Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને મહેસુલ તેમજ કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની સરકારના પ્રવક્તા તરીકે જાહેરાત કરવામાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રધાનોને આ અંગે સૂચના આપી છે. 2 પ્રવક્તા જ રાજકીય અને સરકારી નિવેદન આપી શકશે.

ગુજરાતના રાજકારણમાં એકાએક મોટું પરિવર્તન આવતા જ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપે નો રિપીટની થિયરી અપનાવી. જેમાં જૂના મંત્રીઓને ઘરભેગાં કરી દીધાં. જ્યારે દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાતની સરકાર જ બદલી નાખવામાં આવી. નવા જ સીએમ અને નવા જ મંત્રીઓ સાથેની એક નવી જ ટીમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો. ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીઓને સાથે બદલાવ લાવવાનો પ્રયત્ન શરૂ કરી દિધો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના મોવડીમંડળે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળમાં પરિવર્તન કરીને નવો પ્રયોગ કર્યો છે. જે બાદ હવે નવી સરકારમાં બે પ્રવક્તાની નિમણૂંક કરી છે. જેથી સરકારના બધા મંત્રીઓ નહી બોલી શકે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવી સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. આથી હવે સરકારની કોઈ પણ વાત મીડિયા સમક્ષ રજૂ કરવા માટે અન્ય કોઈ મંત્રીઓ નહીં બોલી શકે. ભાવનગર બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અને નવનિયુક્ત સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા જીતુ વાઘાણી તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સરકારમાં કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને સરકારના પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી છે. આથી હવે આ બન્ને નેતાઓ મીડિયા સમક્ષ સરકારનો પક્ષ રજૂ કરશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળા પૂર્વ મંત્રીમંડળના કોઈ પણ મંત્રીને નવા મંત્રીમંડળમાં સામેલ નથી કરવામાં આવ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 10 કેબિનેટ મંત્રીઓ અને 14 રાજ્યમંત્રીઓને શપથ અપાવ્યા છે. જે પૈકી 5 સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રી સામેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.