Abtak Media Google News

હાલમાં આપણા દેશની સૌથી વધુ ગંભીર સમસ્યાઓમાંથી એક આતંકવાદી પરિબળોની છે.આપણા દેશમાં આતંકવાદીઓ, ત્રાસવાદીઓ, કટ્ટરપંથીઓ કયા કારણસર પેદા થયા, એવો સવાલ ઊઠે તેમ છે. કારણ કે વિશ્વની કઇ માતા આતંકવાદી દીકરો જન્માવવાનું કે પોતે આતંકવાદીની ‘મા’ હોવાનું કલંક પોતાના કપાળે લેવાનું ઇચ્છે ?બાળકો સર્વપ્રથમ શિક્ષણ તેમની માતાઓ દ્વારા જ મળે છે.સંતાનની પ્રથમ શિક્ષક એની માતા છે.કોઇપણ શિશુ બોલતાં શીખે ત્યારે તેની જીભે આવતો સર્વ પ્રથમ શબ્દ ‘મા’ હોય છે.

‘મા’દ્વારા શિક્ષણની પા-પા પગલી માંડયા બાદ બાળકોનાં શિક્ષણની પ્રક્રિયામાં સૌથી મહત્વનો અને મહિમાવંતો ‘કે.જી. નો વર્ગ’ છે. એની સાથે સાથે જ બાળકનાં ‘મોંધેરા બાળપણ’નો આરંભ થાય છે. બાલમંદિરમાં બાળકો શીખે છે. સમજણા થાય છે, નિર્દોષ તોફાનમસ્તીનો આનંદ પામે છે. સમૂહમાં રહેતાં શીખે છે, સમૂહમાં રમતાં શીખે છે અને સમૂહમાં ભણતર ભણતાં પણ શીખે છે.

બાલમંદિર અને તે વખતના શિક્ષકો એમને મા-બાપથી તત્પરતા અલગ પડીનેય કેમ રમવું ભગવું, ભણવું-ગણવું, કેમ એકમેકના ભાઇબંધ બનીને હળવું મળવું તેમજ વાચવું – લેસન કરવાં તે શીખવે છે.જે સમાજમાં આદર્શ બાલમંદિરો અને આદર્શ શિક્ષકો હોય એને આવતી પેઢી – ઊગતી પેઢી આતંકવાદી કે અવિચારી બનવાની સંભાવનાનો ભય રહેતો નથી.

ધર્મને માનવજીવનને પ્રાણ ગણતો અને ગંગા-યમુનાને જીવનભરનાં પાપ ધોવા લોકમાતા ગણતો આપણો દેશ કારણ વિના આતંકવાદ અને ત્રાસવાદના ગોઝારા રંગે રંગાય એ શકય નથી જ એવું આપણા પંડિતો અને ધર્મગ્રંથો ભારપૂર્વક દર્શાવે છે !તો પછી આપણા દેશમાં આતંકવાદીઓ – ત્રાસવાદીઓ કેમ પેદા થયા, એ વિચારવા જેવું છે. આપણા માનવ સંસાધન વિકાસનું સુકાન સંભાળતા કહેવાતા જ્ઞાની નેતાઓ અને તેમના મળતિયા સાથીદારો પોતાને દોષિત ગણવાને બદલે અન્ય લોકો પર દોષનો ટોપલો ઢોળી દે છે.

કોઇ પણ દેશનાં પ્રધાનમંડળમાં સૌથી મહત્વનું ખાતું શિક્ષણ અને કેળવણી જ હોવું જોઇએ. અને આ ખાતા માટે જ વધુમાં વધુ નાણાની ફાળવણી થવી જોઇએ. આપણા દેશની સંસ્કૃતિ, સંસ્કાર અને વૈચારિક નીપૂણતાની રક્ષાનો અને તેના યુગલક્ષી વિકાસનો આધાર આ ખાતાના શિરે રહે છે. જો એના કર્ણધાર સંપૂર્ણપણે સક્ષમ ન હોય તો એની વિપરિત અસર આવતીકાલના નાગરિકો અર્થાત ઊગતિ પેઢી ઉપર થયા વિના ન જ રહે.

આ ક્ષેત્રે કવિવર રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ ઘોષ, જે. કૃષ્ણમૂર્તિ, સર્વપલ્લી રાધાક્રિષ્નન, અબ્દુલ કલામ, અને એમાં સહુથી મોખરે મહાત્મા ગાંધી, જેવા કદાવર દેશભકત કેળવણીકારોનો વારસો આપણા દેશને મળ્યો છે. કમનસીબે આવા મહાનુભાોને કેળવણી ખાતાના કર્ણધાર બનાવવાને બદલે રાજકીય લાભાલાભ અને સંકુચિત માપદંડ જ આ દેશના સહુથી મહત્વનાં ખાતાની ધોર ખોદી છે.

આપણા દેશની હમણા સુધી નહિ ધડાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અભાવે અને કેળવણીનાં ક્ષેત્રે આંધળુકિયાં જ કરાતાં રહ્યાં તે કારણે પરીક્ષા ટાણે વિદ્યાર્થી આલમ ફફડે છે. બેસુમાર ગભરાટ અનુભવે છે. અને આત્મહત્યાની અતિ વરવી ઘટનાઓ બને છે !આ કમનશીબી એટલે સુધી પહોંચી છે કે, પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને ચાંદલા કરીને અને મોં મીઠા કરાવીને ‘ટેન્શન ફ્રી’ (એટલે કે ગભરાટ-મુકત) કરવાની નીતિરીતિનો આશરો લેવો પડે છે.ગુજરાતમાં તો કેળવણી ક્ષેત્રે સત્તાધીશો વધુને વધુ ગોટે ચઢતા રહ્યા છે.

મતિભ્રષ્ટતાનો હાહાકાર તો સાર્વત્રિક છે. ગુજરાત અને તેનું કેળવણી ખાતું એનાથી મુકત નથી. પ્રતિવર્ષ એની ઉણપો અને છબરડાઓ બહાર આવ્યા કરે છે. એડમિશનની પ્રક્રિયા, ફ્રી નિર્ધારણની ગતિવિધિઓ, વેકેશન સંબંધી તકરાર પરીક્ષા પઘ્ધતિની ઉણપો સહિત અનેક નવાજૂનીઓ આ ક્ષેત્રને કારમાં ડંખ  દીધા વિના રહેતી નથી !કેળવણી ખાતું વગોળાનું રહ્યું છે.

જયારે નિકશાનબાજ નિશાનને વિંધી શકતો નથી ત્યારે તે નિશાનનો દોષ નથી કાઢતો નિશાનનો દોષ હોઇ શકે જ નહીં, દોષ નિશાનબાજનો જ હોય અને તે તેણે શોધી કાઢવો જ જોઇએ અને તેને ઠીકઠાક કરી લેવો જ જોઇએ. જો એમ ન થાય તો કલંક એના ઉપર જ આવે ! કેળવણી ખાતાએ અને ખુદ સરકારે આ બાબતને ઘ્યાનમાં રાખીને જ આગળ વધવું પડે અને વિદ્યાર્થી આલમની હાલાકીઓ દૂર કરવી જ પડે !

આપણા વડાપ્રધાન ‘સ્વચ્છ ભારત’નો મંત્ર આપને તેની સફળતા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી. પરંતુ આટલા વખતે ય સરકાર આપણા દેશને અસ્વચ્છતામુકત કરી શકી નથી.બાલમંદિરોમાં રોમાંચક પરિવર્તન લાવીન અને તેનાં દ્વારા દેશની ઊગતિ પેઢીને પાયામાંથી જ કેળવીને સ્વચ્છ ભારતનાં લક્ષ્યને સિઘ્ધ કરી શકશે.

દેશની હાલની કપરી સ્થિતિને સંપૂર્ણપણે સુધારવી હશે તો મનુષ્યોને બદલવા પડશે. નવા મનુષ્યો પેદા કરવા પડશે. બાલમંદીરોમાં પણ નવા યુગની ઝાલર રણઝણાવવી પડશે. બાલમંદિરો દ્વારા બાળકો બદલશે, બાળકો દ્વારા મનુષ્યો બદલાશે,નવા મનુષ્યો દ્વારા સમાજ બદલાશે…..‘બદલાવ’અનિવાર્ય છે…..

આપણા રાજકર્તાઓ, રાજપુરૂષા, રાજકારણીઓ અને આખો માનવ સમાજ બદલાઇ જશે. ચોકખો અને નવો નકોર થઇ જશે!જે બેહદ બગડેલું  હોય એને તદ્દન સ્વચ્છ કરવું આસાન નથી. જેમની બુઘ્ધિ બેસુમાર બગડી હોય તેને સુધારી લેવી સહેલી નથી હોતી. જો દાનત સાચી અને સાફ હોય તો જ એ શકય બને અને બધું ખોઇ બેસીએ તે પહેલા શકય બને !

મહાત્મા ગાંધીજી સત્યને ખાતર બધું જ છોડી દેવા તૈયાર થયા હતા. અને સત્યની શોધ માટેના યજ્ઞમાં પોતાનાી જાતને હોમી દેવા તત્પર રહ્યા હતા. સત્ય જ સૌથી વધુમાં વધુ પ્રાણવાન અને શકિતશાળી હોવાની પોતાની માન્યતાને તેમણે એક વખત જ નહિ પણ અનેક વખત સિઘ્ધ કરી હતી.જો આજના ભારતમાં આચાર વિચારમાં ગાંધીજીની સચ્ચાઇ હોય એવા બે-પાંચ પણ ટોચનાચ નેતાઓ હોય તો આદેશ જૂદી જ ભાતનો હોય એ વાત અખિલ વિશ્ર્વની જનેતા જગદમ્બા પણ અવશ્ય સ્વીકારે!….

સાચા ગાંધીવાદીઓ હજુ એવું માને છે કે આપણા દેશને તથા આખી દુનિયાને ગાંધી વિચારધારાને ગાંધીવાદને અપનાવ્યા વિના સાચું સુખ અને નિર્મળ લીલાછમ જીવન નહિં સાંપડી શકે. આપણો દેશ આઝાદીના ૭૦ વર્ષ પછીયે ગરીબીને નાબૂદ કરી શકયો નથી.એ હકીકત છે બાલમંદિરથી માંડીને મનુષ્યો  બદલાય અને સમૂળગો સમાજ બદલાય ત્યાં સુધીની પ્રક્રિયા અને ગાંધી વિચારધારાના પાલન વિના આપણો દેશ અને જોઇએ તેવો ઉજાસ નહિ પામી શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.