Abtak Media Google News

મુંબઈ પોલીસે ટ્રાવેલીંગ કંપનીના પ્રમોટરોને ‘લુકઆઉટ’ નોટિસ પાઠવી

૧૭૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થતા કોટક મહિન્દ્રા બેંકે કોક્સ એન્ડ કિંગ્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી

વિશ્વભરમાં ઘણીખરી ટ્રાવેલ એજન્ટ કંપનીઓ આવેલી છે કે જે યાત્રિકોને તેમના નિયત સ્થાન અથવા તો મનગમતા સ્થળોની મુલાકાત લેવા માટે મોકલતું હોય છે આ તકે વિશ્વ આખામાં સૌથી વધુ જુની એવી કોકસ એન્ડ કિંગ્સ કંપની ઉપર લોકોને ભરોસો ખુબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળતો હોય છે. કોકસ એન્ડ કિંગ્સ કંપનીની જો વાત કરવામાં આવે તો કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાવેલીંગ પેકેજ અંગે યાત્રિકો અથવા તો મુસાફરો સહેજ પણ પ્રશ્ર્ન ઉઠાવતા નથી જેનું મુખ્ય કારણ તેમની વિશ્વસનીયતા છે. બે સદી જુની ટ્રાવેલિંગ કંપની હાલ નાણાકિય છેતરપિંડી કરી હોય તેવી વાતો સામે આવી રહી છે જે અત્યંત અચરજસમા છે ત્યારે મુંબઈ પોલીસ દ્વારા ટ્રાવેલીંગ કંપનીના પ્રમોટરને લુકઆઉટ નોટિસ પાઠવવામાં આવી છે. સાથો સાથ તમામ બોર્ડરોને પણ તાકિદ કરવામાં આવી છે કે કોકસ એન્ડ કિંગ્સ કંપનીના પ્રમોટરો દેશ છોડી અન્ય સ્થાન ઉપર ન જઈ શકે. કોટક મહિન્દ્રા બેંક દ્વારા જે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે તેમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કોકસ એન્ડ કિંગ્સના ડાયરેકટરોએ નાણાકિય છેતરપિંડી કરી છે.

મુંબઈ પોલીસ દ્વારા કંપનીના પ્રમોટર અજય અજીત પીટર કેરકરને લુકઆઉટ નોટિસ પાઠવી છે. સાથોસાથ તેમની સાથે ઉર્ષિલા કેરકરને પણ મુંબઈ પોલીસ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે અને જણાવ્યું છે કે તેઓ તેમની પુછપરછ પૂર્ણ ન થાય ત્યાં સુધી દેશ છોડી જઈ શકશે નહીં. મુંબઈ પોલીસના ઈકોનોમી ઓફેન્સ વીંગ દ્વારા કોટક મહિન્દ્રા બેંક થકી તેઓને ફરિયાદ દર્જ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, કોકસ એન્ડ કિંગ્સ કંપનીએ બેંક સાથે નાણાકિય છેતરપિંડી કરી છે. દેશ અને વિશ્વભરની ઘણીખરી કંપનીઓ કોકસ એન્ડ કિંગ્સ સાથે સંલગ્ન રહી લોકોને પ્રવાસ અર્થે મોકલતા હોય છે ત્યારે તેઓના પૈસા પણ ડુબી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. લાખો-કરોડો રૂપિયાનો વ્યાપાર કોકસ એન્ડ કિંગ્સ સાથે થતા યાત્રિકો પણ ઘણીખરી વખતે સીધા જ તેમના પેકેજો કંપની સાથે નોંધાવતા હોય છે ત્યારે આ તમામ લોકોના રૂપિયા ડુબશે કે કેમ ? તે પણ સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. મુંબઈ પોલીસ દ્વારા દેશની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર માહિતી પહોંચાડી દીધી છે કે, કોકસ એન્ડ કિંગ્સ કંપનીના પ્રમોટર તથા ડાયરેકટરો દેશની સરહદને ઓળંગી ના શકે.

કોટક મહિન્દ્રા બેંકે જે એફઆઈઆર નોંધાવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોકસ એન્ડ કિંગ્સ કંપનીએ ૧૭૦ કરોડ રૂપિયાનો નાણાકિય છેતરપિંડી કરી છે જેમાં કંપનીના પ્રમોટર તથા કંપનીના ભૂતપૂર્વ ડિરેકટરોની સંડોવણી પણ સામે આવી છે. એફઆઈઆર નોંધાતાની સાથે જ સીટી પોલીસ દ્વારા કેર કર, ખાંડેલવલના નિવાસ સ્થાનો પર ત્રાટકયા હતા અને તેમની ઓફિસોની પણ તપાસ હાથધરી હતી. બીજી તરફ અન્ય પૂર્વ ડિરેકટરોના નિવાસ સ્થાનો ઉપર પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ટ્રાવેલિંગ ક્ષેત્રે હાલ કોરોના બાદ તેની સ્થિતિ ખુબ જ દયનીય જોવા મળે છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેકવિધ લોકોએ તેમનો વ્યવસાય પણ બદલી નાખ્યો છે ત્યારે બે સદી એટલે કે ૨૦૦ વર્ષથી પણ જુની કંપની કે જેની શાખ લોકો વચ્ચે રહેલી છે તેના પર લાંછન લાગતા તે વિશ્વાસનીયતા કેળવી હતી તેના ઉપર હવે પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યો છે. હાલ કોકસ એન્ડ કિંગ્સ કંપની સાથે સંકળાયેલા નાની એજન્ટ કંપનીઓના સ્વપ્ન પણ રોળાયા છે કારણકે ઘણીખરી એજન્સીઓએ કોકસ એન્ડ કિંગ્સમાં નાણા રોકી યાત્રિકોને મુસાફરી પેકેજ એનાયત કર્યા હતા ત્યારે તેઓના નાણા તેમને પરત મળશે કે કેમ એ પણ પ્રશ્ર્ન ઉદભવિત થયો છે.

૨૩૦ વર્ષ જુની કંપની કોકસ એન્ડ કિંગ્સે લોકોની તમામ જરૂરીયાતો અને તેમની તમામ માંગોને સંતોષવા માટેના પ્રયત્નો કર્યા છે જેનો પ્રતિસાદ હકારાત્મક રીતે કંપનીને પણ મળ્યો છે પરંતુ હાલની સ્થિતિમાં જે નાણાકિય છેતરપિંડી કરવામાં આવેલો આરોપ લગાવવામાં આવ્યો છે જેનાથી ટ્રાવેલ એજન્ટ વ્યવસાયને તેની માઠી અસરનો સામનો આવનારા સમયમાં પણ કરવો પડશે જે વિશ્વસનીયતા ટ્રાવેલ એજન્ટ કંપનીઓ ઉપર જોવા મળતી હતી તેના ઉપર પણ હવે પ્રશ્ર્નાર્થ મુકવામાં આવશે. સ્થાનિક પોલીસ તંત્રને એફઆઈઆર મળતાની સાથે જ તપાસનો દૌર શરૂ કર્યો છે અને તેઓના નાણાકિય વ્યવહારો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. પ્રશ્ન એ પણ સામે ઉભો થયો છે કે કોકસ એન્ડ કિંગ્સ કંપનીની સાથે જે કોઈ અન્ય કંપનીઓની સંડોવણી જોવા મળશે તો તેઓને પણ બક્ષવામાં નહીં આવે તો હવે ચિંતાનો વિષય ટ્રાવેલ એજન્ટોને એ પણ સતાવી રહ્યો છે કે, તેમના નાણા તેઓને પરત મળશે કે કેમ એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ઘણાખરા મુસાફરોએ કંપનીની વિશ્વસનીયતાને ધ્યાને લઈ કંપની સાથે સીધો જ નાણાકિય વ્યવહાર કરેલો છે તેને જોતા તેમના નાણા પણ ફિકસ થઈ ગયા હોવાની ફરિયાદો આવનારા સમયમાં ઉઠવા પામશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.