Abtak Media Google News

રસોઈ બનાવતી વખતે ઘણી વખત નાની અમથી ભુલને કારણે રસોઈ બગડતી હોય છે. ઉતાવળ કે અન્ય કામોને કારણે ગૃહિણીઓથી રાંધતી વખતે મીઠુ વધારે કે ઓછુ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઓછા સમયમાં ઘણું બધુ મેનેજ કરવાનું હોવાથી રસોઈની રાણીથી અમુક વખતે ભુલો થતી હોય છે. જેના લીધે કેટલીક વખત ખોરાકનો બગાડ થાય છે. આવા સમયે કેટલીક ટીપ્સ ખુબજ કામ લાગતી હોય છે. રસોડાને લગતી કેટલીક બાબતોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો રસોઈ બનાવતી વખતે થયેલી ભુલને સુધારી શકાય છે તો આવો જાણીએ કેટલીક રસોઈ ટીપ્સ જે વાનગીને બનાવે છે વધુ સ્વાદિષ્ટ.

રસોઈ ટીપ્સ

૧. લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમા ચપટીક ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

૨. રોટલી માટે લોટ ગુંદતી વખતે ૨ ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ કુણી બનશે.

૩. ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાની તેની ચિકાસ ઓછી થશે.

૪. મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચા નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.

૫. ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપા નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણો અલગ અલગ રહેશે.

૬. ફલાવરનું શાક બનાવતી વખતે તેમાં બે ચમચી દૂધ નાખવાની ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.

૭. પુરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પુરી નરમ બનશે.

૮. મીઠા સકરપારા બનાવવાના મેંદામાં થોડુ મીઠુ ભેળવવાથી સકરપારા સ્વાદિષ્ટ લાગશે.

૯. ચણા પલાળતા ભુલી ગયા હોય તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટુકડા મુકી દો તો ચણા જલદી બફાશે.

૧૦. બિસ્કીટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કીટ કડક, તાજા અને કરકરા થશે.

૧૧. વેફરને છુટી કરવા કેળા-બટાકાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરીને પછી તળવી.

૧૨. દાળ ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોટશે નહીં.

૧૩. પાણીપુરીની પુરી બનાવતી વખતે જીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવામાં લેવાથી પુરી ફુલશે.

૧૪. ઈડલીનું ખીરુ વધારે પડતું પાતળુ થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડુ બનશે અને ઈડલી પણ મુલાયમ બને છે.

૧૫. સાબુદાણાને બનાવતા પહેલા તેને દૂધમાં પલાળીને મુકવાથી સાબુદાણા એકદમ ફૂલેલા બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.