Abtak Media Google News
  • નવી કોર્ટ બિલ્ડીંગ પાસે 27 વર્ષીય હેમાલી વરુની હત્યા મામલે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો

રાજકોટ શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાસે એક 27 વર્ષીય મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા મહત્વની બ્રાન્ચોએ તપાસ હાથ ધરી હતી. ત્યારે મામલામાં અગાઉથી જ પોલીસને પતિ પર શંકા હતી અને અંતે પતીએ જ હત્યા નીપજવ્યાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી ન્યુ કોર્ટ બિલ્ડીંગ સામે શિવસાગર સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં 27 વર્ષીય હેમાલી વરુ નામની મહિલાની હત્યા કરાયેલી હાલતમાં બે દિવસ પૂર્વે લાશ મળી આવી હતી. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પતિ અલ્પેશ વરુ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ તેમજ તપાસમાં ખૂલે તેમના વિરુદ્ધ ipc 302, 394, 449, 452, 454, 457 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

ત્યારે બે દિવસની પોલીસ તપાસમાં હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પતિ હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે 60,000ની કિંમતના સોનાના દાગીનાની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી. પોલીસની પૂછપરછમાં ભાંડો ફૂટતા આખરે તેને ગુનાની કબુલાત આપી છે. જોકે, હવે આ બે વર્ષની દીકરીએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવ્યાનો વારો આવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, બે દિવસ પૂર્વે બપોરના બે વાગ્યાના અરસામાં પત્ની હેમાલી સાથે ઝઘડો થતા કાતરના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પતિ અલ્પેશ ઘરમાં જ બેઠો રહ્યો હતો. તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ઘરમાંથી જ પત્નીના મોબાઇલમાં અલગ અલગ સમયે ચાર જેટલા ફોન કર્યા હતા. જે બાબતનો ઉલ્લેખ તેને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પણ જણાવ્યું છે. તેમજ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના આઠ વાગ્યે પોતે ઘરે આવ્યો ત્યારે પત્નીની લોહિયાળ હાલતમાં લાશ પડી હતી. તેમજ બે વર્ષની પુત્રી રૂહી તેને જોતાં જ ભેટી ગઈ હતી.

પુત્રી જાગી જતાં વિડીયો જોવામાં વ્યસ્ત રાખી નિર્મમ હત્યાને અંજામ આપ્યો

જ્યારે કે પોલીસ તપાસમાં તેણે જણાવ્યું છે કે પત્નીની હત્યા કર્યા બાદ દીકરીને સુવડાવી દીધી હતી. તેમજ પુત્રી જાગી જતા પત્નીના મોબાઇલ ફોનમાં વીડિયો ચાલુ કરી દીકરીને જોવા માટે આપી દીધો હતો. દીકરી મોબાઈલ જોવામાં વ્યસ્ત થતા પોતે ઘરમાંથી નીકળી ગયો હતો અને ઘરના રૂમનું બારણું તેમજ ડેલી બહારથી બંધ કરી દીધા હતા જેથી દીકરી બહાર નીકળી ન શકે.

કેશોદ જવાની માથાકૂટમાં હત્યા નીપજાવી દીધી

અલ્પેશ વરૂના ભાભુનું અવસાન થતાં અલ્પેશની માતા વનિતાબેન કેશોદ ગયા હતા. જ્યારે કે બપોર બાદ અલ્પેશ અને તેની પત્ની કેશોદ જવાના હતા. બે દિવસ પૂર્વે હેમાલી મવડી ચોકડી પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર નોકરીએ પણ ગઈ હતી. જ્યારે કે તેનો પતિ પણ નોકરીના સ્થળ પર ગયો હતો. બંને કેશોદ જવાનું હોવાથી પોતાના શેઠ પાસેથી એક હજાર રૂપિયાનો ઉપાડ પણ લીધો હતો. ત્યારબાદ બંને ઘરે આવ્યા હતા અને કેશોદ જવાના મુદ્દે માથાકૂટ થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.