Abtak Media Google News

રસ્તા અને પાણી પ્રશ્ને વોર્ડના કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા રહેવાસીઓ ભાજપના ફ્રી નિદાન કેમ્પમાં ધસી જઇ હંગામો મચાવ્યો

ભાજપના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પક્ષ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે સવારે શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા રોડ પર ઓમકાર સ્કૂલમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર રસ્તા અને પાણીની સમસ્યાથી ત્રાહિમામ લોકોએ ભાજપના કાર્યક્રમમાં ભારે હંગામો મચાવ્યો હતો. મેયર ડો.પ્રદિપ ડવ અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહનો ઘેરાવ કરી લેતાં મામલો તંગ બની ગયો હતો. જો કે, કોર્પોરેશનના શાસકો આવુ કશું જ બન્યુ ન હોવાનું જણાવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યાના વર્ષો બાદ પણ કોઠારીયા વિસ્તાર પ્રાથમીક સુવિધાથી વંચિત છે. છેલ્લા ત્રણ વર્ષથી લત્તાવાસીઓ દ્વારા બિસ્માર રસ્તાઓ અને પીવાના પાણી અંગે વોર્ડના કોર્પોરેટરોને રજૂઆત કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ અને હવે ભાજપના કોર્પોરેટરો સમસ્યા હલ કરવા માટે પુરતું ધ્યાન આપતા ન હોવાની ફરિયાદ સાથે લત્તાવાસીઓ આગ બબૂલા બની ગયા છે. ભાજપ દ્વારા આજે વોર્ડ નં.18માં કોઠારીયા રોડ પર આવેલી ઓમકાર સ્કૂલમાં નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં સ્થળ પર ધસી આવ્યા હતા અને મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહની ગાડીનો ઘેરાવ કરી લીધો હતો. ત્રણેય સમક્ષ લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

તેઓની રજૂઆતને કાને ધર્યા વિના જ મેયર અને ધારાસભ્યો નિકળી ગયા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોઠારીયા વિસ્તાર મહાપાલિકાની હદમાં ભળ્યાના આઠ વર્ષે પણ પ્રાથમિક સુવિધાથી સંપૂર્ણપણે વંચિત છે.

રસ્તા અને પાણી પ્રશ્ને લત્તાવાસીઓએ માત્ર રજૂઆત કરી છે, ઘેરાવ કરાયો હોવાની વાત ખોટી: મેયર

આ અંગે ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા વિસ્તારમાં આજે ભાજપ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ પૂર્ણ થયા બાદ સ્થાનિકો દ્વારા માત્ર પાણી અને રસ્તા પ્રશ્ર્ને રજૂઆત કરવામાં હતી. લોકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હોવાની વાત તદ્ન ખોટી છે. કાર્યક્રમ છોડીને અધવચ્ચે અમે ભાગ્યા હોવાની વાત પણ ખોટી છે. લોકો દ્વારા આ અંગે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે વોર્ડ સિટી એન્જીનીંયરને ફોન પર સૂચના આપી દેવામાં આવી છે. અમૂક વિસ્તારોમાં ધીમા ફોર્સથી પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ છે. જ્યાં વાલ્વમેન બદલવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. હાલ આ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કનું કામ ચાલી રહ્યું હોવાના કારણે રસ્તા થોડા ખરાબ છે. રોડ-રસ્તાના કામ માટે પણ ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવશે. જ્યારે લત્તાવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે સ્થાનિક કોર્પોરેટરો પણ સાથે જ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.