Abtak Media Google News

રોગચાળા માટે કોર્પોરેશન જવાબદાર ન હોવાનો લુલો બચાવ: એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૨ અને ચીકનગુનિયાના ૩૦ કેસો નોંધાયા: આરોગ્ય શાખા રોગચાળાના આંકડા છુપાવતી હોવાની પ્રબળ શંકા

રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયા સહિતનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાની કબુલાત ખુદ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે પત્રકારો સમક્ષ કરી છે. જો કે સાથો સાથ તેઓએ મહાપાલિકા તંત્રનો બચાવ પણ કર્યો હતો અને એવી ડંફાસ કરી હતી કે આ રોગચાળો ફેલાવતા મચ્છરો સ્વચ્છ પાણીમાં ઉદ્ભવતા હોવાના કારણે રોગચાળા માટે મહાપાલિકાનું તંત્ર દોષિત નથી. બીજી તરફ આરોગ્ય શાખા રોગચાળાના આંકડા છુપાવતી હોવાની શંકા વધુ પ્રબળ બની છે.  મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૨૦૭ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૫૯ કેસ, ટાઈફોઈડના ૫ કેસ, ડેન્ગ્યુના ૧૨ કેસ, મરડાના ૧૭ કેસ, મેલેરીયાના ૫ કેસ, કમળાના ૨ કેસ, અન્ય તાવના ૨૭ કેસ અને ચીકનગુનીયાના ૩૦ કેસો મળી આવ્યા છે. ડેન્ગ્યુ મેલેરીયા અને ચીકનગુનીયાનો રોગચાળો વધ્યો હોવાની વાત તેઓએ કબુલી હતી. સાથો સાથ તેઓએ મહાપાલિકાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડેન્ગ્યુ અને મેલેરીયા તાવના મચ્છરો સ્વચ્છ પાણીમાં ઉદ્ભવતા હોય છે એટલે આ માટે મહાપાલિકા તંત્ર જવાબદાર નથી. લોકોએ ઘરમાં પાણી ભરેલું રાખવું નહીં અને જો રાખવામાં આવે તો તે બરોબર ઢાંકીને રાખવું તેવી પણ અપીલ કરી હતી. શહેરમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા પડયા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. છતાં મહાપાલિકાની આરોગ્ય શાખાના ચોપડે ચીકનગુનીયાના ૩૦ અને ડેન્ગ્યુના ૧૨ કેસો નોંધાયા હોય આરોગ્ય શાખા રોગચાળાના આંકડા છુપાવતી હોવાની શંકા વધુ પ્રબળ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.