Abtak Media Google News

એક પણ જામનગરવાસી ભૂખ્યો ન રહે તેવી નેમ

દરેડ, ચેલા, ઠેબા, ચોકડી, ધુંવાવ સહિતના ગામોમાં કામગીરીનો ધમધમાટ

જામનગરમાં કોવિડ-૧૯ મહામારી દિવસેને દિવસે ગુજરાતમાં પણ વધુ પગપેસારો કરી રહી છે, લોકડાઉનની પરિસ્થિતિમાં  લોકોને ઘરે રહી આ રોગ સામે રક્ષણ મેળવવા અને સલામત રહેવા માટે સરકારે અપીલ કરી છે. આ સમયમાં શ્રમિકો, ગરીબો, અનેક નાની મોટી મજૂરી કરીને રોજનું પેટિયું રળતા લોકોને પોતાના જીવનનિર્વાહનો પ્રશ્ન ઉભો  થયો છે. ત્યારે જામનગરમાં લોકડાઉનના પ્રારંભિક સમયથી જ તંત્ર દ્વારા રાશનકીટ બનાવીને અને ફૂડ પેકેટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જીવનનિર્વાહની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલ આ કામગીરીમાં જામનગરની ૨૧ જેટલી સંસ્થાઓ પણ તંત્રને સહકાર આપી રહી છે.

Advertisement

Meter 1 3

જામનગરમાં અત્યાર સુધીમાં દરેડ, ચેલા, ઠેબા ચોકડી, ધુંવાવ, મસીતિયા વગેરે અનેક વિસ્તારો, ગામોમાં લોકોને સતત રાશનકીટ અને ફૂડ પેકેટ વિતરિત કરી લોકોની અન્નની આવશ્યકતાને પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે. જામનગરમાં હાલ સુધીમાં ૨ લાખ ૪૭ હજારથી વધુ રાશન કીટ અને ફૂડ પેકેટ વિતરીત કરવામાં આવ્યા છે. લોકોને સંકટ સમયે જીવનઆવશ્યક વસ્તુઓ મેળવવામાં તકલીફ ન થાય અને શાંતિપૂર્ણ રીતે લોકડાઉનનો સમય પૂર્ણ કરવા રાજય સરકાર સતત અનેકવિધ સંવેદનશીલ નિર્ણય અમલી બનાવી રહી છે.

અનેક પરીવારો આ રાશનકીટ અને ફૂડ પેકેટ પર હાલ નિર્ભર છે ત્યારે લાલવાડી વિસ્તારના  ઉમાબેન ધામેલીયાએ મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું હતું કે, આ સંકટના સમયે સરકારે અમને આ સહાય આપી પોતાની સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ વિસ્તારમાં વસતા વિધવા વૃદ્ધા જમનાબેન શેખાએ તો  લોકડાઉનના પગલાને વખાણી કહ્યું કે,  સરકારે અમારા સારા માટે લોકડાઉન કર્યું છે. સરકાર  અમારી  મુશ્કેલીઓમાં પણ અમને  આ સહાય આપીને અમારી પડખે ઉભી છે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર.

વળી વડીલ પૃથ્વીરાજભાઈ રાઠોડે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોરોના સામેની લડતના નિર્ણયની પ્રશંસા કરી હતી અને લોકો માટે પ્રધાનમંત્રી દ્વારા આ લોકડાઉન થયેલ છે તેને સમર્થન આપી તંત્ર દ્વારા રાશન કીટ માટે પણ પ્રધાનમંત્રી તરફ કૃતજ્ઞતા વ્યકત કરી હતી. ગુજરાતમાં એક પણ વ્યક્તિ ભૂખ્યોના રહે તેવી પ્રતિબધ્ધતા સાથે ગુજરાત સરકાર દરેક વર્ગની અન્નની જરૂરિયાતને વિભિન્ન યોજના દ્વારા પ્રાપ્ય બનાવી રહી છે. ત્યારે આ સંવેદનશીલ ભગીરથકાર્યમાં જામનગરની સંવેદનાસભર સંસ્થાઓ અને જામનગર વહીવટીતંત્રના કર્મયોગીઓ સતત કાર્યરત છે.

Meter 1 1

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ COVID-૧૯ના કેસ પ્રતિદિન વધતા જાય છે. નોવેલ કોરોના વાયરસ ઈઘટઈંઉ-૧૯ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે.

ત્યારે કલેકટર અને  જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રવિશંકરે કલમ-૧૪૪, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ- ૩૪ તેમજ ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦  હેઠળ જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર તા. ૧૧ એપ્રિલ ૨૦૨૦ થી ૧૪ એપ્રિલ ૨૦૨૦ સુધી ( બન્ને દિવસો સહિત) સમગ્ર જામનગર જિલ્લામાં દૂધ,શાકભાજી,ફળ-ફળાદીની લારીઓ/દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો/પ્રોવિઝન સ્ટોર્સએ સવારે ૬.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક સુધી, અનાજ કરીયાણા તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ(એફ.એમ.સી.જી.) જેવી કે, સાબુ, ટુથપેસ્ટ વગેરેના હોલસેલના વેપારીઓને છુટક વિક્રેતાઓને વેચાણ માટે સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૧૮.૦૦ કલાક સુધી જ ચીજ-વસ્તુઓ ખરીદવા કે વેચાણ કરવાનું રહેશે. નિયત સમયે લોકો જ્યારે ખરીદી માટે સ્થળે આવે ત્યારે કોરોના વાયરસ કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ વ્યક્તિઓને યોગ્ય અંતર રાખી ઉભા રખાવી વેચાણ કરવાનું રહેશે તેમજ તકેદારીના અન્ય પગલાઓ લેવાના રહેશે.

આ જાહેરનામું જામનગર જિલ્લાના દરેડ ગ્રામ પંચાયત વિસ્તાર તેમજ જી.આઇ.ડી.સી. વિસ્તાર અને મસીતીયા ગ્રામપંચાયત તેમજ તેની આસપાસના બે કીમી.ની ત્રિજ્યાના વિસ્તારને લાગુ પડશે નહી. ઉપરાંત સરકાર માન્ય સસ્તા અનાજનું વિતરણ કરતી દુકાન/કેન્દ્રને તેમજ મેડીકલ સ્ટોર્સ/ફાર્મસીને લાગુ પડશે નહી. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.