Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

પાકિસ્તાન સ્થિત શીખોના અત્યંત પૂજનીય તીર્થસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબમાં આજથી કોઈ રોકટોક વિના ભારતીય દર્શનાર્થીઓ ફરીથી જઈ શકશે. કેન્દ્ર સરકારે શીખ શ્રદ્ધાળુઓ માટે મંગળવારે કરતારપુર કોરિડોર ખોલવાનો નિર્ણય કર્યો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેની સતાવાર જાહેરાત કરી છે.

કરતારપુર કોરિડોર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીના અંતિમ વિશ્રામ સ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ, પાકિસ્તાનને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ગુરુદ્વારથી જોડે છે. કોવિડ-19ના પ્રકોપ બાદ માર્ચ 2020થી અટકી ગયેલી તીર્થયાત્રાને ફરી શરુ કરવાની જાહેરાત શુક્રવારે ગુરુ નાનક દેવની જયંતિથી ત્રણ દિવસ પહેલાં કરવામાં આવી.

ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું છે કે ‘એક મોટો નિર્ણય જે લાખો શીખ શ્રદ્ધાળુઓને લાભ પહોંચાડશે, નરેન્દ્ર મોદી સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરી ખોલવાનો નિર્ણય લીધો છે.’ ગૃહ મંત્રીએ કહ્યું કે આ નિર્ણય ગુરુ નાનક દેવજી અને શીખ સમુદાય પ્રતિ મોદી સરકારની અપાર શ્રદ્ધા દર્શાવે છે.’ ગૃહ મંત્રીએ કહ્યું કે દેશ 19 નવેમ્બરે શ્રી ગુરુનાનક દેવજીનો પ્રકાશ ઉત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યો છે અને તેમને વિશ્વાસ છે કે આ પગલું ‘દેશભરમાં ખુશી અને ઉત્સાહ વધારશે.’ ઉલ્લેખનીય છે  કે કરતારપુર કોરિડોરથી યાત્રા કરનારા બધા યાત્રીઓએ 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સીન સર્ટિફિકેટ સાથે લઈ જવું અનિવાર્ય છે. કરતારપુર ગુરુદ્વારામાં પણ પાકિસ્તાનના અન્ય વિસ્તારોની જેમ ત્યાંની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.