Abtak Media Google News

રૈયા ચોકડી બ્રિજનું ગાબડું રાત્રે રિપેર કરી દેવાશે: કોઇ ગંભીર સમસ્યા ન હોવાનું જાહેર કરતા પદાધિકારીઓ

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી બ્રિજના સાઇડમાં ગઇકાલે એક પોપડું પડ્યું હતું. જોઇન્ટમાં તિરાડ પડી જવાના કારણે વાહનચાલકો ચિંતામાં મૂકાઇ ગયા હતાં. દરમિયાન કોર્પોરેશન દ્વારા તાત્કાલીક અસરથી ચેકીંગ હાથ ધર્યું હતું. આજ સાંજ સુધીમાં ગાબડું રિપેર કરી દેવામાં આવશે. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ તમામ બ્રિજના સ્ટ્રક્ચરની તપાસણી કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે અંતર્ગત કે.કે.વી. સર્કલ બ્રિજની ચકાસણી પૂરી કરી દેવામાં આવી હતી. આજે રાત્રે મવડી બ્રિજની ચકાસણી કરવામાં આવશે. અન્ય ત્રણ બ્રિજ નવા હોવા છતાં તેની સ્ટ્રક્ચર સ્ટેબીલીટીની ચકાસણી કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે રૈયા ચોકડી બ્રિજમાં ગાબડું પડ્યાના અહેવાલો મળ્યા બાદ કોર્પોરેશન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ગાબડું આજ રાત સુધીમાં રિપેર થઇ જશે. ગંભીર સમસ્યા નથી. શહેરીજનો કે વાહન ચાલકોએ ચિંતા કરવાની કોઇ જ આવશ્યકતા નથી.

વધુમાં મેયરએ સબંધક અધિકારીને તપાસ કરવા તેમજ અન્ય ઓવરબ્રિજોની ચકાસણી કરવા જણાવતા વેસ્ટ ઝોન કચેરીના એન્જીનિયરો દ્વારા રૈયા જંકશન બ્રિજની તપાસ કરતા જોઇન્ટની જગ્યામાં પોપડુ પડેલ અને આ પોપડુ પડવાથી કોઈ ગંભીર સમસ્યા નથી. બ્રિજ બંધ રાખવો પડે તેવો કોઈ પ્રશ્ન નથી. પડેલ ગાબડું આજરોજ રીપેર કરી આપવામાં આવશે.

વિશેષમાં, મેયરની સુચના અનુસાર અન્ય બ્રિજના જોઇન્ટ ચકાસવાના અનુસંધાને ગઈકાલ રાતના ફાયરબ્રિગેડની મદદથી અન્ય બ્રિજની ચકાસણી કરવામાં આવેલ અને આજરોજ પણ બાકી બ્રિજની ચકાસણી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ પ્રોજેક્ટ ટેન્ડરની શરતો અને ક્વોલિટી મુજબ પ્રોજેક્ટ બને તે માટે અધિકારીઓને તાકીદ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.