Abtak Media Google News

પૂર્વ પતિની મદદથી હત્યા કરી દમણ નાસી ગયા હતા: મોરબી પોલીસે દબોચી લીધા

મોરબીના રંગપર નજીકની સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનની હત્યા બાદ તેની પત્ની ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને હત્યારી પત્ની તથા તેના પૂર્વ પતિને દમણ ખાતેથી ઝડપી લઈને વધુ પૂછપરછ ચલાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર નજીક ઈરેટો સેનેટરીમાં કામ કરતા શ્રમિક રામસિંગ ભવરલાલનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં મૃતકની પત્ની કિરણદેવી ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલ અને પીએસઆઈ આર પી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી પોલીસની ત્રણ ટીમોએ એમપી, બિહાર અને દમણ સુધી તપાસ ચલાવી હતી જેમાં હત્યારી પત્ની કિરણદેવી રામસિંગ (ઉ.વ.૨૮) મૂળ એમપી અને તેનો પૂર્વ પતિ ઇન્દ્લ ધનોરી પાસવાન (ઉ.વ.૩૮) રહે મૂળ બિહાર હાલ દમણ વાળાને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા બંને ઇસમોએ હત્યા કર્યાની કબુલાત આપી હતી મૃતકની પત્ની કિરણદેવીએ તેના પૂર્વ પતિ ઇન્દ્લ પાસવાનને દમણથી બોલાવી રાત્રીના સમયે ઓરડીમાં આવી પાંચ કિલોના પથ્થર વડે માથામાં ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.

પત્ની સાથે ઝઘડો બન્યો પતિ માટે મોતનું કારણ

પતિની હત્યા કરનાર પત્ની અને તેના પૂર્વ પતિને ઝડપી લીધા બાદ પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કિરણદેવીના અગાઉ ઇન્દ્લ પાસવાન સાથે લગ્ન થયા હોય અને તે દમણ ફેક્ટરીમાં કામ કરતા હોય જ્યાં મૃતક રામસિંગ પણ રહેતો હોય અને કિરણદેવી સાથે તેને લગ્ન કરતા ઇન્દ્લ પાસવાને છૂટાછેડા આપી દીધા હતા જોકે રામસિંગ સાથે લગ્ન બાદ અવારનવાર ઝઘડો થતો, પતિ માર મારતો અને કાઢી મુકતો જેથી પૂર્વ પતિને મોરબી બોલાવી પતિનું કાસળ કાઢી નાખ્યું હતું.

મોરબીથી અમદાવાદ થઈને વાપી-દમણ ભાગી ગયા

હત્યા બાદ આરોપીઓ વાંકાનેરથી અમદાવાદ ટ્રેનમાં અને અમદાવાદથી વાપી ટ્રેનમાં બેસી નાસી ગયા હતા અને વાપીથી રીક્ષામાં દમણ પોતાના રૂમ ખાતે પહોંચ્યા હતા જોકે મોરબી તાલુકા પોલીસની ટીમે દમણ સુધી તપાસ ચલાવી બંને આરોપીને ઝડપી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.