Abtak Media Google News

ધો.૧૦નાં પરિણામ પહેલા ૧૧માં ધોરણમાં પ્રવેશ મળી શકશે નહીં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગુરુવારે ગાંધીનગર ખાતે સામાન્ય સભામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં સૌથી અગત્યનો નિર્ણય ધો.૧૦ અને ધો.૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતાના વતનની કોઈપણ શાળાની પરીક્ષા કેન્દ્ર રાખી શકશે એટલે કે પરીક્ષાનું કેન્દ્ર પસંદગીનું રાખી શકાશે. આ ઉપરાંત ધો.૧૦ અને ધો.૧૨માં જે પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતી વધુ થતી હોય અને તે પરીક્ષા કેન્દ્રનો કોઈ વિદ્યાર્થી પ્રામાણિકપણે પરીક્ષા આપવા માંગતો હોય તો જે પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતી થતી નથી તેવું નજીકનું પરીક્ષા કેન્દ્ર વિદ્યાર્થી માંગે તો પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરી આપવામાં આવશે. ૧૯૯૬થી બંધ કરાયેલી પ્રથા ફરીથી શરૂ કરવા ગઈકાલની શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૯૭૦નાં દાયકામાં ગોંડલમાં પરીક્ષાર્થીઓની સંખ્યા વધી જતાં સ્કોડનું નિર્માણ થયું હતું ત્યારબાદથી દર વર્ષે સ્કોર્ડનું પ્રમાણ વધી ગયું. ૧૯૯૬માં પસંદગીનું કેન્દ્ર રાખવાની પ્રથા બંધ કરવામાં આવી હતી જોકે તે હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે તેવું સિનિયર શિક્ષણ બોર્ડ સભ્ય ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં કોઈપણ જિલ્લાનાં રહિશો અમદાવાદ કે બરોડા ગયા હોય અને ત્યાં આખું વર્ષ અભ્યાસકર્યો હોય બાદમાં વિદ્યાર્થી પરીક્ષાનું ફોર્મ સૌરાષ્ટ્રમાં પોતાનાં વતનનું પરીક્ષા કેન્દ્ર રાખવા માંગતો હોય તો તે પરીક્ષાનું ફોર્મ ભરે ત્યારે કેન્દ્રમાં પોતાનાં વતનનું નામ લખી શકશે. આ ઉપરાંત વધુ ગેરરીતી થતી હોય તેવા પરીક્ષા કેન્દ્રનો કોઈ વિદ્યાર્થી પ્રામાણિકપણે બીજે પરીક્ષા આપવા માંગતો હોય કે તો જે પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતી થતી નથી તો નજીકનું પરીક્ષા કેન્દ્ર વિદ્યાર્થી માંગે તો પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરી આપવામાં આવશે.આ ઉપરાંત શાળાને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે માત્ર કાગળ પર ચાલતી શાળાઓની મંજુરી આપોઆપ રદ થઈ જશે. તેમજ ધો.૧૦ અને ધો.૧૨માં જે વિદ્યાર્થીની હાજરી ખુટતી હોય તે વિદ્યાર્થી ખાનગી પરીક્ષાર્થી તરીકે ફોર્મ ભરી શકશે. નોનગ્રાન્ટેડ શાળાઓ ધો.૧૦નાં પરિણામ પહેલા ધો.૧૧માં પ્રવેશ પરીક્ષા લઈને જ પ્રવેશ આપે છે. ધો.૧૦નાં પરીણામ પહેલા પ્રવેશ આપી શકશે નહીં. ધો.૧૦નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર થયા બાદ જ પ્રવેશ આપી શકાશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.