ધૂમ આવક છતાં થર્ટી ફર્સ્ટના પ્યાસીઓએ બજારને ગરમાવી દીધું!!

ગાંધીના ગુજરાતમાં થર્ટી ફર્સ્ટે દારૂની રેલમછેલ…

ટાણે ઘટ ન પડે તે માટે બૂટલેગરો સ્ટોક કરવા માંડ્યા, ભાવ ઉંચકાવવાનું અત્યારથી જ શરૂ

ઉજવણી થાય કે ન થાય બંધ બારણે પાર્ટી થશે, રોક શકો તો રોક લો: પ્યાસીઓ જલસો તો કરશે જ

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી માત્ર ચોપડે જ છે. હકીકતમાં અહીં દારૂની રેલમછેલ થાય છે. ખાસ કરીને તહેવારો ઉપર તો દારૂના વેપલા બેખૌફ રીતે થાય છે. તંત્રની પણ રહેમ નજર હોય પ્યાસીઓને મનગમતો દારૂ ઘરે બેઠા મળી જાય છે. બસ તેઓને પૈસા વધુ ચૂકવવા પડે છે. તેવામાં પણ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે. પ્યાસીઓ પણ જલસો કરવા તત્પર બન્યા છે. સામે બુટલેગરો પણ માલની ઘટ ન પડે તે માટે સ્ટોક કરીને સજ્જ થઈ ગયા છે. બસ તંત્ર આ તમાશો જોઈ રહ્યું છે.

પ્યાસીઓ માટે થર્ટી ફર્સ્ટની ઉજવણી દારૂ વગર અધૂરી જ રહે છે. થર્ટી ફર્સ્ટ વેળાએ દારૂની માંગમાં મોટો ઉછાળો આવતો હોય છે. જેથી માંગને પહોંચી વળવા બુટલેગરો એક મહિના પૂર્વેથી જ તૈયારીઓ આરંભી દયે છે. તેઓ એક મહિના પહેલેથી જ દારૂનો સ્ટોક વધારવા મથામણ કરે છે. જેથી થર્ટી ફર્સ્ટ વેળાએ કોઈ ગ્રાહક દારૂ વગરનો રહી ન જાય. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બુટલેગરોએ ટ્રક મોઢે દારૂ મંગાવ્યો છે. જેમાંથી અડધા ઉપરના દારૂના માલની ડિલિવરી મળી પણ ગઈ છે અને સગેવગે થઈ પણ ગઈ છે.

કોરોના મહામારીને કારણે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપર રોક લાગી છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં તો રાત્રી કરફ્યુ અમલમાં છે. જેથી ત્યાં રાત્રીના ૯ વાગ્યા બાદ લોકોને બહાર નીકળવા દેવામાં પણ નહીં આવે. પરંતુ પ્યાસીઓએ પોતાની ઉજવણીના આયોજનો ગોઠવી લીધા છે. બંધ બારણે પાર્ટીઓ ગોઠવાઈ છે. અને દારૂની ખરીદી પણ થઈ રહી છે.

કોરોનાને કારણે આવેલા લોકડાઉનથી દારૂના ભાવમાં ૫૦ ટકાનો વધારો ઝીંકાયો હતો. જે વધારો હાલ સુધી યથાવત રહ્યો છે.અગાઉ જે બ્રાન્ડ રૂ. ૭૦૦-૮૦૦થી શરૂ થતી હતી તે હવે રૂ. ૧૨૦૦થી શરૂ થાય છે. લોકડાઉન તો ગયું પણ દારૂ ઉપરનો ભાવ વધારો કાયમ રહ્યો છે. બાદમાં દિવાળી વખતે પણ ૨૫થી ૩૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો હતો.  દિવાળીના તહેવારો ગયા બાદ રનિંગ ભાવ લાગુ થઈ ગયા હતા. હવે થર્ટી ફર્સ્ટ આવી રહી છે. ત્યારે થર્ટી ફર્સ્ટ જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ દારૂના ભાવ ઉચકાતા જશે અને થર્ટી ફર્સ્ટ વેળાએ દોઢા ભાવ થશે તેવો અંદાજ છે.

દારૂ બંધી માત્ર દારૂના ભાવ ઊંચકાવવા માટે જ??

ગાંધીના ગુજરાતમાં ચોપડા ઉપર તો દારૂબંધી છે. પણ હકીકતના દારૂબંધી હોય તેવું લાગી રહ્યું નથી. શેરીએ શેરીએ દારૂ વેંચતા બૂટલેગરો છે. દારૂના ટ્રકો ઠલવાય છે. અને એટલો દારૂ વેચાઈ પણ છે. શુ તંત્રને આ ઘટનાની ખબર ન હોય એવું બની શકે ? આ વાત ગળે ઉતરે એમ નથી અને એક વિચાર એવો કરવામાં આવે કે દારૂ ઉપર જો પ્રતિબંધ ન હોય તો શું થાય ? તો તેનો જવાબ એ મળે કે દારૂ સસ્તો મળે. પણ દારૂ બોર્ડરની અંદર ઘુસાડવામાં મદદરૂપ થતા અને બૂટલેગરોને પોતાની રહેમ નજર હેઠળ દારૂનો વેપલો કરવા દેવામાં મદદરૂપ થતા કહેવાતા તંત્રવાહકોને મળતા પૈસા બંધ થઈ જાય. માટે એવું પણ કહી શકાય કે ગુજરાતમાં દારૂ બંધી માત્ર દારૂના ભાવ ઉચકાવવા માટે જ મુકવામાં આવી છે.

થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે રાજકોટમાં ૧૨ ટ્રક ઠલવાશે!!

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે રાજકોટમાં ૧૨ ટ્રક દારૂ ઠલવાશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પ્યાસીઓ થનગની રહ્યા છે. સામે તેઓની પ્યાસ બુઝાવીને ધોમ કમાણી કરવા બુટલેગરો પણ થનગની રહ્યા છે. જો કે એવી વાત પણ મળી રહી છે કે ૬ ટ્રક જેટલો માલ આવી ગયો છે. હવે ૬ ટ્રક આવવાના બાકી છે.

થર્ટી ફર્સ્ટ જેમ નજીક આવશે તેમ ભાવ વધશે

દારૂના વેપલામાં તહેવારો વેળાએ તેજી હોય છે. પ્યાસીઓ માટે તહેવારની ઉજવણી દારૂ વગર થતી નથી. માટે તહેવારો ઉપર દારૂની માંગ વધુ હોય છે. ખાસ કરીને થર્ટી ફર્સ્ટના પ્રસંગે તો દારૂની માંગ સૌથી વધુ હોય છે. જેટલો સ્ટોક હોય તેટલો ઓછો પડતો હોય છે. માટે થર્ટી ફર્સ્ટ વેળાએ ભાવ પણ આસમાને રહે છે. હાલ થર્ટી ફર્સ્ટ નજીક આવતા ભાવમાં ઉછાળો આવ્યો છે. પણ બુટલેગરોના જણાવ્યા પ્રમાણે હજુ થર્ટી ફર્સ્ટ જેમ નજીક આવશે તેમ ભાવમાં વધારો આવતો જશે.

ગ્રુપ પાર્ટીમાં સ્ટગના બે લીટરના બેરલની ભારે બોલબાલા!!

જ્યા ક્યાંય ગ્રુપ પાર્ટી કરવામાં આવે છે. ત્યાં સ્ટગના બે લીટરના બેરલનો આગ્રહ રાખવામાં આવે છે.  આ બેરલથી ૮થી ૧૦ લોકો પાર્ટી કરી શકે છે. આ બેરલ ખૂબ મર્યાદિત મળતા હોય તેના ભાવ પણ આસમાને રહે છે. આ રનિંગ આઈટમ ન હોવાનું બુટલેગરો જણાવી રહ્યા છે. માટે તે ઓછી મળે છે.

ગુજરાતની એક અલગ જ સાઈડ છે જેમાં પ્રતિબંધિત એવો દારૂ એક ફોન ઉપર ઘરે બેઠા મળી જાય છે!!

ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે. પણ ગુજરાત રાજ્યની એક અલગ જ સાઈડ છે. દેખીતી રીતે અહીં દારૂ ઉપર પ્રતિબંધ છે. પણ બીજી સાઈડમાં દારૂના વેપલા પુરજોશમાં ધમધમતા રહે છે. માત્ર એક ફોનથી ઈચ્છા મુજબની બ્રાન્ડ ઘરે પહોંચી જાય છે. જો કે આ સાઈડથી મોટાભાગના સામાન્ય માણસો હજુ અજાણ છે. પણ પોલીસ, પ્યાસીઓ અને બુટલેગરો બખૂબી બધું જ જાણી રહ્યા છે.