Abtak Media Google News

રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી વિવિધ જિલ્લાઓમાં જરૂરીયાત મુજબ રાજ્યના 11 જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના 16 નવા પોલીસ સ્ટેશન, મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના 8 જિલ્લાના 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. જ્યારે રાજ્યમાં 7 જિલ્લામાં 7 નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકીને મંજૂરી આપવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બદલાવ અંગે વિગતો આપતા જણાવ્યું, “રાજ્યમાં 1960ના યાર્ડસ્ટીક અમલમાં આવ્યા બાદ આ મુજબ પોલીસનું મહેકમ હાલમાં હોવું જોઇએ. વર્ષ-1960 બાદ રાજયની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યની પ્રગતિની સાથે તમામ ભૌગોલિક વિસ્તારોનો પણ વિકાસ થયો છે. ઔધોગિક અને રોજગાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે. આધુનિક ટેકનોલોજીની સાથે આજે સમગ્ર વિશ્વમાં સામાન્ય ગુનાઓ તેમજ સાઇબર ક્રાઇમના પ્રકાર પણ બદલાયા છે. આ જરૂરીયાતો ધ્યાને રાખીને ગુજરાત પોલીસના આધુનિકરણની સાથે તેના મહેકમ અને પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ રહી છે. પોલીસ દળમાં આધુનિક વાહનો, વાયરલેસ, ટેકનોલોજીની ઉત્તમ સુવિધા આજના સમયની માંગ છે. જેના ભાગરૂપે આ નવા પોલીસ સ્ટેશન, નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકી અને હાલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આના પરિણામે હવે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનાવીને સંભવિત ગુનાઓને અટકાવી શકાશે”

આ 16 પોલીસ સ્ટેશન PI કક્ષાએ અપગ્રેડ થશે

અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી.આઇ.ડી.સી., કચ્છ પશ્વિમ,ભૂજના મુન્દ્રા તાલુકાના પ્રાગપર, માધાપર અને માંડવી કોડાયા, છોટા ઉદ્દેપુરના ઝોઝ (બારીયા તરફ આવેલા), જુનાગઢના સાસણ ગીર, દાહોદના બી. ડી.વીઝન, પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા ગ્રામ્ય, મહિસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન, સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પાલ પોલીસ સ્ટેશન અને ચોક બજાર નવું સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ધજાળા ગામે એમ કુલ-11 જિલ્લાના 16 નવા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.

PSI ગ્રેડના 8 પોલીસ સ્ટેશન PI ગ્રેડમાં અપગ્રેડ કરાશે

આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના બાવળા ટાઉન, અમરેલીના બાબરા, આણંદના ખંભાત રૂરલ, કચ્છ પશ્વિમ,ભૂજના નખત્રાણા, ખેડા-નડિયાદના મહેમદાવાદ, ગાંધીનગરના માણસા, વડોદરા રૂરલના વાઘોડીયા પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન એમ કુલ હાલના 8 જિલ્લામાં 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરાશે

7 નવી આઉટ પોસ્ટ મંજૂર કરાઈ

રાજ્યમાં અમદાવાદ ગ્રામ્યમાં હાસલપુર, આણંદમાં કરમસદ, ગીર સોમનાથમાં પ્રાચી, તાપી-વ્યારામાં ખરેડી, બોટાદમાં સારંગપુર, રાજકોટ ગ્રામ્યમાં ખોડલધામ અને સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પીટલ ચોકી આમ કુલ 7 જિલ્લાઓમાં 7 નવી આઉટ પોસ્ટ/ ચોકી મંજૂર કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.