Abtak Media Google News

જામનગરની ઓશવાળ કોલોનીમાં ચૌદ દિવસ પહેલા થયેલી માતબર ઘરફોડ ચોરીના ભેદ પરથી એલસીબીએ પરદો ઉંચકયો છે તે ગુન્હામાં સંડોવાયેલા એક આરોપીને રાજસ્થાનના અજમેરમાંથી ઉપાડી લેવાયો છે. તેણે અન્ય છ સાગરિતના નામ આપ્યા છે.

જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા ઓશવાળ કોલોની વિસ્તારની શેરી નં.૬માં રહેતા જગદીશચંદ્ર રામેશ્વરલાલ નામના મારવાડી કારખાનેદાર ગઈ તા.૨૫ના દિને પોતાના સંબંધીના નડિયાદમાં યોજાયેલા વાસ્તુ પ્રસંગમાં ભાગ લેવા માટે બંગલો બંધ કરી ગયા પછી ધોળા દહાડે તેઓના મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદાજે એકસો તોલા સોનાના દાગીનાની અને રોકડ રકમની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. માતબર ચોરીના ભેદને ઉકેલવા માટે જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાને સૂચના આપવામાં આવતા પીઆઈ આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે હાથ ધરેલી તપાસમાં ત્યાંથી મળેલા સીસીટીવી ફૂટેજ ઝબ્બે લેવાયા હતા જેમાં કેટલાક શખ્સો દેખાતા હોય તેના વર્ણન, પહેરેલા કપડા વગેરે પરથી આરોપીઓને પકડી પાડવા માટે જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હતી.

તે દરમ્યાન એલસીબીના નિર્મળસિંહ એસ. જાડેજા, મિતેશ પટેલ અને રામદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સીસીટીવી ફૂટેજમાં ચોરીને અંજામ આપતા દેખાતા શખ્સો પૈકીના પગે અપંગ જોવા મળતો શખ્સ રાજસ્થાનનો અજમેરની બિજયનગર સોસાયટીમાં પહોંચી ગયો છે. આ બાતમીથી પીઆઈ ડોડિયાને વાકેફ કરાયા પછી એએસઆઈ વસરામભાઈ આહિર, દિલીપ તલાવડિયા, રામદેવસિંહ, મિતેશ પટેલ, કમલેશ રબારી સહિતનો સ્ટાફ બિજયનગર દોડી ગયો હતો જ્યાંથી તેઓએ સાવરા લાડુરામ બાવરિયા નામના શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત ચોરી અન્ય છ શખ્સોની મદદગારીથી કર્યાની કબૂલાત આપતા જામનગર ખસેડી એલસીબીએ તેના કબજામાંથી રૂ.૧૪ હજાર રોકડા અને ચોરીમાં વપરાયેલા બે ગણેશિયા કબજે કર્યા છે.

આ શખ્સની પૂછપરછમાં તેણે પોતાના સાગરિત અજમેર જિલ્લાના ભીનાઈ તાલુકાના કાળુ રામધન બાઘરિયા, ધોળુ રમેશ બાઘરિયા, રાજુ સિતારામ બાઘરિયા, ભગવાન હરિદેવ બાઘરિયા, શાહપુરાના શિવાભાઈ નીતિયાભાઈ બાઘરિયા તથા હનુમાન લાડુરામ બાવરિયા ઉર્ફે ડીજે નામના છ સાગરિતોના નામ આપ્યા છે. આ શખ્સોએ જામનગરમાં ચોરી કરતા પહેલા વડોદરામાં પણ જુદા જુદા સ્થળોએ રેકી કરી હોવાની કબૂલાત આપી છે. આ શખ્સો અગાઉ કેટલીક ચોરીમાં સંડોવાયા હતા  જેમાંથી પ્રાપ્ત થયેલો મુદ્દામાલ તેઓ હનુમાન ઉર્ફે ડીજેને વેચાણ કરવા માટે આપતા હતા. જામનગરમાં પણ ઉપરોકત મકાનમાં ચોરી કરતા પહેલા આ શખ્સોએ આંટાફેરી કરી જગદીશભાઈના મકાનને નિશાન બનાવ્યું હતું ત્યાર પછી આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. એલસીબીએ બાકીના આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. કાર્યવાહીમાં પીઆઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ. લગારિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજીભાઈ પટેલ, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, શરદ પરમાર, રામદેવસિંહ ઝાલા, દિલીપ તલાવડિયા, હરદીપ ધાધલ, કમલેશ ગરસર, પ્રતાપભાઈ ખાચર, એ.બી. જાડેજા, બળવંતસિંહ ૫રમાર, અરવિંદગીરી સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.