Abtak Media Google News

Table of Contents

જૂનાગઢમાં યોજાયેલ 37 મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા યુવાનીના જોમ જુસ્સા સાથે સંપન્ન 

41.36 મીનીટના સમય સાથે સીનીયર બહેનોમાં વાળા પારૂલ તથા 40.31 મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં કાથુરિયા રોઝીના પ્રથમ

58.4 મીનીટના પરમાર લાલાભાઈ અને જુનીયર ભાઈઓમાં ડાભી યોગેશ પ્રથમ

સંપૂર્ણ ભારત વર્ષની સાહસિકતાથી ભરપૂર અને અતિ રોમાંચિત કરનારી 37 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગઈકાલે જૂનાગઢમાં યોજાઇ ગઈ. રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને માત્ર મિનિટોમાં સર કરવા ગઈકાલે 1227 સ્પર્ધકોએ દોટ મુકી હતી. અને પવન વેગે દોડતા આ સ્પર્ધકો એ પોતાના જોમ, જુસ્સાં સાથે સ્પર્ધા પૂર્ણ કરી હતી.

Advertisement

પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર એવા ગિરિવર ગિરનારની ભૂમીમાં ગઈકાલે રવિવારની સવારના ખુશનુમા વાતાવરણમાં 6-45 કલાકે ભાઈઓની તથા 9:30 કલાકે બહેનોની સ્પર્ધાનો મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, પુનીતભાઈ શર્મા, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના  અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફ થી પ્રારંભ કરાવ્યો હતો.

આ સ્પર્ધામાં  સીનીયર ભાઈઓમાં 481, જુનીયર ભાઈઓ 417, તથા સીનીયર બહેનો 157, જુનીયર બહેનો 172 ભાગ લીધો હતો. અને પવન વેગે ઉડતા આ સાહસિક સ્પર્ધકોએ માત્ર મિનિટોમાં ગિરનાર પર્વતનું આરોહણ – અવરોહણ પૂર્ણ કરી સ્પર્ધા પૂર્ણ કરી હતી, અને માત્ર સેકંડના ફેરફાર સાથે સિનિયર ભાઈઓ, બહેનો અને જુનિયર ભાઈઓ તથા બહેનો મળી કુલ 40 સ્પર્ધકો વિજેતા જાહેર થયા હતા, જે સ્પર્ધકોને મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ કોટેચા, કોર્પોરેટર આરતીબેન જોશી, શીલ્પાબેન જોશી, પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે મેયર  ગીતાબેન પરમારે અધ્યક્ષીય પ્રવચનમાં ગિરનારની આ કઠિન સ્પર્ધામાં વિજેતા તથા ભાગ લેનાર તમામ  સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય  સંજયભાઈ  કોરડિયા એ જણાવ્યું હતું કે, વર્ષ 1971 થી આ સ્પર્ધા શરૂ થઈ છે. ત્યારે હાલમાં 37 મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે. સમગ્ર દેશમાં  માત્ર ગુજરાતમાં  ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે. તેમણે સ્પર્ધકોના જુસ્સાને બીરદાવતા કહયું હતું કે, સ્પર્ધામાં જીત-હાર ઈનામ એ એક વ્યવસ્થાનો ભાગ હોય છે. પરંતુ આવી કઠિન સ્પર્ધામાં ભાગ લેવોજ  મહત્વની બાબત છે. વધુમાં સંજયભાઈ એ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં   મળેલ સર્ટીફીકેટ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બને એ માટે રાજ્ય સરકારમાં ધ્યાન દોરાશે.

અતિ જોખમી છતાં સદનસીબે આ વર્ષે કોઈ સ્પર્ધકોને મોટી ઈજા થવા પામી ન હતી, અને કોઈ અનિચ્છનિય બનાવ આ સ્પર્ધા દરમિયાન બન્યો ન હતો, પ્રારંભથી અંત સુધી સુવ્યવસ્થિત ચાલેલી આ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી તથા 150 થી વધુ રમતગમત વિભાગના કર્મચારીઓ  વ્યાયામ શિક્ષકો, કોચ સહિતના કર્મીઓએ ફરજ બજાવી હતી, જ્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ નિવૃત્ત શિક્ષકો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, ભૂતપૂર્વ રમતવીઓએ પોતાની સેવા આપી હતી,

આ સાથે મેડીકલ કોલેજના તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ, 108 એમ્બ્યુંલન્સ ટીમ, મહાનગરપાલિકા નો સ્ટાફ, પોલીસ તંત્ર, વન વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મીઓ ખડે પગે રહ્યા હતા.

‘અબતક’ ચેનલનો વારંવાર આભાર મનાયો

સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતું. હારુન વિહળ વ્યવસાયે આચાર્ય છે. પરંતુ નેશનલ કક્ષાના ખેલાડી તથા કોચ છે આ સિવાય અનેક પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના રમતગમત એસોસિએશન, મંડળોમાં સેવા આપી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમના ઉદઘોસક હારુન વિહળે સ્પર્ધા દરમિયાન મંચ ઉપરથી વારંવાર અબતક ન્યુઝ પેપર અને ચેનલ તથા જૂનાગઢની ટીમનો આભાર માન્યો હતો. મંચ ઉપરથી અબતક ચેનલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. તેની વારંવાર નોંધ લેવામાં આવી હતી. અને અબતક ચેનલના માધ્યમથી આ સ્પર્ધા દેશ અને દુનિયાના લોકો જોઈ રહ્યા છે. તે બદલ અબતકનો આભાર માનવામાં આવ્યો હતો.

‘અબતકે’ પૂછેલા પ્રશ્નનો ધારાસભ્યએ પોઝિટિવ પ્રત્યુતર આપ્યો કહ્યું આ બાબતની સરકારમાં રજૂઆત કરીશ

અન્ય સ્પર્ધાની જેમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા બનનાર ખેલાડીઓને અપાતા સર્ટિફિકેટની કોઈ સરકારી નોકરી કે અભ્યાસ માટે વેલ્યુ અંકાતી નથી. ત્યારે લાઈવ દરમિયાન અબ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાને પ્રશ્ન કર્યો હતો કે, ખેલાડીઓની વર્ષો જૂની માંગ છે કે, આ ખૂબ જ સાહસિક અને જોખમી સ્પર્ધાના સર્ટિફિકેટની વેલ્યુ નોકરી અને અભ્યાસમાં આપવામાં આવે, ત્યારે આપ ધારાસભ્ય આ બાબતે સરકારમાં કોઈ પ્રયાસ કરશો કે કેમ ? ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ઇનામ વિતરણ સમારોહમાં સ્ટેજ ઉપરથી જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું છે, અને ખેલાડીઓની પણ માંગણી છે, ત્યારે આ સ્પર્ધાના સર્ટિફિકેટની વેલ્યુ થાય તે માટે તેઓ ધારાસભા અને સરકારમાં રજૂઆત કરશે અને સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને તેનો લાભ થાય તે માટે તેઓ સફળ પ્રયત્ન કરશે.

સ્પર્ધામાં પોલીસ અને વન વિભાગ એ ગોઠવ્યો હતો બંદોબસ્ત

સ્પર્ધા દરમિયાન સ્પર્ધાના રૂટ અને ખાસ કરીને ગિરનારના પગથિયા ઉપર કોઈ સ્પર્ધકોને કોઈ દ્વારા અડચણ ઊભું કરવામાં ન આવે તથા સ્પર્ધાના સ્થળ અને સ્પર્ધકોના ઉતારાના સ્થળ સહિત સમગ્ર ભવનાથ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભવનાથ પી.એસ.આઈ. ચુડાસમા સહિત 165 થી વધુ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ દ્વારા શનિવાર સાંજથી ગિરનારના અંબાજી સુધીના વિવિધ પોઇન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે વન વિભાગના અધિકારીઓ, કર્મીઓ દ્વારા પણ કોઈ વન્ય પ્રાણી દ્વારા સ્પર્ધકો અને વ્યવસ્થાપક ટીમને કોઈ હેરાનગતિ ન થાય તે માટે   ગિરનારના પગથીયા ઉપર બંદોબસ્ત ગોઠવી ફરજ ઉપર તૈનાત રહ્યા હતા.

સર્વોદય બ્લડ બેન્ક અને ગિરનાર ડોળી એસો. સેવા માટે ખડે પગે

દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વોદય બ્લડ બેન્કના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂની આગેવાની હેઠળ ભવનાથ મૂળ પોઇન્ટથી લઈને માળી પરબ, દેરાસર અને અંબાજી ખાતે સર્વોદય બ્લડ બેન્કની 4 ટીમ દ્વારા સ્પર્ધકો માટે પીવાના પાણી, ગ્લુકોઝ, પીપરમેન્ટ અને લીંબુ તથા આમળા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીઓને કોઈ મેડિકલ પેઇન થાય તો તેમના માટે તાત્કાલિક સારવારની કીટ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.જ્યારે ડોલી એસોસિયેશનના સેવાભાવી ડોળીવાડાઓ કોઈ સ્પર્ધકને ઇજા થાય તો તેમને તાત્કાલિકા ડોળી મારફત નીચે લઈ આવવા માટે ગિરનારના પગથિયા ઉપર સેવા આપવા માટે ખડે પગે રહ્યા હતા.

લોકોએ ઘરે બેઠા ગિરનાર સ્પર્ધાનો રોમાંચ નિહાળ્યો અખિલ ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનું એક માત્ર

અબતક મીડિયા હાઉસ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને લાખો દર્શકોએ અબ તકની યુ – ટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ મારફત ઘરે બેઠા લાઈવ ટેલીકાસ્ટ નિહાળ્યું હતું. જુનાગઢ અબતક ટીમના દર્શન જોશી, મિલન જોશી દ્વારા સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લાઈવ કોમેન્ટરી સાથે, સ્પર્ધાના ઇતિહાસ, મુલાકાતો સાથે લાખો લોકોને સ્પર્ધાથી માહિતગાર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.