Abtak Media Google News
  • ઉદ્યોગો અને સમાજ ઉપયોગી સંશોધનો યુનિવર્સિટીની લેબોરેટરીમાં તૈયાર કરતા યુવા સંશોધકો

અબતક ,વડોદરા
મેકરફેસ્ટ વડોદરા એ મેકરફેર કેલિફોર્નિયા નું ભારતીય વર્ઝન છે 2019 થી શરૂ કરી દર વર્ષે ખ.જ. યુનિવર્સિટી-ટેકનોલોજી, વડોદરા ખાતે મેકરફેસ્ટ નું આયોજન કરવામાં આવે છે. આ મેકરફેસ્ટ દેશભરમાંથી અલગ-અલગ ક્ષેત્રોના કલાકારો, એજ્યુકેટર્સ, ઇજનેરો, સંશોધકો, પર્યાવરણવિદો, ફૂડ સંશોધકો, ઉદ્યોગ સાહસિકો આવે છે તથા પોતાના સંશોધનો, પ્રોડક્ટસ કે કલાઓ રજૂ કરે છે. મેકર ફેસ્ટ માં યુવાનોથી માંડીને અનુભવી લોકો સુધી તમામ વય જૂથના મેકર્સ તેમજ દર્શકો બહોળી સંખ્યામાં ભાગ લે છે. આ મેકરફેસ્ટ મેકર્સને તેમના ઇનોવેશન મોટી જન્મેદની સમક્ષ પ્રસ્તુત કરવાની અદભુત તક આપે છે.

2.2

આ મેકરફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ ગત બે વર્ષથી ભાગ લે છે તથા તેમના સમાજ ઉપયોગી અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપયોગી એવા સંશોધનો રજૂ કરે છે. મેકર ફેસ્ટ 2022 અને મેકર ફેસ્ટ 2023 માં ભૌતિક શાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ કુલ ત્રણ પ્રોજેક્ટમાં રજૂ કર્યા છે અને ત્રણેય પ્રોજેક્ટ ને સિલ્વર પ્રાઇઝ મળ્યું હતું. ઘણા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ આ સંશોધનોમાં પોતાનો રસ દાખવ્યો હતો. મેકરફેસ્ટ 2024 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનની ફંક્શન ઓક્સાઈડ લેબ ના સંશોધકો તથા વિદ્યાર્થીઓ ત્રણ સંશોધનો રજૂ કરવા જઈ રહ્યા છે. જેમાંનું પ્રથમ સંશોધન છે ‘ફોટો કેટાલીટીક કાપડ’. કુદકે ને ભૂસકે વધતી જન સંખ્યા, ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જલ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ચૂકી છે. આ પ્રદૂષિત જળનું શુદ્ધિકરણ હાલના સમયની તાતી જરૂરિયાત છે. પ્રદૂષિત જળના શુદ્ધિકરણ હેતુ આ કાપડ બનાવ્યું છે. જે ફોટોકેટાલીટીક ક્ષમતા ધરાવે છે. આ કાપડ કાર્બન ક્વોન્ટમ ડોટનો ઉપયોગ કરીને, ડીપ કોટિંગ પ્રક્રિયાથી બનાવાયું છે. આ કાપડને ડાઈથી પ્રદૂષિત પાણીમાં નાખી સૂર્યપ્રકાશની હાજરીમાં મુકતાની સાથે અમુક મિનિટોમાં જ પાણીમાંથી ડાઈ દૂર થઈ જાય છે અને પાણી શુદ્ધ થઈ જાય છે. આ કાપડની ખાસિયત એ છે કે એ ખુબ જ ઓછા સમયમાં દુષિત પાણીમાંથી ડાઈ જેવા નુકસાનકારક દ્રવ્યોને દૂર કરી શકે છે તથા એક જ કાપડ ઘણી વાર ઉપયોગમાં આવી શકે છે. ફોટોકેટાલિટીક કાપડ એ દુષિત પાણીના શુદ્ધિકરણ માટેનું એક મહત્વપૂર્ણ સંશોધન છે જે ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ ક્રિના રામાણી, દેવાંશી પરીખ અને વૃષ્ટિ ડોબરીયા મેકર ફેસ્ટ-2024 માં રજુ કરશે.

આવો જ એક બીજો પ્રોજેક્ટ છે નેનો સેલ્યુલોઝ બેઝ ફર્ટિલાઇઝર હાઈડ્રોજેલ. હાઈડ્રોજેલના કૃષિ ક્ષેત્રે મુખ્ય બે ઉપયોગો છે. એક આ હાઈડ્રોજેલ બહોળા પ્રમાણમાં પાણી શોષી પાણીનો સંગ્રહ કરી શકે છે માટે શુષ્ક પ્રદેશોમાં ઓછા પાણીમાં ખેતી કરવા માટે ઉપયોગી થશે. બીજું કે આ હાઈડ્રોજેલમાં નેનો સેલ્યુલોઝ પણ ઉમેરવામાં આવ્યું છે. આ નેનો સેલ્યુલોઝ ગાયના છાણમાંથી બનાવેલું છે. ગાયના છાણમાંથી નેનોસેલ્યુલોઝ મેળવવાની પ્રક્રિયા ફંકશનલ ઓક્સાઇડ લેબના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે આડેધડ ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત ફેર્ટીલાઇઝર્સ ખુબ નુકશાન કારક છે. ત્યારે ગાયના છાણમાંથી મેળવેલ આ નેનોસેલુંલોસ ફેર્ટીલાઇઝર તદ્દન કુદરતી છે માટે કોઈ આડઅસરનો ભય નથી. આ નેનોસેલ્યુલોઝ ફેર્ટીલાઇઝરને હયડ્રોજેલ માં ઉમેરીને બનાવેલી આ પ્રોડક્ટ દ્વારા ઓછા પાણીનો ઉપયોગ કરીને, કોઈ નુકસાનકારક કેમિકલ વગર પાકને જરૂરી પોષકતત્વો પુરા પડશે તથા કૃષિ ક્ષેત્રે ઉપયોગી નીવડશે. આ પ્રોજેક્ટ ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ ઉર્વશી જાંબુકીયા, હિરલ કામદાર, તિલક પંડ્યા અને દિશા મકવાણાની ટીમ મેકર ફેસ્ટ 2024માં રજુ કરશે.

ત્રીજો પ્રોજેક્ટ ઔદ્યોગિક તેલ પાણીના અલગીકરણ માટે છે, જે અંતર્ગત ઓલીઓફોબિક સપાટી તૈયાર કરાયેલ છે. ઔદ્યોગિક ક્ષેત્રે તેલ-પાણીનું અલગીકરણ એક જટિલ સમસ્યા છે. આ દિશામાં ભૌતિકશાસ્ત્ર ભવનની ફંકશનલ ઓક્સિડે લેબના સંશોધકો ઘણા સમયથી કામ કરી રહ્યા છે. આ ઓલીઓફોબિક સપાટી નેનોપાર્ટિકલ્સ અને ઓર્ગનિક પોલિમર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે જે પાણીને શોષી લેશે પણ તેલને નહિ શોષે માટે તેનો ઉપયોગ તૈલીય પદાર્થો અને પાણીના અલગીકરણ માટે કરી શકાશે. ઉપરાંત આ તૈલીય પદાર્શોનો પુન: ઉપયોગ શક્ય બનાવશે. આ પ્રોજેક્ટ ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ નીતુ ચંદ્રવાડીયા, નમ્યા જોટાણીયા અને પલક દવે ટીમની મેકર ફેસ્ટ 2024માં રજુ કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ અધ્યક્ષ પ્રો. નિકેશભાઈ શાહ, અધ્યાપક ડો. ડેવીટ ધ્રુવ અને અધ્યાપક ડો. પિયુષ સોલકી ના માર્ગદર્શન હેઠળ સમાજ ઉપયોગી અને ઇનોવેટિવ આ ત્રણ પ્રોજેક્ટ 03-04 ફેબ્રુઆરી 2024 દરમિયાન વડોદરા ખાતે મેકર ફેસ્ટ 2024 માં રજૂ કરશે. ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકોને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નીલંબરીબેન દવે, કુલ સચિવ ડોક્ટર રમેશભાઈ પરમાર અને ફિઝિક્સ ભવનના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.