Abtak Media Google News

પક્ષમાં રહીને પક્ષને નુકસાની પહોંચાડનારાઓ કરતા સામે પડનારાઓથી ભાજપને વધુ લાભ રહેશે: કપાયેલા કે દુભાયેલા થોડા પણ આઘાપાછા થવાની કોશિષ કરશે તો હાંસીયામાં ધકેલાઈ જશે

છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની ઘોષણા થયા બાદ ભાજપમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હોવાનું ઉપજાવવામાં આવી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે.

કમળનો સાથ છોડી દેનાર હંમેશા પછતાય છે. પક્ષ પલ્ટાથી ભાજપને હંમેશા ફાયદો થાય છે. પેટમાં જઈ પગ પહોળા કરનારથી સાવચેત કેમ રહેવું તેના દિશા નિર્દેશ પક્ષને મળી જાય છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે કાર્યકરોનો રાફડો ફાટતો હોય છે અને ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ દરેક પક્ષમાં ભડકો થતો હોય છે. રાજીનામા સ્વીકારવા માટે અલાયદા કાઉન્ટર પણ ખોલવા પડે છે. આ વાત દર વખતે સ્થાનિક ચૂંટણીમાં લગભગ એક જ પેટર્નથી ચાલતી હોય છે. પરંતુ જો રાજકોટ કે અન્ય મહાપાલિકાની વાત કરવામાં આવે તો ભાજપને હંમેશા નારાજ થઈ પક્ષ સાથે છેડો ફાડી નાખનાર ઉમેદવારના જવાથી ફાયદો પહોંચ્યો છે. ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલનના કારણે પક્ષે સારી એવી નુકશાની વેઠવી પડી હતી. જેના માટે અનામત આંદોલન ઉપરાંત પક્ષમાં રહી પક્ષની વાટ લગાડનારાઓ પણ એટલા જ જવાબદાર હતા.

કેટલાક નેતાઓ માત્રને માત્ર ટિકિટ કે હોદ્દો મેળવવા માટે જ ભાજપમાં જોડાતા હોય છે અને તેઓને વર્ષો સુધી પક્ષ ગમે તેટલું આપે પરંતુ તેઓનું પેટ ભરાતું નથી. જેવી ટિકિટ પર કાતર ફરે કે તેઓ બીજી દુકાન શોધવા લાગે છે. ગત ચૂંટણીમાં રાજભા ઝાલાએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો જેનેથી ભાજપને જ ફાયદો થયો હતો કારણ કે રાજભા ઝાલા એક સમયે શહેર ભાજપ મહામંત્રી અને સ્ટે. કમીટીના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવતા હતા. તે નારાજ થઈને પક્ષમાં પડ્યા રહે તો ભાજપે તેમના જવાથી જેટલી નુકશાની વેઠવી ન પડે તેટલી તેની પક્ષમાં રહીને જે નિષ્ક્રીયતા કે પક્ષ વિરોધી પ્રવૃતિ હોય તેનાથી વેઠવી પડત. પરંતુ રાજભાએ ચૂંટણી પહેલા જ કેશરીયો ફગાવતા પક્ષને લાંબાગાળે ફાયદો થયો હતો. જે વોર્ડમાં તેઓનું પ્રભુત્વ હતું તે વોર્ડમાં ભાજપ ચારેય બેઠકો જીતી આખી પેનલ સાથે સાંગોપાંગ નીકળી ગયું હતું.

આ વખતે ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા કેટલાક નીતિ નિયમો ઘડ્યા છે. જે ફીટ બેસતા હતા તેવા ૧૦ સિટીંગ કોર્પોરેટરોની ટિકિટ પર આપો આપ કાતર ચાલી ગઈ છે તો અન્ય ૧૮ને જ્ઞાતિ-જાતિના સમીકરણો કે અનામતની આંટીઘુંટીના કારણે પડતા મુકવામાં આવ્યા છે. જેની ટિકિટ કપાઈ છે તે સ્વાભાવીક નિરાશ હોય. આ ઉપરાંત વર્ષોથી કાળી મજૂરી કરતા કાર્યકરો ટિકિટ માટે સંભવિત દાવેદાર મનાતા હતા તેને ટિકિટ મળી નથી અને દુભાયા છે. કોઈ એક વ્યક્તિને ટિકિટ ન મળતા આખા સમાજને અન્યાય થયો છે તેવો માહોલ ઉભો કરવામાં આવે છે. વાસ્તવમાં આવી નીતિ-રીતિથી ઉમેદવારને કે કાર્યકરને નુકશાન જાય છે. પક્ષ માટે હંમેશા આ વસ્તુ ફાયદાકારક રહે છે. કારણ કે ટિકિટ ન મળતા જે કાર્યકર નારાજ થઈ પક્ષ છોડે છે અથવા પક્ષ વિરોધી પ્રવૃતિ કરે છે તેમાં તે નિષ્ફળ નિવડે તો પક્ષ માટે ઉદાહરણરૂપ બની જાય છે. જ્યારે અન્ય કાર્યકરો પક્ષ સામે બાયો ચઢાવે ત્યારે મોવડી મંડળ આવા દુભાયેલાઓને જે તે સમયે પક્ષ સામે થવાનું પરિણામ કાર્યકરોએ શું ભોગવવું પડ્યું હતું તેનું ઉદાહરણ આપતા હોય છે. પક્ષમાં રહીને નારાજગી વ્યકત કરી અને પાર્ટીને નુકશાન કરનારા વ્યક્તિ કરતા પક્ષ છોડી જનારથી ભાજપને ફાયદો થતો હોવાનું અનેકવાર પુરવાર થઈ ચૂકયું છે. મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થયા બાદ એવું કહેવામાં આવતું હોય કે જે તે સમાજને અન્યાય થયો છે પરંતુ એકલ દોકલની ટિકિટ કપાવાથી આખો સમાજ તેની સાથે જોડાય જાય તેવું બનતું નથી. સમાજ આખો એકલ-દોકલ ઉમેદવાર સાથે ચાલતો હોત તો ૨૦૧૫માં જ્યારે અનામત આંદોલનની વ્યાપક અસર હતી ત્યારે ૬ મહાપાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સત્તારૂઢ થવાના બદલે સિંગલ ડિજીટમાં બેઠકો જીત્યું હોત. એવો માહોલ ચોક્કસ ઉભો કરાય છે કે અમારા સમાજ સાથે અન્યાય થયો છે પરંતુ એ વાતમાં ક્યારેય દમ હોતો નથી. પક્ષમાં રહી પક્ષને નુકશાન પહોંચનારાઓથી પક્ષને ચોકકસ હાની પહોંચતી હોય છે પરંતુ સાથ છોડી દેનાર આગેવાન કે કાર્યકરથી હંમેશા ભાજપને ભુતકાળમાં ફાયદો જ ફાયદો થયો છે. જે આગેવાનોએ પક્ષની સ્થાપના કરી હતી તેને પણ પક્ષ છોડ્યા બાદ પ્રજાએ સ્વીકાર્યા ન હતા તો નવાસવા કાર્યકરોના પક્ષ છોડવાથી ભાજપને ક્યારેય નુકશાન જતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.