Abtak Media Google News

ગુરૂવારે અને શુક્રવારે રાત્રીનાં ૮ વાગ્યા સુધી તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસે વેરો સ્વીકારાશે

પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે મહાપાલિકા દ્વારા દર વર્ષે વેરામાં ૧૦ ટકા અને ૧૫ ટકા વળતર આપવાની યોજના શરૂ કરવામાં આવે છે. ગત ૧૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવેલી ૧૦ ટકા વેરા વળતર યોજનાનાં હવે છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ટેકસ સ્વિકારવાનાં સમયમાં ૪ કલાકનો વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત મેયર બીનાબેન આચાર્ય દ્વારા કરવામાં આવી છે. આવતીકાલે ગુરુવારે અને શુક્રવારનાં રોજ તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે રાત્રીનાં ૮:૦૦ વાગ્યા સુધી વેરો સ્વિકારવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, દર વર્ષે મહાપાલિકા દ્વારા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વેરા વળતર યોજના શરૂ કરવામાં આવે છે જેમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૩૧મી મે સુધી ૧૦ ટકા અને મહિલાઓનાં નામે નોંધાયેલી મિલકતમાં ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે.

ત્યારે વેરો સ્વિકારવાનો સમય ૪ કલાક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ મહાપાલિકા દ્વારા સવારે ૧૦:૩૦ કલાકથી બપોરે ૪:૦૦ વાગ્યા સુધી વેરો સ્વિકારવામાં આવે છે. કાલે ગુરુવારે અને પરમદિવસે શુક્રવારે તમામ વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટરો ખાતે સવારે ૧૦:૩૦ કલાકથી રાત્રીનાં ૮ વાગ્યા સુધી સળંગ વેરો સ્વિકારવામાં આવશે. આ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જો જ‚રીયાત જણાશે તો ૧૦ ટકા વેરા વળતર યોજનાની મુદતમાં પણ વધારો કરવાની વિચારણા હાલ ચાલી રહી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ વેરા વળતર યોજનાનો ૧.૭૯ લાખ કરદાતાઓએ લાભ લીધો છે જેઓને મહાપાલિકા દ્વારા રૂ.૭.૫૦ કરોડનું વળતર આપવામાં આવ્યું છે. મહાપાલિકાને ટેકસ પેટે રૂ.૮૫ કરોડની આવક થવા પામી છે. ચાલુ સાલનાં બજેટમાં ટેકસ બ્રાંચને ૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ૩૧મી મે સુધીમાં વેરો ભરનારને ૧૦ અને ૧૫ ટકા જયારે ૧ જુનથી ૩૦ જુન સુધી વેરો ભરનારને અનુક્રમે ૫ ટકા અને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. આ યોજનાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા પણ મેયર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.