Abtak Media Google News
પ્રચંડ જનાદેશે કોંગ્રેસને વિપક્ષમાં બેસવા લાયક પણ ન ગણી: અમિત શાહ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જનતાનો પ્રચંડ પ્રતિસાદ જનમત મળ્યો તે બદલ જનતા જનાર્દનના આભાર દર્શન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આભાર દર્શન કાર્યક્રમમાં સંબોધતા જણાવ્યું કે ભાજપનો કાર્યકર્તા જનતા જનાર્દન સાથે કેટલા પ્રમાણમાં સંકળાયેલો છે તેનું પ્રતિબિંબ આજનું પરિણામ બતાડે છે. ભાજપાના તમામ શ્રેણીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઓફિસમાં બેસીને કામ કરવા ટેવાયેલા નથી તે આજનું પરિણામ બતાડે છે.

ભાજપના ધારાસભ્ય, સાંસદ સભ્ય, કાઉન્સિલરઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો હર હંમેશ પ્રજા વચ્ચે રહીને પ્રજાના કાર્યોમાં જોડાયેલા રહે છે. પ્રજા વચ્ચે રહેવું પ્રજાનું કામ કરવું તે જ ભાજપાના કાર્યકર્તાનું પ્રથમ રાજનીતિક અને સામાજિક ઉદેશ્ય છે. ચૂંટણીઓ આવે ત્યારે બધાને જ્ઞાતિ-જાતિનું રાજકારણ યાદ આવે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ પર ગુજરાતની જનતાએ છેલ્લા 27 વર્ષોથી વિશ્વાસ કર્યો અને આ વખતે રેકોર્ડ બ્રેક થાય જેટલી લીડથી અને તેટલી બેઠકોથી નવા ઇતિહાસનું સર્જન કર્યું છે.

ઉપાધ્યક્ષ  ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું કે ભાજપાના કાર્યકર્તાઓએ આ એક યજ્ઞ કર્યો છે અને જ્યારે પણ ગુજરાતની અસ્મિતા બાબતે કોઈપણ લોકો આવીને તેની ઉપર ક્ષોભજનક નિવેદનો કરે છે ત્યારે તે ગુજરાતની જનતાના હૃદયમાં બાણની જેમ વાગી આવે છે. ગુજરાતની જનતાએ આ યજ્ઞ કરીને, પરસેવો ગુજરાતની ધરતી પર વહેવડાવીને ગુજરાતને પ્રગતિશીલ બનાવીને આજે દેશ તેમજ વિશ્વનું ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ગુજરાતની અસ્મિતાને ખતમ કરવાવાળી તાકાતોને ગુજરાતીઓએ આજે ધ્વસ્ત કરીને વિકાસની રાજનીતિને અપનાવી છે. આ અવિરત પ્રેમ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની જવાબદારી પણ ખૂબ વધી જાય છે અને આ 2022ની વિધાનસભાની ચૂંટણીઓએ 2024ની લોકસભાની ચૂંટણીનો વિજયનો પાયો નાખ્યો છે.

વિરોધ પક્ષમાં પણ સ્થાન ન મળી શકે તેવું મેન્ડેડ આજે પ્રજાએ કોંગ્રેસને આપ્યું છે. પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે. કોંગ્રેસે ગુજરાતની અસ્મિતાને બદનામ કરવાની જગ્યાએ તેમજ ગુજરાતના નેતૃત્વને બદનામ કરવાની જગ્યાએ કે અપમાન કરવાની જગ્યાએ દેશની વિકાસયાત્રામાં જોડાઈ જવું જોઈએ તેમ એલિબ્રિજના ચૂંટાયેલ ધારાસભ્ય અને અમદાવાદ અધ્યક્ષ અમિતભાઈ પી. શાહે જણાવ્યું હતું.આજના પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓએ સતત દોઢ વર્ષથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને 1985ના કોંગ્રેસના રેકોર્ડને આજે 37 વર્ષ પછી ધ્વસ્ત કરી દીધો છે અને ભાજપાનો 156 બેઠકનો જીતવાનો નવો રેકોર્ડ સર્જી દીધો છે. 27 વર્ષ પછી વિશ્વમાં ક્યાંય પણ કોઈ પણ સરકારને એન્ટીઇન્કબંસી નડે પરંતુ વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એકમાત્ર વિશ્વ નેતા છે કે દિવસેને દિવસે પ્રજાનો વધુ પ્રેમ અને વિશ્વાસ તેઓ જીતી રહ્યા છે અને આજનું પરિણામ આનું પ્રતિબિંબ પાડે છે.  ધર્મેન્દ્ર ભાઈ શાહે તમામ કાર્યકતા ઓને 2024ની લોકસભાની ચૂંટણીની કામગીરી કરવા માટે કાલથી જ કાર્યરત થઈ જવાની અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.