Abtak Media Google News

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી આપનારાઓએ 48 કલાકની મુદત આપી 10 લાખ ડોલરના બિટકોઇનની માંગણી કરી છે. ઘટનાને પગલે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ધમકી ઈમેલ દ્વારા આવી છે. ઈમેલ મોકલનારે આ વિસ્ફોટને ટાળવા માટે 48 કલાકની અંદર 10 લાખ ડોલરની ખંડણી માગી છે, તે પણ બિટકોઈનમાં. તેણે ઈમેલમાં વધુમાં કહ્યું કે, જો બિટકોઈનમાં રકમ નહીં આપવામાં આવે તો સ્થિતિ અતિ ખરાબ થઈ શકે છે.

48 કલાકમાં 10 લાખ ડોલરના બિટકોઇનની માંગણી : ઇમેઇલ દ્વારા મળી ધમકી, પોલીસ તપાસનો ધમધમાટ

મુંબઈની સહાર પોલીસે કલમ 385 અને 505(1)(બી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે ઈમેલના આધારે જ એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે “[email protected]” નામના આઈડી પરથી આ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. આરોપીએ ગુરુવારે સવારે 11 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ફીડબેક ઈનબોક્સમાં આ ઈમેલ મોકલ્યો છે.

ધમકીભર્યા ઈમેલમાં આરોપીએ લખ્યું છે કે તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો 10 લાખ ડૉલર આપવામાં નહીં આવે તો અમે 48 કલાકની અંદર એરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બ ધડાકા કરીશું. તેના માટે બિટકોઈનમાં અમને આ ખંડણીની રકમ ચૂકવવામાં આવે. 24 કલાક પછી વધુ એક એલર્ટ મોકલીશું. જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરી લેવાયો છે. પોલીસ હવે ઈમેલ મોકલનાર વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે પોલીસે તે આઈપી એડ્રેસ ટ્રેસ કર્યું છે જ્યાંથી આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. હવે પોલીસ ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિને ઓળખવામાં વ્યસ્ત છે. આ પહેલા પણ મુંબઈ પોલીસને ઘણા ધમકીભર્યા કોલ આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.