Abtak Media Google News

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંકટ ફરી વધી જઈ રહ્યું છે. એકતરફ રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ છે એવામાં બીજી તરફ કોરોનાનો કહેર વધુ મોટું જોખમ ઉભું કરી રહ્યો છે. વાયરસના કારણે સરકાર ફરી એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં 8 મહાનગરોમાં ફરી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. તો નિયમ પણ વધુ કડક બનાવી દેવાયા છે. પરંતુ અમુક બેખૌફ અને બેવકૂફ લોકોને કારણે વાયરસ વધુ વકરી રહ્યો છે. નિયમોનો ઉલાળીયો અને કોરોના શું કરી લેવાનો? તેવા વ્હેમના કારણે આજ ફરી કેસ ઝડપભેર વધી રહ્યા છે. શાળા-કોલેજ બંધ હોવા છતાં સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના જીવના જોખમે પરીક્ષાઓ લેવાઈ રહી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ આવો બનાવ સામે આવ્યો છે. નાનાં ભૂલકાઓના સ્વાસ્થ્ય પર વાયરસના જોખમને અવગણી સંચાલક દ્વારા પ્લે હાઉસ ચાલુ રાખવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.

Advertisement

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ફેલાતા અટકાવવા રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં શૈક્ષણિક કાર્ય ઓફલાઈન કરી દેવામાં આવ્યું છે. છતાં રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં લિટલ લોર્ડ્સ નામના પ્લે હાઉસમાં બાળકોને પ્રત્યક્ષ બોલાવાતા સંચાલક સામે ગુનો નોંધાયો છે. અહીં આશરે 25 જેટલા નાના-નાના ભૂલકાઓ શિક્ષણ અને રમત-ગમતની પ્રવૃત્તિ માટે આવે છે.

આ પ્લે હાઉસનો એક વિડીયો વાઇરલ થયો હતો. જેને પગલે રાજકોટ શહેર બી. ડિવિઝન પોલીસએ પ્લે હાઉસના સંચાલક કેતનભાઇ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નાના ભૂલકાંને કોરોના થાય તો પ્લે હાઉસ સંચાલક સહિત વાલીઓ પણ એટલા જ જવાબદાર

હાલ, વધી જઈ રહેલા કોરોનાના ભરડા સામે રક્ષણ મેળવવા રસી ઉપરાંત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝર અને સફાઈ જેવા અનેક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. પરંતુ ગાઈડલાઈનનો ભંગ કરી વાઇરલ થયેલા વિડીયોમાં પ્લે હાઉસની શિક્ષિકાએ પણ માસ્ક પહેર્યા ન હોતા. આવામાં જો નાના ભૂલકાંને કોરોના થશે તો તેની પાછળ જવાબદાર પ્લે હાઉસ સંચાલક સહિત બાળકોના વાલીઓ પણ એટલા જ જવાબદાર બનશે. કારણ કે કમાઈ લેવાની હોડમાં શિક્ષિકા, આચાર્ય કે સંચાલક તો શાળા- કોલેજ કે પ્લે હાઉસ ચાલુ રાખશે પરંતુ વાલીઓએ સજાગ થઈ પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈ પ્લે હાઉસમાં મોકલવા ન જોઈએ. એટલું જ નહીં નિયમોનો ઉલાળીયો કરતા આવા કોઈ પણ એકમ અંગે જાગૃત નાગરિકની ફરજ બજાવી તંત્રને પણ જાણ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.