Abtak Media Google News

મરાઠા આરક્ષણની માંગ સાથે ચાલી રહેલ શાંતિપૂર્ણ આંદોલન સોમવારે અચાનક હિંસક બની ગયું હતું.  સોમવારે બીડમાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના કાર્યાલય પર પહેલા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પછી આગ લગાવવામાં આવી હતી.  ત્યાં પાર્ક કરેલા વાહનો સળગી ગયા હતા.  બીડમાં શરદ પવાર જૂથના એનસીપીનું કાર્યાલય પણ સળગાવવામાં આવ્યું હતું.

મરાઠા આંદોલનકારીઓએ ઘણી જગ્યાએ રસ્તાઓ પર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો.  આંદોલનકારીઓની આક્રમકતાને જોતા શાસક પક્ષના અનેક ધારાસભ્યો અને સાંસદોના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.  સાંજ સુધીમાં બીડમાં અનિશ્ચિત સમય માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.  ઉસ્માનાબાદમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.  આ દરમિયાન સીએમ શિંદે રાજ્યપાલ રમેશ બૈસને મળ્યા હતા.  અગાઉના દિવસે, એમવીએ પ્રતિનિધિમંડળ પણ રાજ્યપાલને મળવા ગયું હતું.

મહારાષ્ટ્ર સરકાર એલર્ટ : બીડ અને ઉસ્માનાબાદમાં કર્ફ્યુ લગાવાયો : ૧૩થી વધુ બસોમાં તોડફોડ : ૩૦ ડેપો દ્વારા બસ સંચાલન બંધ કરી દેવાયું

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલનમાં દિવસેને દિવસે હિંસા વકરી રહી છે. હજુ આગલા દિવસે બસને આગચંપી તથા કેટલાંય વાહનોની તોડફોડ અને ઠેર ઠેર રસ્તા રોકો બાદ બીજા દિવસ ધારાસભ્યો તથા અન્ય નેતાઓને નિશાન બનાવાયા હતા.  એક ધારાસભ્યનું ઘર સળગાવાયું હતું જ્યારે અન્ય ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી.  અન્ય એક ધારાસભ્યની ઓફિસ તથા રહેઠાણ ઉપરાંત વાહનોને  પણ આગ ચંપી કરવામાં આવી હતી. આ ઉપરાંત આંદોલનકારીઓએ મ્યુનિસિપલ કચેરીમાં પણ આગ ચાંપી દીધી હતી.

રાજ્યમાં જુદાં જુદાં ગામોમાં પણ મનોજ જરાંગેના બેમુદ્દતી ઉપવાસના ટેકામાં સાંકળી ઉપવાસ યોજવાની ઘોષણા થયા બાદ આ હિંસા વકરી છે. ૪૮ કલાકમાં ૧૩થી વધુ બસોની તોડફોડ કરવામાં આવ્યા બાદ ૩૦ ડેપો દ્વારા બસ સંચાલન બંધ કરી દેવાયું છે. તોફાનોની અસર સૌથી વધુ બીડ જિલ્લામાં છે. બીડમાં તોફાનોને પગલે વીજ પુરવઠો બંધ થતાં સમગ્ર શહેર અંધારામાં ગરકાવ થઈ ગયું હતું. રાજ્યમાં ઠેર ઠેર મોરચા નીકળી રહ્યા છે અને હાઈવે પર રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યાં છે. મરાઠા આંદોલનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરિયામ નિષ્ફળતા બદલ વિપક્ષે ગૃહ ખાતાંનો પણ હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાંની માગણી કરી છે.

મરાઠા આંદોલનકારીઓએ એનસીપીના અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સોળંકેના બીડ જિલ્લામાં મજલગાંવ ખાતેના આવેલા ઘરે આગ ચાંપી હતી. આંદોલનકારીઓએ ઘરની બહાર પાર્ક થયેલી કાર સહિત અન્ય વાહનો પણ સળગાવ્યાં હતાં. પ્રકાશ સોળંકેના જણાવ્યા અનુસાર આંદોલનકારીઓએ જ્યારે તેમના ઘરને આગ ચાંપી ત્યારે તેઓ તથા તેમના પરિવારજનો ઘરમાં જ હતા પરંતું સદભાગ્યે તેમને કોઈને કશી ઈજા થઈ નથી.  ધારાસભ્ય પ્રકાશ સોળંકે તેમનું ઘર સળગાવ્યા બાદ આંદોલનકારીઓ નજીકમાં આવેલી મ્યુનિસિપલ ઓફિસે પહોંચ્યા હતા અને તને પણ સળગાવી દીધી હતી. મુંબઈથી ૪૦૦ કિમી દૂર આવેલાં મજલગાંવ ખાતે આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આ હિંસક ઘટનાઓ બની હતી.

પ્રકાશ સોળંકે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે વિરુદ્ધ ઉચ્ચારણો બદલ મરાઠા  આંદોલનકારીઓના નિશાને આવ્યા હતા. પ્રકાશ સોળંકએ મનોજ જરાંગેએ સરકારને દસ દિવસ વધારે એટલે કે દસ દિવસનું બોનસ આપ્યું હતું. પરંતુ બોનસ આપનાર મહા હોશિયાર વ્યક્તિ છે. તેણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી લડી નથી હવે તે બધા કરતાં હોશિયાર  વ્યક્તિ બની ગયો છે, એવી ટિપ્પણી કરી હતી.  આ અંગેની ક્લિપ વાઇરલ થતા મરાઠા આરક્ષણ કરનારાએ વધુ ઉગ્ર બનાવ્યું છે. સોળંકે જણાવ્યું હતું કે હું પોતે મરાઠા છું. મારું મરાઠા આરક્ષણને ટેકો છે, પરંતુ કેટલાકે મારી અડધી વિડિયો ક્લીપ વાઇરલ કરીને ગેરસમજણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય દ્વેષરાગના વાતાવરણ વચ્ચે ગેરકાયદે કેટલાક લઇ રહ્યા છે. મરાઠા સમાજમાં મારા વિશે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન હોવાનો દાવો પ્રકાશ સોળંકેએ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.