નથી, અને વિનાશ ઘણા પરિબળો પર આધારિત છે જે એક ભૌગોલિક પ્રદેશથી બીજામાં બદલાય છે.

વાસ્તવમાં, રિક્ટર સ્કેલ પર 8 અને તેનાથી વધુની તીવ્રતાના ધરતીકંપ તદ્દન વિનાશક હોય છે.  તુર્કીમાં 7.8 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો હતો.  આ દુર્ઘટનામાં 45000 થી વધુ લોકોના મોત થયા છે.  વૈજ્ઞાનિકે ધ્યાન દોર્યું હતું કે તકનીકી રીતે તેને મોટો ભૂકંપ કહી શકાય નહીં, પરંતુ તુર્કીમાં ખરાબ ગુણવત્તાના બાંધકામ સહિતના ઘણા પરિબળોને કારણે વિનાશ વધુ હતો.  તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલા હિમાલયના ક્ષેત્રમાં 8થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના છે.

80 સિસ્મિક સ્ટેશન વડે જમીનની હિલચાલ ઉપર નજર

વૈજ્ઞાનિક ડૉ. એન. રાવે કહ્યું, ‘અમે ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરીને હિમાલયના ક્ષેત્રમાં લગભગ 80 સિસ્મિક સ્ટેશન સ્થાપિત કર્યા છે.  અમે વાસ્તવિક સમય પર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.  અમારો ડેટા દર્શાવે છે કે જમીનમાં હલચલ થઈ રહી છે. સિસ્મિક સ્ટેશન મારફત જમીનની હલચલ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

ભૂકંપનો ચોક્કસ સમય નથી જાણી શકાતો

વેરિઓમેટ્રિક જીપીએસ ડેટા પ્રોસેસિંગ એ પૃથ્વીના પેટાળમાં શું થઈ રહ્યું છે તે નક્કી કરવા માટેની વિશ્વસનીય પદ્ધતિઓ પૈકીની એક છે, રાવે જણાવ્યું હતું.  રાવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમે ચોક્કસ સમય અને તારીખની આગાહી કરી શકતા નથી, પરંતુ હિમાલય રેન્જમાં ગમે ત્યારે પ્રચંડ ભૂકંપ આવી શકે છે.’  વેરિઓમીટર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિવિધતાઓને માપે છે.

ચારધામ યાત્રા ઉપર મોટો પ્રશ્નાર્થ

બદ્રીનાથ હાઈવે ઉપર અનેક સ્થળોએ તિરાડો પડી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોની આગાહી પ્રમાણે હીમાલય રેન્જના પેટાળમાં હિલચાલ થઈ રહી છે. તેવામાં   ચાર ધામ યાત્રાના પીક ટાઈમે હજારો વાહનો રસ્તા પર દોડશે ત્યારે શું થશે એ પ્રશ્ન સર્જાયો છે. બદ્રીનાથ મંદિરના કપાટ આગામી 27 એપ્રિલના રોજ ખુલશે. જ્યારે કેદારનાથની યાત્રા 25 એપ્રિલથી શરુ થશે. સરકારે શનિવારે આની જાહેરાત કરી હતી. ગયા વર્ષે રેકોર્ડ 17.6 લાખ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથના દર્શન કર્યા હતા. જે 2019ના 12 લાખના આંકડાને પાર કરી ગયા હતા. ત્યારે લોકોની ભારે ભીડ પેટાળમાં ચાલી રહેલી હિલચાલને વધુ અસર કરે તેવી પણ ભીતિ સેવાઇ રહી છે.

સરકારે હવે ચેતવાની જરૂર, સ્વર્ગ સમી હિમાલયન રેન્જની જાળવણી કરવી પડશે

સરકારે હવે ચેતવાની જરૂર છે. હિમાલયન રેન્જ ઉપર ઉભા થયેલા જોખમ માટે કુદરત ઉપરાંત માણસ જાત પણ જવાબદાર છે. હિમાલય રેન્જમાં વિકાસ માટે કુદરતના ક્રમને અનેક રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હવે પર્યાવરણને ધ્યાનમાં રાખીને હવે અનેક પગલાંઓ ફૂંકી ફૂંકીને ભરવાની તાતી જરૂર ઉભી થઇ છે.

તુર્કી અને સીરિયામાં હજુ પણ આફ્ટર શોક યથાવત, ફરી 6.4 અને 5.8ની તીવ્રતાના ભૂકંપ આવ્યા

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપ બાદ ગઈકાલે સોમવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.  યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, તુર્કી-સીરિયા સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.  ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. હેતાય પ્રાંતના ભૂકંપમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 213 ઘાયલ થયા હતા.  જ્યારે સીરિયાના અલેપ્પોમાં કાટમાળ પડવાથી છ લોકો ઘાયલ થયા છે.  બચાવ કાર્ય ચાલુ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુર્કી-સીરિયામાં 6.4 અને 5.8ની તીવ્રતાના બે ભૂકંપ અનુભવાયા છે.  જે બાદ લગભગ 10 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી રહી હતી.

તુર્કીમાં માત્ર એક વર્ષમાં અધધધ 33 હજાર ભૂકંપ આવ્યા

તુર્કીમાં દર બીજા મહિને ધરતીકંપ આવે છે અને આ પ્રદેશને ધરતીકંપ માટે સૌથી ખતરનાક સ્થાનોમાંથી એક ગણવામાં આવે છે.  તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર, માત્ર વર્ષ 2020માં જ અહીં 33,000થી વધુ ભૂકંપ આવ્યા હતા. જેમાંથી 322ની તીવ્રતા 4.0થી વધુ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.