Abtak Media Google News
  • જેઠીયાવદર, માંડેવડા, પાણીયા તથા બાબાપુર ગામને થશે ફાયદો:બગસરાથી ધારી વચ્ચે પરિવહન સરળ બનશે અમદાવાદમાં રૂ.1295 કરોડના ખર્ચે સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ, નારોલથી સરખેજ જંક્શન સિક્સ લેન એલિવેટેડ કોરિડોર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જતા એક જ દિવસમાં રૂ. 1 લાખ કરોડથી વધુની 114 પરિયોજનાઓના હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતા.

વડાપ્રધાનએ આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને 1575 કરોડ રૂપિયાના કુલ 53 કિલોમીટરના ત્રણ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

પ્રથમ પ્રોજેક્ટ અન્વયે અંદાજે રૂ.1295 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 પર સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ જંકશનથી સરખેજ જંકશન સુધી 10.630 કિલોમીટરના 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરનું બાંધકામ કરાશે.

નારોલથી સરખેજ સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થાય છે. અમદાવાદ શહેરી વિસ્તાર જુહાપુરા અને નારોલ વિશાલા વચ્ચેથી પસાર થતો હોવાથી ત્યાં ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે તથા ક્રોસ ટ્રાફિકના કારણે થતા અકસ્માતના લીધે બ્લેકસ્પોટ બને છે.

બીજા પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 વાવ ચોકડી, સતલાસણાથી વૃંદાવન ચોકડી, ખેરાલુ સુધીના 23.00 કિમી હયાત બે માર્ગીય રસ્તાને ચાર માર્ગીય કરણની કામગીરી ભારત સરકાર દ્વારા રૂ.151 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. આ 23 કિમીનો રસ્તો હાલ ટુ લેન છે અને આગળ પાછળના રસ્તા 4 લેનના હોઈ આ રસ્તા પર ભારે વાહનોનું આવન-જાવન હોય છે અને આ પ્રોજેકટ પૂર્ણ થતાં આ રસ્તો સંપૂર્ણ રીતે 4 માર્ગીય બનશે.

ત્રીજો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા માટે મંજુર થયો છે તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-351ના ગાવડકા ચોકડી થી બગસરા સુધીના 19.973 કિ. કિલોમીટરની લંબાઈના રસ્તાનુ રૂપિયા 129 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે. રસ્તાની આ લંબાઈમા મહુવા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા પીપાવાવ પોર્ટ વગેરે રૂટ ઉપર થી બગસરા, વડિયા અને જેતપુર તરફ જતા વાહનો પસાર થાય છે. અને મહુવા બંદર કેન્દ્રથી કુંડલાથી અમરેલીથી બગસરા જેતપુર એન.એચ. સાથે જોડાયેલ રૂટ વચ્ચેનું એક મહત્વપૂર્ણ આંતરરાજ્ય જોડાણ છે. ત્યાં ઘણા બધા મુખ્ય મથક, જિલ્લા સ્થળ છે અને વેપાર કેન્દ્ર મત્સ્યઉદ્યોગ અને દરિયાઈ ઉત્પાદન અને પોલ્ટ્રી ફાર્મ તરીકે વિકસિત છે. આર્થિક પ્રવૃત્તિમાં સુધારો કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લિંક હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 અને અને 27 વચ્ચેની કનેક્ટિવિટી પૂરી પાડશે.

આ 3 પ્રોજેકટોના ખાતમુહૂર્ત ઉપરાંત રાજ્યમાં હાલ અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે 6 માર્ગીયકરણ, ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ,રા.ધો. 341 ના ભુજ થી ધરમશાળાના સેકશન ને 10 મીટર પહોળો કરવાની કામગીરી,વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા-ભરૂચ સેક્શન,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-751 પર પીપળી થી ભાવનગરનું 4 માર્ગીયકરણ, વગેરે જેવા કામોનું લોકાર્પણ અગાઉ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર સામખીયાળીથી સાંતલપુર ધોરીમાર્ગનું 6 માર્ગીયકરણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 પર ઇસ્કોન જંકશનથી સાણંદ જંકશન વચ્ચે 4 કિ.મી.ના એલિવેટેડ કોરીડોરનું 530 કરોડના ખર્ચે નિર્માણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 168-જી પર મહેસાણાથી ઇડર રસ્તાના કુલ 81.300 કિ.મી. રસ્તાનું 1155 કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણ, ચિલોડા નજીક સાબરમતી નદી પર 68 કરોડના ખર્ચે 8 માર્ગીય બ્રીજની કામગીરી જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે. તેનાથી ગુજરાતના વિકાસને એક નવી ગતિ મળી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગુજરાત માટે પાછલા એક દાયકામાં કુલ રૂ.66 હજાર 470 કરોડના 199 જેટલા માર્ગ-વિકાસ પ્રોજેક્ટ મંજૂર કરેલા છે.

હાલમાં ગુજરાતમાં એન.એચ.એ.આઇ. હસ્તકના 1037 કિ.મી.ના રૂ.31,076 કરોડના કામો તથા રાજ્ય સરકાર હસ્તકના રાષ્ટ્રીય ધોરી માર્ગના 638 કિ.મી.ના કુલ રૂ.4,162 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.

નવા રોડથી ટ્રાફિક, સમય, અંતરમાં થશે ઘટાડો

અમરેલી-બગસરા વચ્ચેનું પરિવહન વધુ સરળ બનશે

અમરેલીના ગાવડકા ચોકડીથી બગસરા સુધીનો 19 કિલોમીટરનો રોડ 10 મીટર પહોળો કરવા માટે રૂ.129 કરોડ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગઇકાલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું. આ નવા રોડના નિર્માણથી અમરેલી અને બગસરા વચ્ચેનું પરિવહન વધુ સરળ બનશે. આટલું જ નહિં આ નવા રોડથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. સાથોસાથ બંને શહેર વચ્ચેનું અંતર ઘટી જશે. જેના કારણે લોકોનો સમય પણ બચશે. ધંધા-રોજગારને વેગ મળશે. નવા રસ્તાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. પરંતુ તેનું કામ ઝડપથી પૂર્ણ થાય અને સેવા લોકોને મળતી થાય તેવી લાગણી સ્થાનિકોના મનમાં રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.