Abtak Media Google News

પરપ્રાંતીયો ઘરભેગા થતા રણચંડીઓ મેદાને ઉતરી

રાજકોટમાં એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝમાં મહિલા કામદારોનું પ્રમાણ વધ્યું, કેટલીક કંપનીઓ એવી છે કે જ્યાં મહિલાઓનો સ્ટાફ 50% કરતા પણ વધી ગયો

વેલ્ડિંગ, હેમરિંગ, પ્રેસિંગ અને રોલિંગ જેવી કામગીરી એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળતી હોય છે. અહીં કાચાપોચા અને થોડી મહેનત કરીને થાકી જાય તેવા નહીં પરંતુ ખડતલ લોકોની જરુર હોય છે. કારણ કે અહીં ક્યારેક કામ કરતી વખતે ક્યારેક તાપમાન 140 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતું હોય છે.

Advertisement

સામાન્ય રીતે સ્ત્રીઓ આવા કામ કરતી જોવા મળતી નથી, પરંતુ જયશ્રી પારઘી પાછલા એક વર્ષથી મેટોડા જીઆઈડીસીમાં આ પ્રકારનું ખડતલ કામ કરી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર જયશ્રી નહીં પરંતુ મોટી સંખ્યામાં અહીં મહિલાઓ કઠીન એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીના કામને બહુ જ આરામથી ન્યાય આપી રહી છે. તેઓ સખત મહેનતવાળુ કામ કરીને ફેક્ટરીમાં પરસેવો પાડે છે. સદીઓથી જે કામ પુરુષોના નામ સાથે જોડાયેલું હોય તેના પર સ્ત્રીઓએ કબજો કરી લીધો છે. અહીં જે ઓટો પાર્ટ્સ ઉદ્યોગ પુરુષ કામદારનો ગઢ મનાતો હતો, પરંતુ તેમની જગ્યા એક વર્ષથી સ્ત્રીઓએ લઈ લીધી છે.

આ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ, ફોરગિંગ, મોલ્ડિંગ રબર, લેથ મશિન પર કામ અને સીએનસી મશિનરી પર થતા મુશ્કેલ કામ સ્ત્રીઓ આરામથી કરી રહી છે.પ્રવાસી મજૂરો આ ઈન્ડસ્ટ્રી છોડીને ગયા પછી અહીં સ્ત્રીઓને કામ કરવાની તક મળી છે. ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રવાસી કામદારો કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના લીધે પોતાના વતન પરત ગયા હતા અને પછી ત્યાંથી પરત આવ્યા નહોતા. આમ થવાથી કેટલાક યુનિટ્સમાં મજૂરોની અછત ઉભી થઈ હતી, જેથી રાજકોટ અને આપાસના ગામોની મહિલાઓને અહીં કામ કરવાની તક મળી. આ ખડતલ કામ કરવા તૈયાર થયેલી મહિલાઓની ટ્રેનિંગ શરુ થઈ અને પછી તેમને કામની સોંપણી કરવામાં આવી હતી.અહીં કેટલીક કંપનીઓ એવી છે કે જ્યાં મહિલાઓનો સ્ટાફ 50% કરતા પણ વધી ગયો છે.

ફેકટરીમાં પુરૂષ કામદારો કરતા મહિલાઓ રાખવાનો આગ્રહ વધ્યો, તેની પાછળ અનેક કારણો

હવે ફેક્ટરીઓમાં પુરુષ કામદારો કરતા મહિલા કામદારો રાખવાનો આગ્રહ વધ્યો છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. પ્રથમ તો એ પુરુષોને વ્યસન હોય, તેઓ વ્યસન માટે કામ દરમિયાન થોડો સમય ખર્ચે છે. વધુમાં પુરુષ કરતા મહિલાઓ કામ ખંતથી કરે છે. એકાગ્રતા વધુ હોય છે. આમ મહિલા કામદારો દ્વારા વધુ કામ થતું હોવા સહિતના અનેક કારણોસર મહિલા કામદારોની માંગ વધી છે.

ટ્રેનિંગ અને પ્રેક્ટિસ બાદ મહિલાઓ કામમાં થઈ ગઈ છે નિપુણ

જયશ્રી પારધી કે જેઓ અહીં વેલિંગ કામ સંભાળે છે તેમણે જણાવ્યું છે કે, “હું અમારા ખેતરમાં કામ કરતી હતી પરંતુ તે મોસમી હતું. અહીં મને વધારે કમાવાનની તક મળે છે. ખેતીમાં પણ સખત મહેનત કરવી પડે છે પરંતુ અહીં કામ કરવામાં ફરક એટલો છે અહીં જોખમનું પરિબળ વધુ રહેલું છે. પરંતુ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ પછી હું આત્મવિશ્વાસ સાથે આ કામ કરી શકું છું.”

અમુક ફેકટરીમાં 90 ટકા જેટલો મહિલા સ્ટાફ

સ્નેહા ગણાતરા કે જેઓ રબર મોલ્ડિંગમાં કામ કરે છે ત્યાં મહિલા સ્ટાફની સંખ્યા 90% છે. તેઓ કેટલીક ઓટોમોબાઈલ કંપની માટે ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફ્રેક્ચરર તૈયાર કરવાનું કામ કરે છે. સ્નેહા કહે છે કે, અહીં કુલ 50 કામદારો છે તેમાંથી 38 મહિલા કામદારો છે. જેઓ ઉત્કૃષ્ઠ કામગીરી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.