Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય

અત્યાર સુધી કિલોમીટરદીઠ રૂ.12.50 ચૂકવાતા હતા ઈ-બસ માટે ચૂકવાતા અનુદાનમાં પણ કરાયો વધારો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની સીએનજી અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આહવાન કરેલું છે. ગુજરાતે વડાપ્રધાનના આહવાનને ઝિલી લઈને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ 3 મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની 10 નગરપાલિકાઓના 1068 સીએનજી  અને 382 ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે. મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને પીપીપીના ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર, મહાનગરપાલિકાઓને સીએનજી બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ. 12.50 નાં સ્થાને હવે રૂ. 18 આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ 50 ટકા મળતા હતા તેમાં 10 ટકાનો વધારો કરીને હવે 60 ટકા આપવામાં આવશે.

આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ સીએનજી બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં પીપીપી ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂ. 22 અનુદાન પેટે અપાશે તેમજ વીજીએફ ઘટ ના વધુમાં વધુ 50 ટકા મળતા હતા તે વધારીને 75 ટકા પ્રમાણે અપાશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ પીપીપી ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ રૂ. 25 નાં સ્થાને હવે રૂ. 30 અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહીં, આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટ ની જે રકમ અગાઉ 50 ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ 60 ટકા મળશે.

રાજ્યમાં ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ રૂ. 40 અને ઘટ ની રકમના વધુમાં વધુ 75 ટકા અનુદાન આપવાનો જનહિતકારી નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ 2,864 બસની કરેલી જોગવાઈઓ સામે 662 ઇ-બસ અને 1097 સીએનજી એમ કુલ 1759 બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી 382 ઇ-બસ અને 1068 સીએનજી બસ હાલ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.