Abtak Media Google News

ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદર

સિક્યુરિટી સુપરવાઈઝરે પોતાની વાહ વાહ કરાવવા ગેરસમજ ઊભી કરી પ્રનગર પોલીસને પણ ધંધે લગાવી

પોલીસની તપાસમાં અંતે કોઈ પણ કાર્યવાહી કર્યા વગર યુવાનને બાઈજ્જત બરી કરવામાં આવ્યો

ગઈ કાલે સિવિલ હોસ્પિટલમાંથી ઓડિયોલોજિસ્ટ વિભાગ પાસે એક હિયરીંગ મશીનનો એજન્ટ માર્કેટિંગ કરવા આવ્યા હોવાનું સિક્યુરિટી સુપરવાઈઝરના ધ્યાને આવતા પોતાની વાહ વાહ કરાવવા માટે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર તેને આરોપી સમજી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં કઈ સાબિત ન થતાં તેને બાઈજ્જત બરી કરવામાં આવ્યો હતો. કોઈ પણ જાતની તપાસ કર્યા વગર પોતાનું નામ ચમકાવવા સિક્યુરિટી સુપરવાઈઝરે ન ફક્ત તો સિવિલ તંત્ર પરંતુ પોલીસને પણ દોડાવ્યા હતા. જેમાં ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં દર મંગળવારના રોજ ઓડિયોલોજિસ્ટનો વારો હોય ત્યારે વાત્સલ્ય ક્લિનિક સાથે માર્કેટિંગ વિભાગમાં જોડાયેલા રવિભાઈ ગોહિલ તેમના દર્દીઓની મદદ માટે આવ્યા હતા. તેમની સાથે આવેલા દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેથી રવિભાઈ પોતે હાજર રહી કામકાજ કરાવતા હતા. પરંતુ ત્યાં એકાએક સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી સુપરવાઈઝર જગદીશભાઈ દોડી આવ્યા અને રવિભાઈ ગોહિલને તમે માર્કેટિંગ કરો છો અને સેલ્સમેનને સિવિલ હોસ્પિટલમાં આવવાની મંજૂરી નથી તેવું કહી આરોપી જવું વર્તન કરી તેનો સામાન ઝપ્ત કરી પ્રનગર પોલીસ મથકેથી પિસીઆર પણ બોલાવી લેવામાં આવી હતી.

એકાએક થયેલી ઘટનાથી રવિભાઈ ગોહિલ ગભરાઈ ગયા હતા અને તેઓને ત્યાંથી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ મથકે કોઈ ગુનો સાબિત ન થતાં તેમને બાઇજ્જત બરી કરવામાં આવ્યા હતા. આ અંગે તપાસ કરવામાં આવતાં રવિભાઈ ગોહિલ વાત્સલ્ય ક્લિનિકમાં માર્કેટિંગ પર્સન તરીકે ફરજ બજાવે છે. પરંતુ મંગળવારે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલોજિસ્ટનો વારો હોવાથી તેમના ક્લિનિકમાં આવતા વૃદ્ધ દર્દીઓને મદદ માટે સિવિલ હોસ્પિટલ ખાતે સાથે આવતા હોય છે. દર્દીઓને કોઈ સિસ્ટમમાં અટકે નહિ તે માટે રવિભાઈ ગોહિલ સાથે રહેતા હોય છે. જેમાં કોઈ પણ જાતનું ક્રોસ ચેકીંગ કર્યા વગર તેમના સાથે આરોપીઓ જેવું વર્તન કરી સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સુપરવાઈઝર દ્વારા પોતાની વાહ વાહ કરાવવા ઉતાવળે પગલા લઈ જાણે કોઈ આતંકવાદીને ઝડપી પાડ્યો હોય તેમ કાર્યવાહી કરી હતી.

અણધારી ઘટનાથી યુવક સ્તબ્ધ થઈ ગયો

સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે માર્કેટિંગ પર્સનના નામે ઝડપી પાડેલા રવિભાઈ ગોહિલ નામના યુવાન સાથે સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સુપરવાઈઝર દ્વારા આરોપી જવું વર્તન કરી પોલીસ ગાડી બોલાવી પોલીસ મથકના ધક્કા ખવડાવતા યુવાન સ્તબ્ધ થઈ ગયો હતો. એકાએક કારણ વગર આવી પડેલી આફતને હજુ સમજે તે પહેલાં તેને આરોપી જાહેર કરી દેતા તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ, ખુલ્લા રખડતા મોબાઈલ ચોર જેવી ગંભીર સ્થિતિ પર કાર્ય કરવાના બદલે દર્દીઓની મદદે આવેલા યુવકને માર્કેટિંગનો પર્સંન સમજી તેના પર આરોપનો ટોપલો ધોળી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.