Abtak Media Google News

શહેરના ૧૮ વોર્ડમાં નોડલ ઓફિસરની ટીમ બનાવાશે: કવોરન્ટાઇન થયેલ લોકોની મનોચિકિત્સક દ્વારા સારવાર થશે: લોકો બિનજરૂરી અફવાઓથી દુર રહે અને ઘરની બહાર ન નીકળે: કલેકટરની અપીલ

મેયર, ધારાસભ્યો સહિતના પદાધિકારી અને મ્યુ.કમિશનર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓની બેઠક મળી

સમગ્ર દેશમાં લોકડાઉન થયેલ છે. ત્યારે લોકોએ પણ સ્વયંશિસ્તમાંરહીને બીનજરૂરી ઘરની બહાર ન નિકળવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ અપીલ કરી છે કે જીવનજરૂરીયાતની ચિજવસ્તુઓ લોકોને મળતી રહેશે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહને આજરોજ તાકીદની એક બેઠક બોલાવી હતી.

રાજકોટ શહેર અને જિલ્લામાં લોકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા ચર્ચા વિચારણા અને સુચનો થયા હતાં. લોકો બિનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ ન કરે તેમજ દુકાનદારો પણ નફાખોરી તેમજ ખોટો પ્રચાર ન કરે, ખોટા પ્રચારથી લોકો શાકભાજી, દુધ, અનાજ કરીયાણા, મેડીકલ સ્ટોર વગેરે જગ્યાએ મોટી સંખ્યામાં એકત્ર થાય છે. આ પરિસ્થિતી નીવારવા માટે શહેરના ૧૮ વોર્ડમાં નોડલ ઓફીસર સાથે એક ટીમ બનાવવામાં આવશે. આ ટીમ શાકભાજી, કરીયાણું વગેરેની જથ્થાની યોગ્ય રીતે નિયતસ્થળ સુધી પહોંચાડવા તેમજ યોગ્ય રીતે વિતરણ થાય તે બાબતે  દેખરેખ રાખે તે મુજબનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.

શહેર અને જિલ્લાના છેવાડાના વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તેની પણ ચિંતા બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લાના ઔદ્યોગીક એકમોના માલીકોએ કર્મચારીની પણ ચિંતા કરવી જાઇએ જેથી તેમને કોઇ મુશ્કેલી ન પડે.

કલેકટર રેમ્યા મોહને કહ્યું કે કવોરનટાઇન થયેલ લોકોને હાથ પર સ્ટેમ્પીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથો સાથ આવી વ્યક્તિઓ માટે કાઉન્સીલીંગ સેન્ટરની પણ વ્યવસ્થા શરૂ થશે. આ સેન્ટરમાં મનોચિકિત્સક દ્વારા તેમની સારવાર થશે. બેઠકમાં અખબાર વિતરણ કરતી વ્યક્તિઓને બીનજરૂરી અડચણ ન પડે તે જોવા પણ જરૂરી  સુચનાઓ આપવા જણાવ્યું હતું.

આ મિટિંગમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ જિલ્લા કલેક્ટર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ડો. ભરત બોધરા, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયા, ભાનુભાઈ મેતા  વિગેરે ઉપસ્થિત રહેલ.

પ્રધાનમંત્રીએ કોરોના વાઈરસથી ફેલાતા રોગને આગળ વધતો  અટકાવવા માટે દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનનો નિર્ણય કરેલ છે. આ નિર્ણય સૌ દેશવાસીઓના હિતમાં છે. જેથી આ લોકડાઉનમાં સૌનો સહયોગ મળે તે ખૂબ જ જરૂરી છે. લોકડાઉન દરમ્યાન શહેરીજનોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ દવા ઉપરાંત ડાયાલીસીસ  કરાવતા દર્દી પણ પરેશાન ન થાય તેવી તમામ આનુસાંગિક વ્યવસ્થા કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

આ માટે રાજકોટ મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓ વ્યવસ્થા ગોઠવશે અને શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તેનું વ્યવસ્થિત આયોજન કરશે.  વિશેષમાં, વૈશ્વિક મહામારી રૂપે કોરોના વાઇરસથી ફેલાતા રોગચાળાને આગળ વધતો અટકાવવા દેશભરમાં  લાગુ કરવામાં આવેલ ૨૧ દિવસના લોકડાઉનનો સૌ  ચુસ્તપણે અમલ કરે અને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહે તેવી અપીલ કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.