Abtak Media Google News

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરીકન ડોલરના કદ આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આર્થિક વૃદ્ધિ દરનું ઉંચુ લક્ષ્યાંક અને અર્થતંત્રને સધ્ધર બનાવાના પ્રયાસો ચાલી રહ્યાં છે ત્યારે આર્થિક ફૂગાવો અને કાળા નાણાના ઉપાર્જનને કાબુમાં લેવા જરૂરી છે. સોનાની ખરીદીમાં જેવી રીતે આવકના સ્ત્રોતની જાહેરાત આવશ્યક છે તેવી જ રીતે હવે મિલકતોની ખરીદી માટેની મુડી પણ કાયદેસરના સ્ત્રોતોમાંથી આવેલી હોવી જોઈએ. સરકારે રીયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત દલાલોને પોતાના વ્યવસાયની નોંધ માટે રજિસ્ટર મેન્ટેઈન અને મિલકતની ખરીદી માટેની મુડીના સ્ત્રોતની ચકાસણી કરવાની જવાબદારી સાથે સાથે રોકાણ માટેના આ પૈસાનો સ્ત્રોતની જાણકારી અનિવાર્ય બનાવી છે. ભારતના રોકાણકારોમાં સોના બાદ મિલકતનું રોકાણ સૌથી વધુ સેફ હેવન માનવામાં આવે છે. સોનાની ખરીદી માટે નિશ્ર્ચિત મર્યાદા ઉપરની ખરીદીમાં પાનકાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે રીયલ એસ્ટેટમાં પણ કરવામાં આવતા રોકાણની મુડીનો સ્ત્રોત જાહેર કરવાનો કાયદો કરચોરીમાં મોટી બ્રેક લગાવનારો સાબીત થશે. રીયલ એસ્ટેટ એજન્ટ એટલે કે દલાલોને હવે પીએમએલએના કાર્યક્ષેત્ર હેઠળ લાવીને તેમને મિલકત ખરીદનાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ભંડોળના આવકના સ્ત્રોતો કાયદેસર છે કે નહીં તેની તપાસ સોંપી છે. જો કોઈ દલાલ આ તપાસ વગર મિલકતનો સોદો કરાવી દે અને ખરીદાયેલી મિલકતમાં ઉપયોગમાં લેવાયેલા નાણા કરચોરીના કે કાળા નાણા હોવાનું ફલીત થાય તો સોદો કરાવનાર દલાલને દંડ અને ૩ થી ૭ વર્ષ સુધીની જેલની સજા ઉપરાંત ખરીદદારની આવકના સ્ત્રોતોની ખરાઈ કર્યા વગરની થયેલી ખરીદ વેંચાણની કાર્યવાહી રદ્દ કરીને આખે આખી મિલકત એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ દ્વારા ખાલસા કરવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે.

મિલકતના સોદામાં જોડાયેલા દલાલોને પ્રિવેન્સીંગ ઓફ મની લોન્ડરીંગ એકટ એટલે કે, કાળા નાણા નિષેધ ધારા અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. રેરામાં નોંધાયેલા તમામ પ્રોપર્ટી ક્ધસલ્ટ કંપનીઓ અને દલાલોને હવે ફરજિયાત વ્યવસાય અંગેના રજિસ્ટર મેન્ટેઈન કરવાની ફરજ પાડવામાં આવી છે. આ જોગવાઈથી અત્યાર સુધી કાળા નાણાનો સંગ્રહનો પર્યાય બનેલા રીયલ એસ્ટેટમાં પણ હવે બે નંબરી પૈસાની કોઈ કિંમત નહીં રહે અને તમામ વ્યવસાયો, વ્યવહારો માટે કર ભરેલી સ્વેત મુડી કામની રહેશે. મિલકતની ખરીદીમાં ફરજિયાતપણે કાળા નાળાનો બાદ કરતી આ જોગવાઈથી રીયલ એસ્ટેટમાં વાસ્તવિક મુડીની તરલતાની સાથે સાથે તમામ વ્યવહારો પારદર્શક બનશે. આ માટે જમીન, મિલકત લેનાર-વેંચનારની સાથે સાથે ચોકસાઈની જવાબદારી દલાલોને શીરે નાખીને રીયલ એસ્ટેટનો વ્યવસાય સંપૂર્ણપણે પારદર્શક બનાવાની સરકારની આ પહેલ ખરેખર અર્થતંત્રમાં પ્રાણ પુરનારી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.