Abtak Media Google News

કોરોના મહામારી સામે વિશ્વ આખુ ઝઝુમી રહ્યું છે વ્યકિતગતથી માંડી આર્થિક, સામાજિક, ધાર્મિક એમ તમામ ક્ષેત્રે કોરોનાની ભારે અસર પડી છે. એમાં પણ કોરોના વાયરસ મુખ્યત્વે શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયા પર ગંભીર રૂપે અસર ઉપજાવે છે. કોરોનાકાળની શરૂઆતથી અત્યાર સુધીનાં સમય સુધી મોટાભાગના સંશોધકો, વિશ્લેષકો કે કોઈ રાષ્ટ્રની સરકાર અથવા કોઈ સામાન્ય માણસે કોરોનાને ‘નકારાત્મક’ જ ગણાવ્યો છે. જોકે, તેની વિશ્વ પર પડેલી અસરથી આમ માનવું સ્વાભાવિક પણ છે. પરંતુ કોરોના મહામારીના આ સમયથી ઉપર ઉઠીને જોઈએ તો, ઘણા હકારાત્મક પરીબળ પણ નજરે ચડશે જેમાંનું એક મહત્વનું પરીબળ છે. કુદરત દ્વારા આપણને જીવનના આધાર તરીકે વગર કોઈ ચાર્જે મળતા ‘અખૂટ સ્ત્રોત’ કોરોના વચ્ચે તાતી જરૂરીયાત ગણાતો એવો પ્રાણવાયું (ઓકિશજન) આ અખૂટ સ્ત્રોતનો જ એક અહમ ભાગ છે જે માલિક દ્વારા માનવને મળતી આવતી અનન્ય ભેટ છે. સજીવ સૃષ્ટિનો આધાર જ પ્રાણવાયું છે. પરંતુ કળીયુગી આ સમયમાં પ્રાણવાયું “દાતા જરૂર નારાજ થયો છે અને તેના પરિણામે જ કોરોના વકરી રહ્યો છે.

કહેવાય છે કે, મફતમાં મળતી વસ્તુઓની કોઈ કિંમત હોતી નથી. પછી ભલે ને તે, અતિકિંમતી હોય પણ મફતમાં મળી હોય તો તેની કિંમત શૂન્ય થઈ જાય છે. કારણ કે કિંમત ત્યારે જ વર્તાય જયારે તેની પાછળ “પરિશ્રમ” કરેલ હોય. હવા, પાણી, સૂર્યપ્રકાશ આ કુદરતી સ્ત્રોત જીવવા માટે અતિકિંમતી છે. પરંતુ આપણે તેને મેળવવા માટે એક રૂપિયાનો પણ ખર્ચ કરવો પડતો નથી કે નથી કોઈ શારીરીક કે માનસિક પરિશ્રમ કરવો પડતો. આથી જ આ બહુમૂલ્ય સ્ત્રોતની ખરી કિંમતથી આપણે અજાણ છીએ પરંતુ હાલના સમયમાં કોરોનાએ ખરેખર ‘હવા’ની કિંમત સમગ્ર સજીવસૃષ્ટિને સમજાવી દીધી છે.

કોરોના વાયરસના કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થતા માનવે મસમોટા મોંઘા વેન્ટીલેટરનો સહારો લેવો પડે છે. અને લાખો રૂપિયાના ખર્ચે “પ્રાણવાયું વેચાતો લઈ દેહને આપવો પડી રહ્યો છે. વેન્ટીલેટર પર જે દર્દી હોય તેને તો “પ્રાણવાયુ”ની કિંમત ખરીરીતે સમજાઈ ગઈ હશે પણ આ સાથે તેની સાથે સંકળાયેલા તેના પરિવારજનોને પણ પ્રાણવાયુ “દાતા”ની અહમભૂમિકા સમજાઈ ગઈ હશે.

પ્રાણવાયું માનવ જીવન સહિત સમગ્ર જીવસૃષ્ટિ માટે અનન્ય વાયું છે જ પણ આ સાથે તેની વાતાવરણમાં પણ મહત્વની ભૂમિકા છે. પ્રાણવાયું એ તત્વ આવર્ત કોષ્સનો મહત્વનો વાયું છે ઓકિસજન થકી જ પૃથ્વી ‘હરિયાળી’ છે. પૃથ્વી પર ઉગતા છોડવા વનસ્પતિઓ ઓકિસજન અને પ્રકાશસંશ્ર્લેષણ થકી જ ટકી શકે છે. માનવજીવનની વાત કરીએ તો આપણા શરીરમાં પ્રાણવાયું છે કે નહિ તે ચોકકસ પણે તપાસવાની કોઈ ગોઠવણ કુદરતે ગોઠવેલી જ નથી પરંતુ તેની જાણ તુરંત જ થઈ જાય છે. કેમકે, પ્રાણવાયું ઘટતા દબાણ વધે છે. અને સૌથી પહેલી તેની અસર આપણા કાન ઉપર પડે છે. અને ઓકિસજન સાવ જીરો સ્તરે થઈ જતા કાનના અંદરનાં ભાગ ફાટી જાય છે. અને બહેરા થઈ જઈએ છીએ.

પ્રાણવાયુંંનું મહત્વ કેટલું છે એ તો એ ઉપરથી ખબર પડી જાય છે કે, જો, વાતાવરણમાં ઓકિશજન ન રહે ને તો બધા મહાસાગરોનું પાણી પણ ‘વાયુ’ બની જાય કારણ કે પાણીએ હાઈડ્રોજન અને ઓકિસજનનાં સંયોજનથી જ બને છે. અને જો તેમાંથી ઓકિસજનના અણુ બાકાત થઈ જાય તો બચે માત્ર હાઈડ્રોજન જે ‘વિસ્ફોટક વાયું’ તરીકે ઓળખાય છે. અને તે વજનમાં હલકો હોવાથી આકાશમાં ઉડી અવકાશમાં જતો રહે અને જબરદસ્ત ધડાકો થાયતો પણ નવાઈ નહિ.

આખરે કોરોનાએ કુદરત તરફથી મફતમાં મળતા આ પ્રાણવાયુની કિમંત શું છે તે ન હોય તો માનવને કેટલુ અઘરૂ પડી જાય ?? અસ્તિત્વ જ ખતમ થઈ જાય ત્યાં સુધીનું ભાન કરાવી દીધી છે. જોકે આ મહામારી વચ્ચે ‘કૃત્રિમ પ્રાણવાયું’ એટલે કે વેન્ટિલેટરનાં ઉત્પાદકોને લાભ કરાવી દીધો છે કે જેઓ મસમોટી કિંમત વસુલી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી નફો રળી રહ્યા છે. પરંતુ તે પણ કુદરતની નજરમાંથી બાકાત રહી શકે તેમ નથી. ‘પ્રાણવાયુદાતા’ની નારાજગી આ ‘કૃત્રિમ પ્રાણવાયું’ ઉત્પાદકો પર વરસે તો તેમને પણ કોઈ સજામાંથી બચાવી શકશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.