Abtak Media Google News

પાણીપુરીમાં પેથોજેનીક બેકટેરીયોલોજીકલ ટેસ્ટીંગ માટે ખાસ ડ્રાઈવ: 9 સ્થળેથી નમુનો લેવાયા: રાત્રી બજારમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય ખોરાકનો નાશ

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીમાં પેથોજેનીક બેકટેરીયોલોજીકલ ટેસ્ટીંગ માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ 9 સ્થળેથી પાણીપુરીમાં વપરાતા પાણીના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. અગાઉ લેવામાં આવેલા સુબાગ દેશી ઘીમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમુના પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. રાત્રી બજારોમાં ચેકિંગ દરમિયાન 19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન  ફૂડ વિભાગ દ્વારા પરાબજારમાં પેશુમલ ચેલારામ એન્ડ કંપનીમાંથી સુબાગ દેશી ઘી મેડ ફ્રોમ કાઉ મિલકનો નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. હિયરીંગ બાદ નમુનો આપનાર રમેશભાઈ કેશુમલ ઉધરાણીને રૂા.95000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અહીંથી જ સુબાગ દેશી ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં પણ ફોરેન ફેટની હાજરી જણાતા નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ કેસમાં પણ રૂા.95000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. રૈયા રોડ પર જય માર્કેટીંગમાંથી લાઈટ એન્ડ ફીટ રીંગનો નમુનો લેવાયો હતો જેમાં તારીખ છાપેલ ન હોવાથી નમુનો મિસ બ્રાન્ડ જાહેર થતાં નિતેષભાઈ વાલાણીને રૂા.75000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાણીપુરીમાં વપરાતા પાણીના ચેકિંગ માટે અલગ અલગ સ્થળેથી નમુનાલેવાયા હતા. જેમાં કાલાવડ રોડ પર સ્પાઈસી બાઈટમાંથી પાણીપુરીનો માવો, ફૂદીનાનું પાણી, કોથમીરની ચટણી, યમી મમ્મીમાંથી ફૂદીનાનું પાણી, બટેટાનો મસાલો, લીલી ચટણી, બોમ્બે સ્ટાઈલ ભેળમાંથી હાજમા હજમ પાણી, બટેટાનો મસાલો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ગોંડલ રોડ, ભૂતખાના ચોક સહિતના વિસ્તારોમાં રાત્રી બજારમાં ચેકિંગ દરમિયાન 25 રેકડીમાં ચેકિંગ હાથ ધરી 19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.