Abtak Media Google News

તમામ દળની ટીમો તથા સ્થાનિક લોકો સહિત તમામનો જિલ્લા વહીવટી તંત્ર વતી કલેકટરે આભાર વ્યક્ત  કર્યો

મોરબી ખાતે જુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી એસ.ડી.આર.એફ. એન.ડી.આર. એફ, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી અનેક દળોની ટીમો રાહત કામગીરી માટે તથા સર્ચ ઓપરેશન માટે તૈનાત હતી.

આજે કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હર્ષદ પટેલ એ આ સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે સતત પાંચ દિવસ સુધી તમામ ટીમો દ્વારા અંડર ગ્રાઉન્ડ કેમેરા, ડીપ ડાઈવર તેમજ સોનાર જેવા અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. બચાવ કામગીરીમાં તૈનાત તમામ દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા પરથી હવે આ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવો જરૂરી જણાતાં આ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં લોકલ ફાયર બ્રિગેડ તેમજ એસ.ડી.આર.એફ. અને એન. ડી.આર.એફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ આ તમામ દળની ટીમોનો તેમજ મોરબીની જાહેર જનતા તરવૈયાઓ તેમજ મીડિયા સહિત જેમણે આ દુર્ઘટના અન્વયે કોઈપણ સહયોગ આપ્યો છે તેમનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.