Abtak Media Google News

વિકટ પરિસ્થિતિમાં માનવતાના સાદને ઝીલી રોજ ૩૦૦ લોકોને ભોજન, રાશનકિટ વિતરણ ઉપરાંત થેલેસેમિક દર્દીઓ માટે ૮૦૦ બોટલથી વધુ રકતનો જથ્થો ઉપલબ્ધ કરાવી માનવ ધર્મ નિભાવતા દિલેર દાતાઓ

રાજકોટથી ૧૪ કિમી. દુર લોધિકા તાલુકાના ઢોલરા ગામે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ ‘દીકરાનું ઘર’ હાલ ૫૫ તરછોડાયેલા અને નિરાધાર માવતરોની સેવા કરી તેની ટાઢક આપી રહ્યું છે.

છેલ્લા ૨૨ વર્ષથી સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક, માનવતાવાદી અને શૈક્ષણિક પ્રવૃતિમાં અગ્રેસર ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ ગરીબ પરિવારોની ચિંતા કરી તેને મદદ કરી રહ્યું છે.

આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી તેમજ ઉપેન મોદીએ જણાવ્યું છે કે રાજકોટએ સેવાની નગરી છે. ત્યારે ‘દીકરાનું ઘર’ દ્વારા છેલ્લા ૨૭ દિવસથી રોજ ૩૦૦ લોકોનું પેટ ઠારવાનું ભગીરથ કામ કરી રહ્યું છે. સંસ્થા દ્વારા રોજ ૩૦૦ લોકોને ભોજન પુરું પાડવામાં આવે છે.

આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના ડો. નિદત બારોટ, સુનીલ વોરા, કિરીટ આદ્રોજા તેમજ નલીન તન્નાએ જણાવ્યું છે કે આવી પડેલ આપતીને અવસરમાં ફેરવવાનો એક મોકો સમાજને મળ્યો છે. ત્યારે ‘દીકરાનું ઘર’ પરિવાર દ્વારા ૨૦૦થી વધુ જરૂરતમંદ પરિવારોને રાશન કીટ તેમજ અત્યંત ગરીબ પરિવારના ૫૦ જેટલા થેલેસેમિક બાળકોને જરૂરીયાત મુજબ રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં ૫૦૦ જેટલા થેલેસેમિક બાળકો છે. રકતના અભાવે કોઇ દર્દી કે થેલેસેમિક બાળકોનો જાન જોખમમાં ન મુકાય તે હેતુથી રાજકોટની તમામ બ્લડ બેંકોમાં જરૂરીયાત મુજબનો સ્ટોક પૂરો પાડવામાં ટીમ ‘દીકરાનું ઘર’ નિમિત બની છે. રાજકોટની સિવિલ હોસિપટલમાં ૨૨ માર્ચ જનતા કરફયુના દિવસે માત્ર ૧૨ બોટલનો સ્ટોક ઉપલબ્ધ હતો. ત્યારે ઘેર ઘેર વન ફેમેલી વન ડોનરનું સુત્ર ગુંજતું કરી મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ સાથે સંકલન કરી રકતદાતાઓ સાથે સંકલન કરી ૮૦૦થી વધુ રકતનો જથ્યો ઉપલબ્ધ કરાવી માનવધર્મ બજાવ્યો હતો. આ ઉપરાંત ફિલ્ડમાર્શલ બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંકમાં પણ રકતનો જથ્થો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી.

સેવા યજ્ઞમાં સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ શહેરના શ્રેષ્ઠીઓ મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, ધીરૂભાઇ રોકડ, હસુભાઇ રાચ્છ, હરેશ પરસાણા સહિતના લોકોની હુંફ મળી હતી. સમગ્ર વ્યવસ્થામાં સંસ્થાના હાર્દિક દોશી, સંદિપ સખીયા, ઉપીન ભિમાણી, જગદીશ કોટક, ગૌરાંગ ઠકકર, આશિષ વોરા, હિરેન જોષી, સખતસિંહ રાઠોડ, પ્રવિણ હાપલીયા, ચેતના પટેલ, સુનિલ વોરા, કિરીટ આદ્રોજા, જગદીશ પાલીવાલ, હરેશ દવે, કિશન ગામેત સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.