જામનગરમાં ફટાકડાના ભાવમાં ધરખમ વધારો….શું વેંચાણમાં થશે ઘટાડો ?

ભારત એટલે તહેવારોનો દેશ. તેમાં તહેવારોનો રાજા એટલે કે દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે. સમગ્ર દેશમાં ખરીદી માટે દિવાળીના પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જામનગર શહેરની બજારોમાં દિવાળીની ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે. દિવાળીના પર્વને લઇ બાળકોમાં ફટાકડાનો અનેરો ઉત્સાહ હોય છે.

ફટાકડાના ભાવમાં 50%નો ભાવ વધારો

આ વર્ષે જામનગર શહેરની બજારમાં વિવિધ અવનવી વેરાયટીના ફટાકડાનું આગમન થઈ ચૂકયું છે પરંતુ આ વર્ષે ફટાકડામાં 50 ટકાનો ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે તેમજ ફટાકડાની સપ્લાય પણ અનિયમિત રહેતા વેપારીઓેને જોઇએ તેટલો જથ્થો મળ્યો નથી.

જામનગરમાં દિવાળી ઉજવવા શહેરીજનોમાં થનગનાટ

જામનગર શહેરમાં દરવર્ષે શહેરીજનો આનંદ ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી દિવાળીના પર્વની ઉજવણી કરે છે. છેલ્લાં બે વર્ષના કોરોનાકાળને કારણે ફટાકડાના ધમાકા ઓછા રહ્યા હતાં. કોરોનાકાળ બાદ આ વર્ષે કોરોનાના કેસો ઘટતા લોકો તહેવારોની મન મૂકીને ઉજવણી કરી રહ્યા છે. નવરાત્રિ મહોત્સવની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કર્યા બાદ હવે શહેરીજનો દિવાળીની ઉજવણીમાં લાગી ગયા છે.

શિવાકાશીમાં અવિરત ભારે વરસાદને કારણે ફટાકડાનું ઉત્પાદન ઘટ્યું: વેપારી

દિવાળીના તહેવારમાં ખાસ કરીને બાળકોમાં ફટાકડાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળતો છે. ત્યારે આ વર્ષે ફટાકડામાં 50 ટકા ભાવ વધારો રહેવા પામ્યો છે. જામનગરનાં ફટાકડાના વેપારી મુન્નાભાઈ નાગોરીએ જણાવ્યું હતું કે, શિવાકાશીમાં અવિરત ભારે વરસાદને કારણે ફટાકડાનું ઉત્પાદન ઓછું થયું છે. જેના કારણે 50 ટકા માલ સપ્લાય કરવામાં આવ્યો છે. જેના પરિણામે ભાવમાં 50 ટકાનો ઉછારો આવ્યો છે.

શું ફટાકડાના ભાવ વધારાથી વેંચાણમાં થશે ઘટાડો ?

પ્રતિવર્ષ દિવાળીની આખી રાત આકાશ રંગબેરંગી આતશબાજીથી દીપી ઉઠે છે. બાળકો અને યુવાનોમાં ફટાકડાનો ભારે ક્રેઝ રહે છે. ખાસ કરીને આ વર્ષે કોરોના કાળ બાદ લોકો તહેવારોની ઉજવણી મન મૂકીને કરી રહ્યા હોય, દિવાળીના પર્વને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ત્યારે ફટાકડામાં ભાવ વધારો લોકોના બજેટને વેર-વિખેર કરી શકે છે. ચાલુ વર્ષે ઈન્ડીયન બનાવટના જ ફટાકડા બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. વિવિધ પ્રકારની ફૂલઝર, જમીનચક્રી, પોપ-પોપ સહિતના અનેક નાના મોટા ફટાકડાની સાથે ખાસ કરીને આકાશમાં થતા આતશબાજી જેવા કે, મેજીક સ્કાય, જોય શોટ, ડબ્બલ ધડાકાથી લઇને 500 ધડાકા સુધીના અનેકવિધ ફટાકડાઓનો ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. બાળકો અત્યારથી જ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે.. …..