Abtak Media Google News

અબતક, રાજકોટ

રેવન્યુ રેકોર્ડમાં નામ એ માલિકીનો ક્યારેય આધાર ન બની શકે તેવું સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે. જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેંચે જણાવ્યું હતું કે રેવન્યુ રેકોર્ડમાં પ્રવેશથી વ્યક્તિને ટાઇટલ મળતું નથી. રેવન્યુ રેકોર્ડ્સ અથવા જમાબંદીમાં એન્ટ્રીઓ માત્ર નાણાકીય હેતુ છે. આવી એન્ટ્રીઓના આધારે કોઈ માલિકી આપવામાં આવતી નથી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી મિલકતના શીર્ષકનો સવાલ છે. તે સક્ષમ અદાલત દ્વારા જ નક્કી કરી શકાય છે.

સામાન્ય સંજોગોમાં જમીન કે મિલકતને લગતા વેચાણ, ખરીદ તથા અન્ય વહેવાર રેવન્યૂ રેકર્ડ એટલે કે ૭/૧૨ તથા હક્કપત્રકને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. રેવન્યૂ રેકર્ડ પર જે વ્યક્તિ માલિક તથા કબજેદાર દર્શાવ્યા હોય તેને માલિક કબજેદાર માની લઈ જમીનના વ્યવહાર તેવી વ્યક્તિ સાથે કરવામાં આવે છે. પરંતુ કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લેતાં ૭/૧૨ હકક પત્રક એટલે રેવન્યૂ રેકર્ડ પર જેઓના નામ માલિક કે કબજેદાર દર્શાવ્યા હોઈ તે કાયદેસરના માલિક કે કબજેદાર ન પણ હોય અથવા તેઓની સાથે અન્ય વ્યક્તિ પણ સહમાલિક હોઈ શકે છે.

અથવા જેઓના નામ ૭/૧૨, હક્કપત્રકમાં દર્શાવેલ હોય તેઓ માલિક કે કબજેદાર ન હોતા અન્ય કોઈ વ્યક્તિ માલિક કે કબજેદાર હોઈ શકે છે. આમ મિલકતની માલિકી માત્ર રેવન્યૂ રેકર્ડના આધારે નક્કી થઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે, રેવન્યુ રેકોર્ડના આધારે વર્તમાન સમયમાં ટાઇટલ સહિતના અનુમાનો બાંધવામાં આવતા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે આ તદન ખોટી રીત છે.

મિલકતનું માલિકીપણું નક્કી કરવાનો સ્વતંત્ર અધિકાર ફક્ત કોર્ટ પાસે

સામાન્ય રીતે મહેસૂલી અધિકારીઓ દરેક મિલકતના તબદીલીના વ્યવહારો મુજબના હક્ક પત્રકના રેવન્યૂ રેકર્ડમાં ફેરફારની નોંધ કરતા હોય છે.  વારસાઈ, વેચાણ, બક્ષિશ, વહેંચણ વગેરે જેવા વ્યવહારો જે તે મિલકતના રેવન્યૂ રેકર્ડમાં સક્ષમ મહેસૂલી અધિકારી નોંધ કરતા હોય છે. પરંતુ માત્ર રેવન્યૂ રેકર્ડમાં થયેલ નોંધ મિલકતના એકલા અને સાચા માલિક હોવાનું કદાચ સાચું હોઇ શકે નહીં અને મિલકતમાં ટાઇટલ ક્લિયર છે કે કેમ તેવું પણ કહી શકાય નહીં. કોઈપણ મિલકતમાં રેવન્યૂ રેકર્ડમાં ગમે તે મતલબની નોંધ હોય તેમ છતાં મિલકતની માલિકીનો પ્રશ્ન હોય તો તે નક્કી કરવાની હકૂમત અને સત્તા માત્ર અને માત્ર સક્ષમ કોર્ટને જ છે તેવું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે.

 

રેવન્યૂ રેકર્ડની નોંધનું મહત્ત્વ ફક્ત નાણાકીય વસૂલાતની સવલત રહે તે પૂરતી મર્યાદિત

જ્યારે કોઇ મિલકતની માલિકી અંગે સિવિલ કોર્ટમાં દાવો થાય ત્યારે તે મિલકત સંબંધી મહેસૂલ અધિકારી દ્વારા ગામ દફતરે નોંધાયેલ રેવન્યૂ રેકર્ડ સિવિલ દાવાના કામે આખરી એટલે કે અંતિમ પુરાવા નથી. સિવિલ કોર્ટના દાવાના કામમાં રેવન્યૂ રેકર્ડ બંધનકર્તા નથી. રેવન્યૂ રેકર્ડનો ઉપયોગ માત્ર નાણાકીય હેતુ માટે એટલે કે સરકાર દ્વારા મહેસૂલની રકમ વસૂલવા માટે જ કરાવામાં આવે છે અને તે મુજબની પરિસ્થિતિ સ્થાપિત થયેલી છે કે, રેવન્યૂ રેકર્ડની નોંધોનું મહત્ત્વ ફક્ત નાણાકીય વસૂલાતની સવલત રહે તે પૂરતી મર્યાદિત છે, અને તે કોઇ મિલકતમાં કોઈ હક્ક, અધિકાર કે ટાઈટલ ઉત્પન્ન કરતા નથી, કે તેનાથી કોઈના હક્ક, અધિકાર કે ટાઇટલ છીનવાઈ જતા નથી. મિલકતોમાંથી માલિકી રેવન્યૂ રેકર્ડમાં કરવામાં આવેલી નોંધના આધાર પર નક્કી કરી ન શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.