Abtak Media Google News

લંડનથી પાછા ફરી શરૂ કરી અનોખી સોડા શોપ, અમદાવાદમાં સોડા સાથે બિગ બીનું અનોખું કનેક્શન, લંડનમાં ભણીને સ્વદેશ પરત આવેલા બે અમદાવાદી ભેજાબાજ બ્રધર્સનો યુનિક સોડા કોન્સેપ્ટ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા જીગર અને દર્શન બ્રહ્મભટ્ટે સોડાનો એક નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે.

અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે બિગ બીસોડા શોપ

આ વાત છે અમદાવાદના એવા બે યુવકોની જેમણે યુ.કે.માં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને સ્વદેશ પરત ફરીને સોડા શોપ ખોલી. જી હાં, મેનેજમેન્ટ ભણી સોડા શોપ! નવાઈ લાગે તેવી વાત તો છે જ. મજાની વાત એ છે કે સંજયભાઈ અને જીગર બ્રહ્મભટ્ટે શરૂ કરેલી ‘બિગ બી’ સોડા શોપ તેના અનોખા કોન્સેપ્ટને કારણે અમદાવાદમાં ખૂબ પ્રચલિત થઇ ગઇ છે.

‘ગંગા’, ‘શોલે’, ‘ આનંદ’ અને ‘ડૉન’ મળશે અહીં…

બોલો સાહેબ શું પીશો? મસાલેદાર ‘ગંગા’, સુપર હિટ ‘શોલે’, ઇમોશનલ ‘આનંદ’ કે પછી કભી ખુશી કભી ગમ? અને જો તમે પોતાની જાતને બધાથી સર્વોપરી સમજો છો તો તમે તમારા માટે ‘ડૉન’ પણ ઓર્ડર કરી શકો છે. આ બધા તો વિવિધ ફ્લેવર્ડ સોડાના નામ છે. અમદાવાદીઓ આજકાલ ‘બિગ બી’ સ્પેશિયલ કોકટેલનો આનંદ પણ માણી રહ્યાં છે. સોડા કોકટેલ સાથે બિગ બીની ફિલ્મોનું મિશ્રણ અમદાવાદીઓમાં ખાસ્સું લોકપ્રિય થઇ રહ્યું છે.

લંડનમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરીને અમદાવાદ પરત ફરેલા બે ભાઇ વિચારતા હતા કે, એવું તે શું કરીએ કે જે ધંધાની દ્રષ્ટીએ તો યુનિક કહી જ શકાય અને સાથે સારી એવી કમાણી પણ કરાવી આપે. આખરે ઘણાં વિકલ્પો વિચાર્યા બાદ બન્ને ભાઇઓએ નક્કી કર્યું કે “આપણે સોડા વેચીશું.”

Sssસોડાની દરેક ફ્લેવર મળે છે ‘બિગ બી’ના ફિલ્મોના નામથી

ભાઈ એક ‘ શરાબી’ અને એક ‘મર્દ’ આપો ને… આવા સંવાદ તેમને કોઇ વીડિયો કે ઓડીયો સીડીના કલેક્શન સેન્ટર કે લાઇબ્રેરી પર સાંભળવા મળે પરંતુ શહેરના ડફનાળા વિસ્તારમાં શરૂ થયેલી એક સોડા શોપ પર પણ તમને ‘લીંબુ સોડા’ કે ‘કાલા ખટ્ટા’ ને બદલે આવી ફિલ્મનાં નામ સાંભળવા મળશે કેમકે આ સોડા શોપ પર દરેક ફ્લેવરની સોડા ‘બિગ બી’ની ફિલ્મના નામથી પરથી જ રાખવામાં આવી છે.

જો સોડા પીવા જનાર બે વ્યક્તિ હોય તો તેમને અમિતાભ બચ્ચનના કોઇ પણ બે અક્ષરવાળી ફિલ્મના નામની ફ્લેવર મળે એટલે કે ડોન, શોલે કે મર્દ અને જો તમે ત્રણ વ્યક્તિ હોવ તો આનંદ કે તુફાન મળે, ચાર વ્યક્તિ હોય તો બાગબાન કે દોસ્તાનાની ફલેવર મળે અને પાંચ વ્યક્તિ સોડા પીવા જાઓ તો શહેનશાહ, પરવરીશ કે સત્તે પે સત્તા ફ્લેવરની સોડા પીવા મળે. જોકે તેમની આ શોપ પર બચ્ચનની ફિલ્મોનાં નામની ૫૦ થી વધુ ફ્લેવરની સોડા મળી શકે. પણ શરત એટલી કે જો પાંચ અક્ષરવાળી ફ્લેવર પસંદ કરો તો પાંચ ગ્લાસ સોડા મળે અને ત્રણ અક્ષર વાળી ફ્લેવર પસંદ કરો તો ત્રણ ગ્લાસ સોડા મળે.

શાહીબાગ ડફનાળા ખાતે ‘બિગ બી કોકટેઇલ કલેક્શન’ના નામથી સોડા શોપ શરૂ કરનારા અભિતાભ બચ્ચનના ફેન જીગર અને દર્શન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, માત્ર ભારત જ નહીં, દુનિયાભરના ઘણા લોકો ‘બિગ બી’ના ફેન છે. પરંતુ મારે મારી સોડા શોપમાં કંઇક નવું કરવું હતું માટે દરેક ફ્લેવરને ‘બિગ બી’ની ફિલ્મના નામથી જોડી દીધી અને લોકોને આ કોન્સેપ્ટ ખૂબ જ ગમી ગયો છે.

માટે હવે કોઇ ગ્રાહક શોપ પર આવીને એક સાદી સોડા કે એક લીંબુ સોડા આપો તેવું નથી કહેતા પરંતુ એક ‘કાલિયા’, ‘કાલા પથ્થર’ કે ‘સિલસિલા’નો ઓર્ડર આપે છે. જોકે પોતાની જાણકારી અને જુદા જુદા મિશ્રણ માટે તેમણે દરેક ફિલ્મ સાથે ફ્લેવરને કૉડ નંબર પણ આપી દીધા છે. સાથેસાથે દરેક ફ્લેવરની સોડામાં પોતે ઘરે જ તૈયાર કરેલા મસાલા પણ ઉમેરવામાં આવતા હોવાનું જીગરભાઇએ જણાવ્યું.

વ્હોટ નેક્સ્ટ???

પોતાના ફ્યૂચર પ્લાન અંગે વાત કરતા આર્દિક કહે છે, “અમે સોડાને કેન્દ્રમાં રાખીને રોચક કોન્સેપ્ટ વિચારતા હોઇએ છીએ, હાલ અમે લકઝુરિયસ ગાડીઓના નામ પર અવનવા સોડા બનાવવાનું વિચારી રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં અમે આ ઉદ્યમની શરૂઆત કરીશું.”

ટૂંકમાં આવનારા દિવસોમાં અમદાવાદની કોઇ સોડા શોપમાં લોકો એવું કહેતા હોય કે, એક ‘ઔડી’ અને એક ‘BMW’ આપો તો નવાઇ ન પામતા!

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.