Abtak Media Google News

દિવસ અને રાત ધમધમતું રાજકોટ વૈશ્ર્વિકસ્તરે કદાચ એકમાત્ર શહેર હશે કે જે બે વાર બંધ થાયને બે વાર ખુલ્લું થાય છે. આ શહેરને ‘રંગીલુ’ એટલા માટે કહેવાય છે કે અહીંની પ્રજા તહેવારને ઉત્સવપ્રેમી છે. અઢી દાયકા પહેલા અહીં ફ્લેટ કે મકાનો ભાવ સાવ તળીએ હતા. ટેનામેન્ટના યુગ સાથે ગગનચૂંબી ઇમારતોમાં આરંભ થવા લાગ્યોને બહું ટૂંકાગાળામાં અહીં સિમેન્ટનાં જંગલોનું નિર્માણ થયું. શહેરનો પૂર્વ દિશામાં ભરપૂર વિકાસ થયો છે. ‘અબતક’ના કેમેરામાં નાનામવા વિસ્તાર સાથે મોટા મવાને બીજા રીંગ રોડ સુધીનો આકાશી નઝારો દ્રશ્યમાન થાય છે.

તસ્વીર જોતા કોઇ બહુ જ મોટા સીટીનો ખ્યાલ આવે પણ આ રાજકોટ છે, રાજકોટિયન્સનું રાજકોટ ખાવાના શોખીનોથી ભરપૂર હોવાથી અહીં ફૂડ કે નાસ્તાની લારીવાળા પણ લાખેણી કમાણી કરે છે. શહેરમાં ફ્લેટનો એક નવો યુગ આરંભ થયોને બધી જ એમેનીટીસ વાળા વિશાળ કારપેટ ધરાવતા કરોડોની કિંમતના ફ્લેટો પણ અહીં જોવા મળે છે. કોરોના કાળના બે વર્ષ બાદ રીયલ એસ્ટેટમાં તેજી આવતા ફરી રાજકોટ તેના અસલ રંગમાં આવી ગયું છે. આજે લોકો સેફ્ટી બાબતે જાગૃત થતાં ‘ફ્લેટ’ તેની પ્રથમ પસંદગી જોવા મળે છે. રાજકોટવાસીઓ ગમે તેવી મુશ્કેલીમાં પણ આનંદિત રહી શકે તેવી ક્ષમતા વાળા હોય છે. અહીં ‘દેણા’ કરીને બાઇક કે ફોર વ્હીલ લેનારા સાથે પૈસા ક્યાં વાપરવા તેવા ધનપતીઓ પણ રહે છે. રાજકોટવાળાને ઉઠતાવેંત નાસ્તાની ટેવને ચાની ચુસ્કી સાથે ફાકી-પાનની લહેજત નિયમિત માણવા જોઇએ છીએ, એજ એનો રંગ છે. એકવાર આ શહેરમાં રહેવાસી બન્યા પછી તે વિશ્ર્વનાં કોઇપણ શહેરમાં વસવાટની મજા નથી આવતી !! (તસ્વીર : અભય ત્રિવેદી )

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.