Abtak Media Google News

પોષણક્ષમ ભાવ, દેવામાફી, પાક વિમો અને જમીન માંપણી મુદે સરકારની નીતિ સામે વિરોધ નોંધાવવા આજે પ્રતિક ધરણા, કાલે ઘંટારવ અને રવિવારે જેલભરો કાર્યક્રમ

કોંગ્રેસ દ્વારા ખેડુતોનાં વિવિધ પ્રશ્ર્ને આજથી ૩ દિવસનું રાજયવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. જેમાં ખેડુતોના પાકનાં પોષણક્ષમ ભાવો, દેવામાફી, પાક વીમો, જમીન માંપણી સહિતના પ્રશ્ર્નોને લઈને ત્રણ દિવસ સુધી વિરોધ દર્શક કાર્યક્રમ આપવામાં આવશે આજરોજ ધરણા અને આવતીકાલનાં રોજ ઘંટારવ અને રવિવારના રોજ જેલભરો આંદોલન ચલાવવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી રાજયભરમાં ગ્રામ્ય કક્ષા સુધી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પાકના પોષણક્ષમ ભાવ, દેવા માફી, પાક વિમો અને જમીન માપણી સહિતના ખેડૂતોનાં વિવિધ પ્રશ્ર્ને કોંગ્રેસ દ્વારા આજે તાલુકા સ્તરે ધરણા યોજી આવેદન પત્ર પાઠવવામાં આવશે.

ત્યારબાદ આવતીકાલના રોજ ઘંટરાવનો કાર્યક્રમ યોજાશે જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઘંટ વગાડીને સરકારને ઉંઘમાંથી ઉઠાડવાનો પ્રયત્ન કરશે.

આ ઉપરાંત આગામી રવિવારના રોજ ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી ઉપવાસ અને રસ્તા રોકી જેલભરો આંદોલન કરવામાં આવશે. આવતીકાલનાં ઘંટરાવ કાર્યક્રમમાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો તેમજ જિલ્લા મથકે ખેડુતો અને કોંગી કાર્યકર્તાઓ વાટકો અને ચમકી લઈને રસ્તા પર નીકળશે.

વિપક્ષ નેતા ધાનાણીના આજે અમરેલીમાં ધરણા

અમરેલી જિલ્લા સહિત ગુજરાત અને દેશભરનાં ખેડુતો પોષણક્ષમ ભાવો, દેવામાફી, પાકવીમો, જમીન માપણી સહિતના પ્રશ્ર્નો અંગે આંદોલન ચલાવી રહ્યા છે. તેવા જ સમયે વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં શુક્રવારથી રવિવાર સુધી ખેડુતોના પ્રશ્ર્ને ભાજપ સરકાર સામે હલ્લાબોલ કરવાનો નિર્ણય કર્યો છે. આજે અમરેલીમાં ડો. જીવરાજ મહેતા ચોકમાં જિલ્લાભરનાં ખેડુત પરિવારો, ખેડુત સંગઠનો સાથે વિપક્ષી નેતા પરેશ ધાનાણી પ્રતિક ધરણા કરીને સાંજના ૪ કલાકે વિશાળ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવશે.

બેડી નજીક શાકભાજી અનેદુધ ઢોળીને વિરોધ પ્રદર્શન

પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્ર્ને ત્રણ દિવસનું આંદોલન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ તાલુકા કોંગ્રેસે પણ વિરોધ દર્શક કાર્યક્રમનું આયોજન કર્યું છે. રાજકોટ તાલુકા કોંગ્રેસ દ્વારા આજે બેડી નજીકનાં સર્કલે શાકભાજી અને દુધ ઢોળીને સરકાર સામે વિરોધ પ્રગટ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આ વિરોધ દર્શક કાર્યક્રમમા ખેડુતો ઉપરાંત તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયતના હોદદારોએ જોડાઈને સરકારની નીતિ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.