Abtak Media Google News

આંદોલનમાં છેલ્લા એક વર્ષે પણ જેઓ મુલાકાતે ન આવ્યા તે નેતાઓએ હવે લખીમપુરમાં દોટ લગાવી

ખેડૂત આંદોલન હવે પૂર્ણતાના આરે પહોંચ્યું હોય, પંજાબનું રાજકારણ પણ તેમાં જોડાયું : જશ ખાટવા ધરાર આંદોલનમાં ઘુસવા કોંગી નેતાઓની હોડ લાગી

અબતક, નવી દિલ્હી : નબળા પડેલા ખેડૂત આંદોલનમાં હિંસાના વળાંકે હવે રાજકારણ ગરમાયુ છે. આંદોલનમાં છેલ્લા એક વર્ષે પણ જેઓ મુલાકાતે ન આવ્યા તે નેતાઓએ હવે લખીમપુરમાં દોટ લગાવી લગાવી રહ્યા છે. આ આંદોલન હવે પૂર્ણતાના આરે પહોંચ્યું હોય, પંજાબનું રાજકારણ પણ તેમાં જોડાયું છે. ખાસ કરીને જશ ખાટવા માટે ધરાર આંદોલનમાં ઘુસવા કોંગી નેતાઓની હોડ લાગી ગઈ છે.

ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના એક પછી એક નેતા આ વિવાદમાં કૂદીને ખેડૂત આંદોલનમાં ઘુસી રહ્યા છે.  બીજી તરફ લખીમપુરમાં થયેલી હિંસાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. 6 સભ્યોની સીટ ટીમ લખીમપુર કાંડની તપાસ કરશે, આઈજી લક્ષ્મી સિંહે કહ્યું કે, દોષિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આશીષ મિશ્રાને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. આશીષ મિશ્રા બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર છે.તો બીજી તરફ લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના પીડિતોને મળવા જતા પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીને સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્ડલ માર્ચ યોજી હતી.

લખીમપુર હિંસામાં માર્યા ગયેલા બહરાઈચના ખેડૂત ગુરવિંદર સિંહના પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઊભા કર્યા હતા અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ડીએમ અને એસપીએ પરિવાર સાથે વાત પણ કરી હતી., પરંતુ તેઓ માન્ય ન હતા. ત્યાર બાદ લખનઉથી હેલિકોપટર દ્વારા પીજીઆઈના પાંચ ડોકરતોની ટિમ ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલવામાં આવી હતી. ખેડૂતોની સંતુષ્ટિ માટે તેમની તરફથી 2 ડોકટરોને દેખરેખ માટે રાખવામા આવ્યા હતા. ત્યાર બાદ સાંજે 4.30 વાગે ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેનો રિપોર્ટ આજે આવશે. આજે ખેડૂત ગુરવિંદર સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મંજૂરી ન મળી છતાં રાહુલ ગાંધી લખીમપુર આવવા માટે રવાના 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ લખનઉ આવવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ આજે બપોરે 12.30 વાગ્યે રાહુલ ગાંધી લખનઉ પહોંચશે. રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીને મળવા સીતાપુર જશે અને પછી પીડિત પરિવારને મળવા લખીમપુર જશે. તેઓ તેમની સાથે અન્ય 4 નેતાઓને પણ રાખવાના છે. જો કે તેમને અહીં આવવા માટેની મંજુરી ન મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

છત્તીસગઢના મુખ્યમંત્રીને એરપોર્ટ પણ રોકી દેવાતા ધરણા શરૂ કર્યા

લખીમપુર ખીરી પર રાજકીય બબાલ યથાવત છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. તેઓ લખીમપુર આવતા હતા ત્યારે તેઓને રોકવામાં આવ્યા છે. તેના પછી તેઓ ત્યાં ધરણાં પર બેસી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલ લખનૌથી સીતાપુર જઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળવા માંગતા હતા. તેના પછી તેમની લખીમપુર ખીરી જવાની પણ યોજના હતી. પણ સ્થાનિક તંત્રએ તેમને અટકાવ્યા છે.

સિદ્ધુ પણ લખીમપુર આવવાની ફિરાકમાં 

પંજાબ કોંગ્રેસના નેતા અને તાજેતરમાં જ કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ થયેલા નવજોતસિંગ સિદ્ધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર બીજેપી સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે લખ્યું કે, જો બુધવાર સુધીમા ખેડૂતોની હત્યામાં સામેલ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરાની ધરપકડ કરવામાં ન આવી અને પ્રિયંકા ગાંધીને ન છોડ્યા તો પંજાબ કોંગ્રેસ લખીમપુર ખીરી જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.