Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા નેસડાઓમાં તાઉતે વાવાઝોડાને લીધે થયેલા નુકશાની અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશે ગીરના માલાધારીઓની વસાહતને નુકશાન થયું હોય તો નિયમોનુસાર સર્વે કરી સરકારની જોગવાઇ પ્રમાણે લાભો મળે તે માટે કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને સુચના આપી છે.

Advertisement

ગીરગઢડા મામલતદાર કોરડીયાએ જણાવ્યું હતું કે, ગીરગઢડા તાલુકામાં જંગલ વિસ્તારની કુલ ૬ રેન્જ જેવી કે જશાધાર રેન્જ, ખાંભા તુલશીશ્યામ રેન્જ, હડાળા, બાબરીયા, જામવાળા અને છોડવળી રેન્જમાં અંદાજે ૨૫ થી વધુ નેસડા આવેલા છે.

આ નેસડાઓમાં વાવાઝોડાથી થયેલી નુકશાની અંગે ૬ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ૧ મદદનીશ ઇજનેર અને ફોરેસ્ટના કર્મચારીઓ પણ જોડાયા છે. વધુમાં તાત્કાલીક અસરથી લાભ મળે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરીને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આર.એસ.એસ. અને રેડક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ દ્વારા ગીરના નેસડાઓમાં તાલપત્રી, ઘાસની ત્રણ ગાડી મોકલવામાં આવી રહી છે. એક ગાડી ઘાસ નેસડામાં પહોંચી ગયું છે. ૨ ગાડી આવતીકાલે મોકલવામાં આવશે. ૧૦૦૦ રાશનકીટ પણ પહોંચાડવામાં આવી છે. જેમાં ખાદ્યસામગ્રી અને વાંસણનો પણ સમાવેશ થશે. તેમ મામલતદારએ ઉમેર્યું હતું.

નેસડાઓમાં થયેલી નુકશાની અંગે રેવન્યુ અને વનવિભાગના નિયમોનુસાર અસરગ્રસ્તોને જોગવાઇઓ મુજબ તાત્કાલીક રાહત મળે તે માટે પણ સુચનાઓ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.