Abtak Media Google News

કોરોના વાયરસના કેસની વધતી સંખ્યા સાથે પ્રાણવાયુ માટે તરફડતા લોકો પણ સરકાર સામે ચિંતાનો વિષય બની ગયા છે. જોકે, સરકાર પૂરતી આરોગ્ય સેવા પૂરી પાડવા હરકતમાં આવી ગઇ છે. “પ્રાણવાયુ”માં પ્રાણ પુરવા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે સરકારે છેલ્લા એક અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. જેમાં દેશભરમાં 551 ઑક્સીજન પ્લાન્ટ નાખવા ઉપરાંત સિંગાપોર, જર્મની પાસેથી કાર્ગો પ્લેન થકી ઓક્સિજનના પ્લાન્ટ તાત્કાલિક મંગાવવા તો ઔધોગિક એકમોને ઑક્સીજન પૂરો પાડવા પર પ્રતિબંધ મુકવો જેવા ઘણા મહત્વના નિર્ણયોનો સમાવેશ છે.

મોદી સરકારે દરેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની તૈયારી દેખાડી છે. આ ઉપરાંત લિક્વિડ ઓક્સિજનના ઉપયોગ ઉપર પણ રોક લગાવી દેવાઇ છે. ઓક્સિજનનો ઉપયોગ માત્ર મેડિકલના હેતુથી જ થાય તેવા આદેશ આપી દેવાયા છે. વડાપ્રધાન મોદી દ્વારા અલગ-અલગ વિભાગોને ખાસ સુચના આપવામાં આવી છે. પીએમ કેર ફંડમાંથી 551 ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 24 કલાકમાં ભારતીય રેલવે દ્વારા 140 મેટ્રિક ટન ઓક્સિજનની ડીલીવરી કરવામાં આવશે. દરમિયાન ઓક્સિજનને યોગ્ય સ્થળે પહોંચાડવા માટે હવાઈ, જળ અને માર્ગ પરિવહન પૂરતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આઈએનએસ શારદા દ્વારા 35 ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છેમ બીજી તરફ યુકે દ્વારા પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે. આઇટીબીટી કોવિડ સેન્ટરમાં ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવ્યા છે.

એકંદરે કેન્દ્ર સરકાર ઓક્સિજન સહિતના મુદ્દે એક્શન મોડમાં આવી ગઈ છે. લિક્વીડ ઓક્સિજન ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રેલ્વે વિભાગનો ઉપયોગ પણ ઓક્સિજનને પહોંચાડવા માટે થઈ રહ્યો છે. આ ઉપરાંત નેવી, એરફોર્સ સહિતના સંરક્ષણ દળોની મદદ પણ લેવાય રહી છે. કોરોનાના વધતા કેસ ચિંતા લઈ આવ્યા છે ત્યારે પ્રાણવાયુમાં પ્રાણ પુરવા સરકારનો એક્શન મોડ અસરકારક સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.