Abtak Media Google News
રાજકોટની પ્રજા અને પોલીસ માટે જોખમી બનેલા ઇભલાને સાતમી વખત પાસા હેઠળ જેલમાં ધકેલાયો

રાજકોટમાં પ્રજા અને પોલીસ માટે માથાનો દુખાવો બનેલા ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા સામે સાતમી વખત પાસા ઇસ્યુ કરી જેલ હવાલે ધકેલાયો છે. જેમાં પોલીસે ઘોડા છૂટયા પછી તાળું મારવા જેવું કામ કર્યું છે. જો ચૂંટણી સમયે પોલીસે આવારાતત્વો સામે કડક પગલાં લઈ પાસા અને તડીપારના પગલાં લીધા હતા. પરંતુ 50થી પણ વધુ ગુનામાં સામેલ ઈભલાને કેમ છૂટયો મૂક્યો હતો તે સવાલ હજુ લોકોને સતાવી રહ્યો છે. જેના કારણે જ ઈભલાએ ખુલ્લા સાંઢની જેમ મહિલા એએસઆઇ પર હુમલો કરવાની હિંમત આવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં હત્યા, મારામારી, ખંડણી, બળજબરીથી પૈસા પડાવવા સહિતના 50થી વધુ ગુનામાં સંડોવાયેલા ઇબ્રાહિમ ઉર્ફે ઈભલા કરીમ કાથરોટીયા સામે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે અને જોઇન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા સહિતનાઓએ પાસા ઇસ્યુ કરી તેને જેલ હવાલે ધકેલવામાં આવ્યો છે.

પરંતુ પાસા થાય તે પહેલાં જ ઈભલાએ પોતાના લખણ ઝળકાવી દીધા છે. ચૂંટણી સમયે પોલીસે 40 થી વધુ શખ્સોને પાસા અને તડીપાર કર્યા હતા. પરંતુ તે સમયે ઈભલાને કેમ છૂટો મૂકી દીધી હતો તે જ સૌથી મોટો સવાલ થઈ થયો છે.

ઈભલાને છૂટો મુકતા જ ચૂંટણી મતદાનની રાત્રે જ તેને અને તેના સાગરીતોએ પોલીસને પડકાર ફેંકી બી ડિવિઝન પોલીસ મથકના મહિલા એએસઆઇ પર હુમલો કર્યો હતો. ઈભલાએ લખણ ઝળકાવ્યા બાદ પોલીસની આખ ખુલી હોય તેમ તેને સાતમી વખત પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.