Abtak Media Google News

સુરેન્દ્રનગર ડીવાયએસપી હિમાંશુ દોશી સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે ચોરીનો ભાંડો ફોડ્યો

મધ્યપ્રદેશના વેપારી કોરોનાના કારણે આર્થીકભીંસમાં સપડાતા ચોરીનો પ્લાન બનાવ્યાની કબૂલાત

સુરેન્દ્રનગર પાસે હાઇવે પર થોડા દિવસ પહેલા રાજકોટના વેપારીનો રૂ.૮૮.૫૬ લાખના દાગીના ભરેલો થેલો ચોરી તંગી જતા સુરેન્દ્રનગર ડીવાયએસપી હિમાંશુ દોશી સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી મધ્યપ્રદેશથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે મોબાઈલ ફોન પણ ઉઝ ન કરતા આરોપીને સીસીટીવીના ફુટેજના આધારે ચોરીનો ભાંડો ફોડી ઝડપી પાડયા હતા. કોરોનામાં આર્થીકભીંસમાં સપડાયેલા ઇન્દોરના વેપારીએ ચોરીનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત આપી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસો અગાઉ મહિસાગર ટ્રાવેલ્સમાં રાજકોટના શૈલેષભાઈ નામના યુવકના સોનાની ચોરી થઇ હતી. આ મામલે પોલીસ તંત્ર દ્વારા આગળની તપાસ કામગીરી હાથ ધરી અને ચોરોની ટોળકીને ઝડપી લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે મંગળવારે સવારે ચાર સભ્યોની આ ટોળકીને મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ હાલમાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી હિમાંશુ દોશી સહિતનો કાફલો ગઠિયાઓને પોલીસ મથકે લઈ આવ્યા છે.

રાજકોટના વેપારી ખાનગી ટ્રાવેલ્સમાં જતા હતા ત્યારે ગાંઠિયાઓએ અગાઉથી કાવતરું રચી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.  તે સમયે રાજકોટથી મહિસાગર ટ્રાવેલ્સ ઉપડી હતી, જેની વોચ રાખવામાં આવતી હતી. તેમજ યુવક પાસે સોનુ હોવાની બાતમી લૂંટારૂઓ પાસે હતી. જેથી જે સમયે યુવક થેલો મુકે તે સમયે થેલાની ઉઠાંતરી કરવાના હેતુ સાથે જ આ લૂંટારૂઓ બલેનો કાર લઇ ટ્રાવેલ્સની પાછળ આવતા હતા.

ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર ડીવાયએસપી સહિતનો સ્ટાફ મધ્યપ્રદેશ તરફ પગેરું મળતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે મોબાઈલ ટ્રેસના આધારે ગુનો ઉકેલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મુખ્ય આરોપી હિદાયત ખાન મોબાઈલ ઉઝ ન કરતો હોવાથી લોકેશન મળ્યું ન હતું. પરંતુ પોલીસે ટ્રાવેલ્સ ઓફિસમાં આવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા તે ઇશારાથી તેની ભત્રીજી ઈલાશા સાથે ઇશારાથી વાત કરતો હોવાનું દેખાતા પોલીસે તે દિશામાં તપાસ હાથધરી હતી. જેમાં ઇન્દોરના એક જવેલર્સ પરિવારના બે મહિલા અને બે પુરુષો સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઘટનાની નોંધ થતા ડીવાયએસપી હિમાંશુ દોશી સહિતના અને એલસીબીના સ્ટાફે સૌપ્રથમ ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને મોબાઈલ ટાવરના એરિયામાં ૧૦,૦૦૦થી મોબાઈલ લોકેશન ચેક કર્યા હતા. જેમાં પોલીસને મધ્યપ્રદેશ પગેરું મળતા પોલીસે ચારેય આરોપીઓને દબોચી વધુ પૂછતાછ હાથધરી હતી.

મુખ્ય આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે મુખ્ય આરોપી હિદાયત ખાન ટ્રાવેલ્સની બસમાં સોની વેપારી સાથે રાજકોટથી બેઠો હતો. જ્યારે તેની પત્ની રજીયાબેગમ હિદાયતખાન પઠાણ, તેની ભત્રીજી અલીશા હૈયાતખાન પઠાણ અને ભત્રીજો ઐહતસુમાનખાન પઠાણ પાછળથી બલેનો કાર લઈને આવ્યા હોવાની કબૂલાત આપી હતી. રાજકોટના વેપારી શૈલેશભાઈને અવારનવાર ઇન્દોરની બજારમાં જોવાના કારણે તેને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.

પોલીસની પૂછતાછમાં મુખ્ય આરોપી હિદાયત ખાનએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે પોતાનો ભાઈ હૈયાતખાન અને માતા શાહીન કોરોનામાં મોતને ભેટ્યા હતા. જેમાં હિદાયત ખાનને રૂ.૫૦થી ૬૦ લાખનો ખર્ચ થતા તે આર્થીકભીંસમાં સપડાયા હોવાથી ચોરીનો પ્લાન ઘડ્યો હતો. તો બીજી તરફ આરોપીએ કબુલાતમાં જણાવ્યું હતું કે દેણુ ચૂકવ્યા બાદ વધતા સોનાને કોઈ પણ રીતે રાજકોટના વેપારીને પરત આપી દેવા માટે પણ વિચાર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.