Abtak Media Google News

ગુજરાત સરકારે ખૂબ કઠિન ગણાતી ગિરનાર અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં ખૂબ મોટો વધારો કર્યો છે. ચાર વય જૂથમાં યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેના પુરસ્કારમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, રાષ્ટ્રીય કક્ષાની 4 વય જૂથની સ્પર્ધામાં  1 થી 10 સુધીમાં ક્રમાંક મેળવનારને અગાઉ કુલ 5.50 લાખના આપતા, હવે કુલ 19 લાખની ઈનામી રાશિ અપાશે. તેવી જ રીતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કુલ 66,000ની પુરસ્કાર રાશિ વધારીને રૂ. 8,40 લાખ કરવામાં આવી છે.

અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને 50,000 જગ્યાએ રૂ.1 લાખ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને રૂ. 7000 જગ્યાએ 50,000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર રાશીના વધારાનો  લાભ આગામી સમયમાં  યોજાનાર સ્પર્ધામાં મળશે.

ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને  જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ભારતના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત તેમજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે રાજ્યકક્ષાની સ્પર્ધા તા. 7 જાન્યુઆરી 2024ના રોજ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તા. 4 ફેબ્રુઆરી-2024ના રોજ યોજાશે. આ માટેની પૂર્વ તૈયારીઓ કલેકટર  અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ રાજ્ય સરકારમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પુરસ્કારમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી. આમ, તેમની રજૂઆતને પણ સફળતા મળી છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ દેશ અને રાજ્યમાંથી આવતા સ્પર્ધકોને મોટી ભેટ આપી છે, ત્યારે સ્પર્ધકોને પ્રોત્સાહન મળવાની સાથે તેમનો ઉત્સાહ પણ વધશે.

દરમિયાન જુનાગઢ કલેકટર એ પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. તેમજ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ અને રાજ્યકક્ષાની સ્પર્ધાને નવી ઉંચાઈ મળવાની સાથે સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો થશે. તેમ જણાવ્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.