Abtak Media Google News
  • લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પૂર્વે 7મીએ કોર્પોરેશનમાં સંભવત: અંતિમ જનરલ બોર્ડ: સફાઇ કામદારોની જગ્યા ભરવા, આવાસ યોજનાનું નામકરણ અને કણકોટ રોડ પર 80 ફૂટ ચોકડીનું વિઠ્ઠલભાઇ રાદડિયા ચોક નામકરણ કરવા સહિતની આઠ દરખાસ્તો
  • પ્રશ્નોત્તરીમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પ્રશ્ર્નની થશે પ્રથમ ચર્ચા: ઉનાળામાં પાણી વિતરણ, મચ્છરજન્ય રોગચાળો અને પ્રિમોન્સૂન કામગીરીના આયોજન મામલેે અધિકારીઓને ભીડવશે

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય અને આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે આગામી 7મી માર્ચના રોજ કોર્પોરેશનમાં મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં સફાઇ કામદારોની ભરતી કરવા સહિતની આઠ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બોર્ડના એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પ્રશ્ર્નની પ્રથમવાર ચર્ચા થશે. તેઓએ ઉનાળાની સિઝનમાં પાણી વિતરણનું આયોજન, મચ્છરજન્ય રોગચાળો અને પ્રિમોન્સૂન કામગીરીના આયોજન સંદર્ભે પ્રશ્ર્ન રજૂ કર્યા છે. હાઇકોર્ટ દ્વારા ડિસક્વોલીફેશન રદ્ કરાયું છતાં માર્ગદર્શનના અભાવે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇના પ્રશ્ર્ન આજે સ્વિકારવામાં આવ્યો ન હતો.

કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે છે. ગઇકાલે સાંજે એજન્ડા પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યો હતો. બોર્ડમાં કુલ આઠ આઇટમો દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આજે સવારે નગરસેવકો દ્વારા પ્રશ્ર્નોત્તરી કાળ માટે પ્રશ્ર્નો રજૂ કરાયા હતા. જેમાં ભાજપના 16 કોર્પોરેટરોએ 32 પ્રશ્ર્નો અને કોંગ્રેસના બે કોર્પોરેટરો પાંચ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. ડ્રોમાં પ્રશ્ર્નોત્તરી કાળમાં પ્રથમ ભાનુબેન સોરાણીનું નામ નીકળતા તેઓના પ્રશ્ર્નની પ્રથમ ચર્ચા થશે. તેઓએ કુલ ત્રણ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જેમાં ઉનાળાની સિઝનમાં દરેક વ્યક્તિ સુધી પાણી પહોંચાડવા અને પાણીકાપ ન આવે તે માટે જળાશયોની વર્તમાન સ્થિતિ શું છે અને પાણીકાપ આપવો ન પડે તે માટે કોર્પોરેશનનું શું આયોજન છે? માથાદીઠ પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે કોર્પોરેશન દ્વારા શું કરવામાં આવશે તેની માહિતી માંગી છે. આ ઉપરાંત હાલ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેને કાબૂમાં લેવા શું આયોજન છે. ઉપરાંત પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગે પણ માહિતી માંગી છે. વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતનભાઇ પટેલનો સવાલ બીજા ક્રમે છે. જેમાં તેઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન એસ્ટેટ વિભાગ દ્વારા મહાપાલિકાના ક્યા ક્યા ટીપી પ્લોટ કેટલા સમય માટે અને ક્યા હેતુ માટે ભાડે આપ્યા છે?, કોર્પોરેશન હસ્તકના હોર્ડિગ્સ બોર્ડ અને ખાનગી હોર્ડિંગ્સ બોર્ડ કેટલા?, રોડ-ડિવાઇડર વચ્ચે ક્યા ક્યા માર્ગમાં જાહેરાતથી હોર્ડિંગ્સ બોર્ડ મંજૂરી આપવામાં આવી છે. રોશની વિભાગમાં કંઇ કંઇ કામગીરીમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેવા સવાલો રજૂ કર્યા છે.

આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સોનલબેન સેલારા, કંકુબેન ઉધરેજા, અનિતાબેન ગોસ્વામી, ભારતીબેન પાડલીયા, મંજુબેન કુંગશીયા, અલ્પાબેન દવે, પરેશ પીપળીયા, જયશ્રીબેન ચાવડા, કંચનબેન સિધ્ધપુરા, ચેતનભાઇ સુરેજા, પુષ્કરભાઇ પટેલ, ડો.હાર્દિક ગોહેલ, અલ્પેશ મોરઝરીયા અને મગનભાઇ સોરઠીયા ઉપરાંત કોંગી કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ પ્રશ્ર્નો રજૂ કર્યા છે.

જનરલ બોર્ડમાં  સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સફાઈ કામદારની મંજુર થયેલા સેટઅપમાંથી ખાલી રહેલી જગ્યાઓની ભરતી કરવા, વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ-2 કેટેગરીના બનાવવામાં આવેલા આવાસ યોજનાનું “શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ)” ટાઉનશીપ નામકરણ કરવા,  વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એક.પી.15/એ. 28/એ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈ ડબ્લ્યુ એસ -1 કેટેગરીના બનાવવામાં આવેલા આવાસ યોજનાનું શ્રી મનસુખભાઈ છાપીયા” ટાઉનશીપ નામકરણ કરવા, વોર્ડ નં.11માં સેલેનીયમ ડ્રાઇટસની સામે મવડીથી પાળ ગામ રોડ ટી.પી.27(મવડી)ના એફ.પી.51/બી માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ-2 કેટેગરીના બનાવવામાં આવેલી આવાસ યોજનાનું “શ્રી લાલુભાઈ પારેખ” ટાઉનશીપ નામકરણ કરવા,  વોર્ડ નં.3માં પોપટપરા મેઈન રોડ, ડો. વિનુભાઈના દવાખાના સામે આવેલ બસ સ્ટોપ દુર કરવા, વોર્ડ નં.7માં રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી બિલ્ડીંગ ગેઈટ નં.ર પાસે, કનક રોડ પર આવેલ કુવારો દૂર કરવા, શહેરના રાજીવ આવાસ યોજના અંતર્ગત ગોકુલનગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.7, એફ.પી.નં.148 પર બનાવવામાં આવેલા આવાસ યોજના પૈકી ખાલી રહેલ 68 આવાસો તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્માર્ટ ઘર 48(પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશીપ) યોજના અંતર્ગત ટી.પી.સ્કીમ નં.7, એફ.પી.નં.81 પર બનાવવામાં આવેલ 128 આવાસો મળીને કુલ 196 આવાસોમાં સાગરનગર અને બેટદ્વારકા સ્લમ વિસ્તારના લાભાર્થીઓને સમાવિષ્ટ કરવા, શહેરના વોર્ડ નં-11માં શ્યામલ ઉપવન ટાઉનશીપની બાજુમાં, કણકોટ રોડ, 80 ફૂટ ચોકડી પર આવેલ ચોકને “શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ચોક” નામકરણ કરવા સહિતની 8 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

સાગઠીયા અને ભારાઇના પ્રશ્ર્નો ન સ્વીકારાયા બોર્ડમાં બેસવા દેવા માટે માર્ગદર્શન મંગાયું

માર્ગદર્શન મળ્યા બાદ સાંજ સુધીમાં પ્રશ્ર્નો સ્વીકારવા કે કેમ તે અંગે નિર્ણય લેવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયેલા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવા માટે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા શહેરીવિકાસ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે વોર્ડ નં.15ના આ બંને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

જેની સામે સાગઠીયા અને ભારાઇ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેના કારણે વોર્ડ નં.15ની બે બેઠકો માટેની પેટા ચૂંટણી પણ રદ્ કરવામાં આવી હતી. ગત 16મી ફેબ્રુઆરીના રોજ આ બંને કોર્પોરેટરોનું ડિસક્વોલીફીકેશન રદ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ બંને કોર્પોરેટરો આજે સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા સમક્ષ જનરલ બોર્ડના પ્રશ્ર્નોત્તરી કાળમાં પોતાના પ્રશ્ર્નો મૂકવા માટે ગયા હતા પરંતુ સેક્રેટરીએ તેઓના પ્રશ્ર્નોનો સ્વિકાર કર્યો ન હતો અને મ્યુનિ.કમિશનર પાસે માર્ગદર્શન માંગ્યું છે. આ સંદર્ભે મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે હાલ પ્રશ્ર્ન સ્વિકારવામાં આવ્યા નથી અને માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. સાંજ સુધીમાં નિર્ણય લઇ લેવામાં આવશે.

આ બંને કોર્પોરેટરોના પ્રશ્ર્ન સ્વિકારવામાં આવશે તો તેઓને જનરલ બોર્ડમાં સભાગૃહમાં પણ બેસવાની મંજૂરી આપવામાં આવશે. હાલ પ્રશ્ર્ન થોડો પેચિદો બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.