પૃથ્વીની સંરચનાને લાખો-કરોડો વર્ષો થઈ ગયા છે. આ દરમિયાન અનેક પ્રકારના જીવ-જંતુઓ પૃથ્વી પર આવ્યા છે. તેમાના જે પર્યાવરણમાં થતા પરિવર્તનને ઝીલી શક્યા તે જીવંત રહ્યા હતાં. જે પ્રાણીઓ જીવંત રહ્યા તેમણે પોતાનું જીવન પ્રતિકુળ સ્થિતિમાં ઢાળી દીધું હતું, પરંતુ જેઓ તેમ ન કરી શક્યા તેમની પ્રજાતિ પૃથ્વી પરથી નાશ પામી હતી. આત્યાર સુધીમાં ડાયનાસોરથી લઈને ઘણી બધી પ્રજાતિઓ આ જગતમાંથી લુપ્ત થઈ છે. તેમાંનું એક હતું તસ્માનિયન ટાઇગર. આ ટાઈગર સામાન્ય વાઘથી સંપૂર્ણ પણે જુદો દેખાતો હતો. તેના શરીરનો અડધો ભાગ વાઘ જેવો દેખાતો હતો અને અડધો ભાગ કૂતરા જેવો દેખાતો હતો. એવું કહેવામાં આવે છે કે 85 વર્ષ પહેલાં, તેની પ્રજાતિ વિશ્વમાંથી લુપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ વાઘ ફરી વાર જોવા મળશે એવો દાવો કરવામાં આવ્યો છે.
આ પહેલાં તસ્માનિયન ટાઈગર ઓસ્ટ્રેલિયાના તસ્માનિયામાં જ જોવા મળતા હતા. પરંતુ સમય જતા તેની સંખ્યા ઓછી થતી રહી. ત્યારબાદ 1936 માં તે વિલુપ્ત જાહેર કરી દેવામાં આવ્યો. હવે 85 વર્ષ બાદ આ ટાઈગર ફરી જોવા મળ્યો એવો દાવો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના થાઈલાસીન અવેરનેસ ગ્રુપના પ્રેસિડન્ટ નીલ વોટર્સે ખુલાસો કર્યો કે આટલા વર્ષો પછી એક પરિવારે ફરીથી પ્રાણીને જોવાનો દાવો કર્યો છે.
નીલે વોટર્સે કહ્યું કે, પરિવારે તસ્માનિયન ટાઈગરને જંગલ તરફ જતા જોયો હતો. તેના પુરાવા રૂપે, તેમણે ચાર ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા. તે એક પ્રાણી બતાવે છે જેનો અડધો શરીર વાઘ જેવુ છે અને અડધો ભાગ કૂતરા જેવો છે.
પરંતુ નિષ્ણાંતોએ તેમની આ વાતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, આ ફોટાઓ મોફર્ડ કરેલા છે. તે ફક્ત પબ્લિસિટી માટે જ એડિટ અને રીલીઝ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લોકો આવા ફોટોગ્રાફ્સ પબ્લિસિટી માટે બહાર પાડે છે.
તસ્માનિયન ટાઈગરનો વજન 12થી 22 કિલો જેટલું હતું. તેની લંબાઈ પણ 39 થી 51 ઇંચની હતી. તેના શરીરનો આગળનો ભાગ કૂતરા જેવો દેખાતો હતો અને શરીરનો પાછલો ભાગ વાઘ જેવો લાગતો હતો. રેકોર્ડ્સ અનુસાર, છેલ્લું તસ્માનિયન ટાઈગર(વાઘ) 1930માં જોવા મળ્યું હતું. આ પ્રાણી પ્રૃથ્વી પર આશરે વીસ લાખ વર્ષો પહેલા આવ્યું હતું. કેટલાક લોકો તેને વાઘ નહીં પરંતુ વરુ કહે છે. તેની તસવીરો ઘણી વાર્તા પુસ્તકોમાં જોવા મળે છે પરંતુ કોઈની પાસે વાસ્તવિક ચિત્ર નથી.